વડાપ્રધાન મોદીએ કહ્યું- ચાંદામામા હવે દૂર નથી, ચંદ્રયાન-3ની સફળતા સાથે જ ઈસરોના વડાને કર્યો ફોન

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે જ ભારતે 23 ઓગષ્ટના રોજ સમગ્ર વિશ્વમાં અનેરો ઈતિહાસ રચ્યો છે. ઈસરો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે બુધવારે સાંજે 6:04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.  ચંદ્રયાન-3ની અભૂતપૂર્વ સફળતા BRICS સમિટમાં સહભાગી બનવા […]

Share:

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ સાથે જ ભારતે 23 ઓગષ્ટના રોજ સમગ્ર વિશ્વમાં અનેરો ઈતિહાસ રચ્યો છે. ઈસરો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે બુધવારે સાંજે 6:04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કર્યું હતું. વડાપ્રધાન મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. 

ચંદ્રયાન-3ની અભૂતપૂર્વ સફળતા

BRICS સમિટમાં સહભાગી બનવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચેલા વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી ઈસરો સાથે કનેક્ટ થયા હતા. તેમણે દેશવાસીઓ અને ઈસરોને આ શાનદાર ઉપલબ્ધિ માટે શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સ્પેસ એજન્સીના વડા એસ સોમનાથને કોલ ડાયલ કરીને તેમને અને તેમની સમગ્ર ટીમને આ ઐતિહાસિક સફળતા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત ખૂબ જ ટૂંક સમયમાં પોતે રૂબરૂ અભિનંદન આપવા માટે તેમના સાથે હશે તેમ જણાવ્યું હતું. 

વડાપ્રધાન મોદીએ ઈસરોના વડાને ફોનમાં કહ્યું હતું કે, “તમારૂં નામ સોમનાથ છે અને સોમનાથનો અર્થ ચંદ્ર થાય છે. મારા તરફથી તમને અને તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.”

વડાપ્રધાન મોદીએ કહ્યું- ચાંદામામા હવે દૂર નથી

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “જ્યારે આપણે આપણી નજર સમક્ષ ઈતિહાસ રચાતો જોઈએ છીએ તો જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ અભૂતપૂર્વ છે. આ ક્ષણ વિકસિત ભારતનો શંખનાદ છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. 

આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ વિજયના ચંદ્રપથ પર ચાલવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોના સામર્થ્યની છે. આ ક્ષણ ભારતમાં નવી ઉર્જા, નવા વિશ્વાસ, નવી ચેતનાની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહ્વાનની છે. અમૃતકાળની પ્રથમ પ્રભામાં સફળતાની અમૃત વર્ષા થઈ છે. આપણે ધરતી પર સંકલ્પ લઈને તેને ચંદ્ર પર સાકાર કર્યો છે. આપણા વૈજ્ઞાનિક સાથીઓએ પણ કહ્યું કે- ભારત આજે ચંદ્ર પર પહોંચી ગયો છે.”

રશિયન મિશનની નિષ્ફળતા

માનવરહિત ચંદ્રયાન-3એ 23મી ઓગષ્ટના રોજ નિર્ધારિત સમય 6:04 કલાકે ચંદ્રની ધરતી પર ઉતરાણ કર્યું હતું. આ સાથે જ મિશન કંટ્રોલના ટેક્નિશિયન્સે ખૂબ જ ઉત્સાહભેર પોતાના સાથીદારોને આલિંગન આપ્યું હતું. 4 વર્ષ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણનો ભારતનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો અને તાજેતરમાં જ રશિયન લૂનાર મિશનની નિષ્ફળતા બાદ ચંદ્રયાન-3ની સફળતા વધુ મહત્વની બની રહે છે. 

વડાપ્રધાન મોદીએ સાઉથ આફ્રિકાથી ભારતીય લૂનાર મિશન ચંદ્રયાન-3ના લેન્ડિંગની સમગ્ર ઘટનાનું વર્ચ્યુઅલ પ્રસારણ જોયું હતું અને તેમના મોઢા પર અનેરો આનંદ ઝળકી ઉઠ્યો હતો. સાથે જ સરહદોના સીમાડા ઓળંગીને વિસ્તરેલી ભારતની સફળતાને તિરંગો લહેરાવીને જાહેર કરી હતી