15મી બ્રિક્સ સમિટમાં સામેલ થવા સાઉથ આફ્રિકા પહોંચશે PM મોદી, ચીની રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંવાદની શક્યતા

વડાપ્રધાન મોદી 15મી બ્રિક્સ સમિટ (BRICS)માં સહભાગી બનવા માટે 22થી 24 ઓગષ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે 18 ઓગષ્ટના રોજ આ અંગેની જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન કિરિયોકોસ મિત્સોટાકિસના આમંત્રણને માન આપીને 25મી ઓગષ્ટ, શુક્રવારે ગ્રીસની મુલાકાતે […]

Share:

વડાપ્રધાન મોદી 15મી બ્રિક્સ સમિટ (BRICS)માં સહભાગી બનવા માટે 22થી 24 ઓગષ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે 18 ઓગષ્ટના રોજ આ અંગેની જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન મોદી બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન કિરિયોકોસ મિત્સોટાકિસના આમંત્રણને માન આપીને 25મી ઓગષ્ટ, શુક્રવારે ગ્રીસની મુલાકાતે જશે. આમ 40 વર્ષ બાદ ભારતના કોઈ વડાપ્રધાન ગ્રીસની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. 

સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ગુરૂવારે વડાપ્રધાન મોદીને ફોન કરીને બ્રિક્સ સમિટ માટે આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ તે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. તેઓ બ્રિક્સ સંગઠનના વિસ્તાર માટે લેવાનારા નિર્ણયમાં સહભાગી બનશે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ પણ બ્રિક્સમાં સામેલ થવા અરજી કરેલી છે. બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરે તેવી પણ શક્યતા છે. બ્રિક્સ જૂથમાં ભારત ઉપરાંત ચીન, રશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. 

બ્રિક્સ સમિટમાં શી જિનપિંગ પણ થશે સામેલ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (XI Jinping) પણ બ્રિક્સ સમિટમાં સામેલ થવાના છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુઆંગે  (Hua Chuniying) ”દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણને માન આપીને શી જિનપિંગ બ્રિકસ સમિટમાં સામેલ થશે તેમ જણાવ્યું હતું.” 

જાણો બ્રિક્સની શરૂઆત વિશે

બ્રિક્સ સૌથી પહેલા BRIC (બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન) તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. આ ચારેય દેશના નેતાઓ જુલાઈ 2006માં G8 આઉટરીચ શિખર સંમેલન દરમિયાન રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે મળ્યા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બર 2006માં તેને સત્તાવાર સ્વરૂપ આપવામાં આવ્યું હતું. બાદમાં દક્ષિણ આફ્રિકા પણ આ જૂથમાં સામેલ થયું એટલે તે બ્રિક્સ (BRICS) ગ્રુપ બન્યુ હતું. 

બ્રિક્સ સમિટનો ઉદ્દેશ્ય

બ્રિક્સનો પ્રથમ ઉદ્દેશ્ય રાજકીય અને સુરક્ષા સાથે સંકળાયેલો છે. તેના અંતર્ગત બ્રિક્સમાં સામેલ દેશોમાં વૈશ્વિક, ક્ષેત્રીય સુરક્ષા અને વૈશ્વિક રાજનૈતિક ક્ષેત્રોનો સંવાદ વધારવાનો છે. બીજો ઉદ્દેશ્ય આર્થિક અને નાણાકીય છે. તે મુજબ વેપાર, કૃષિ અને માળખાકીય સુવિધા સહિતના અનેક ક્ષેત્રમાં સહયોગ વધારવાનો છે. ઉપરાંત સાંસ્કૃતિક, શૈક્ષણિક, યુવા અને રમતને લગતા ક્ષેત્રોમાં બ્રિક્સમાં સામેલ દેશના લોકોનો સંપર્ક મજબૂત કરવાનો પણ છે.

અનેક દેશ બ્રિક્સમાં સામેલ થવા તત્પર

સાઉદી, યુએઈ, મિસ્ત્ર અને ઈરાન સહિત અનેક ડઝન દેશો બ્રિક્સ સંગઠનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે અને તેની સદસ્યતા મેળવવા માટે અરજી પણ કરેલી છે. જોકે કોઈ પણ દેશને આ સંગઠનનો હિસ્સો બનાવવા માટે તેના સદસ્ય દેશો વચ્ચે સહમતિ સધાય તે જરૂરી છે. હાલ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા આ સંગઠનના સદસ્યો છે.