રશિયાએ મહાવિનાશક પરમાણુ મિસાઈલ સરમતને યુદ્ધ ડ્યુટી પર તૈનાત કરી

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ પોતાની મહાવિનાશક પરમાણુ મિસાઈલ સરમતને યુદ્ધ ડ્યુટી પર તૈનાત કરી દીધી છે. આ ઈન્ટરકોન્ટિનેન્ટલ મિસાઈલ રશિયન શસ્ત્રાગરના સૌથી આધુનિક હથિયારો પૈકીનું એક છે. રશિયાની આ મિસાઈલ અમેરિકા સુધી પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મિસાઈલ માટે કહ્યું હતું કે, તે રશિયાના દુશ્મનોને બે વખત […]

Share:

યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ પોતાની મહાવિનાશક પરમાણુ મિસાઈલ સરમતને યુદ્ધ ડ્યુટી પર તૈનાત કરી દીધી છે. આ ઈન્ટરકોન્ટિનેન્ટલ મિસાઈલ રશિયન શસ્ત્રાગરના સૌથી આધુનિક હથિયારો પૈકીનું એક છે. રશિયાની આ મિસાઈલ અમેરિકા સુધી પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ મિસાઈલ માટે કહ્યું હતું કે, તે રશિયાના દુશ્મનોને બે વખત વિચારવા માટે મજબૂર કરશે. 

રશિયાની સ્પેસ એજન્સીના ચીફ યૂરી બોરિસોવે જણાવ્યું હતું કે, સરમત મિસાઈલને સેવામાં સામેલ કરી દેવાઈ છે. રશિયાના આ એલાનના કારણે નાટો દેશોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. યૂરીએ જણાવ્યું હતું કે, સરમતની સ્ટ્રેટજિક સિસ્ટમ એલર્ટ મોડમાં છે. 

રશિયાની સમાચાર એજન્સી તાસ એ નિષ્ણાતોના હવાલાથી લખ્યું હતું કે, RS-28 સરમત મિસાઈલ 10 ટન વજનના અનેક પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલ વિશ્વના કોઈ પણ ખૂણે હુમલો કરવા માટે સક્ષમ છે. શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું હતું કે, તેઓ રશિયાએ સરમત મિસાઈલને યુદ્ધ ડ્યુટીમાં તૈનાત કરી કે નહીં તેની પુષ્ટી કરવાની સ્થિતિમાં નથી. 

એક સાથે 15 પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે સરમત

પુતિને અગાઉ ફેબ્રુઆરી મહિનામાં કહ્યું હતું કે, સરમત મિસાઈલ ટૂંક સમયમાં જ તૈનાત કરવામાં આવશે. સરમત મિસાઈલની વિશ્વસનીયતા વિદેશી જોખમ સામે સુરક્ષા આપશે. સાથે જ જે રશિયાને ધમકાવવા માટે આક્રમક નિવેદનો આપી રહ્યા છે તેઓ બે વખત વિચાર કરશે. સરમત મિસાઈલ જમીન નીચે સુરંગમાં રાખવામાં આવે છે અને રશિયાના કહેવા પ્રમાણે આ મિસાઈલ એક સાથે 15 પરમાણુ બોમ્બનું વહન કરવા માટે સક્ષમ છે. જોકે અમેરિકી સેના આ મિસાઈલ એક સાથે 10 પરમાણુ બોમ્બ લઈ જઈ શકે તેમ હોવાનું માને છે. 

શેતાન તરીકે ઓળખાય છે સરમત

નાટો દેશો સરમત મિસાઈલને શેતાન તરીકે ઓળખે છે. આ મિસાઈલ લોન્ચ ફેઝમાં ખૂબ જ ઓછો સમય લે છે જેથી દુશ્મનો માટે મિસાઈલ ટ્રેક કરવી મુશ્કેલ બની જાય છે. આ મિસાઈલ 200 ટન વજનની હોય છે અને તેની મારક ક્ષમતા 18 હજાર કિમી સુધીની છે. રશિયાએ આ મિસાઈલના અનેક સફળ પરિક્ષણ પણ કર્યા છે અને રશિયાએ નાટો દેશોને ડરાવવા માટે આ મિસાઈલની તૈનાતીની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે કારણ કે, નાટો દેશો યુક્રેનના સમર્થનમાં ખુલીને સામે આવ્યા છે. 

નોંધનીય છે કે, હમણાંથી રશિયા પર ડ્રોન એટેક વધી ગયા છે. આ ડ્રોન હુમલાઓ પાછળ યુક્રેનનો હાથ હોવાનો મોસ્કો દ્વારા દાવો કરવામાં આવ્યો છે.