રશિયાના રાષ્ટ્રપતિ પુતિને 15મી બ્રિક્સ સમિટમાં હાજર રહેવાનું ટાળીને દક્ષિણ આફ્રિકાને રાહત કરી આપી

દક્ષિણ આફ્રિકામાં આજથી 24મી ઓગષ્ટ સુધી ચાલનારી 15મી બ્રિક્સ સમિટનો આરંભ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે મંગળવારે સવારે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ જવા માટે રવાના થયા હતા. દક્ષિણ આફ્રિકામાં એવા સમયે બ્રિક્સ સમિટનું આયોજન થઈ રહ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધ તથા યુએસ-ચીન વચ્ચેની દુશ્મનીના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ઉથલપાથલ […]

Share:

દક્ષિણ આફ્રિકામાં આજથી 24મી ઓગષ્ટ સુધી ચાલનારી 15મી બ્રિક્સ સમિટનો આરંભ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી બ્રિક્સ સમિટમાં સામેલ થવા માટે મંગળવારે સવારે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગ જવા માટે રવાના થયા હતા. દક્ષિણ આફ્રિકામાં એવા સમયે બ્રિક્સ સમિટનું આયોજન થઈ રહ્યું છે જ્યારે યુક્રેન યુદ્ધ તથા યુએસ-ચીન વચ્ચેની દુશ્મનીના કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. અનેક દેશોને આ અથડામણની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર અનુભવાઈ રહી છે જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા પણ અપવાદ નથી. 

પુતિનને ધરપકડનો ડર

જોકે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધરપકડના ડરથી પોતે 15મી બ્રિક્સ સમિટમાં સામેલ નહીં થાય તેમ જાહેર કર્યું છે તે એક રીતે દક્ષિણ આફ્રિકા માટે રાહતની વાત છે. દક્ષિણ આફ્રિકા 15મી બ્રિક્સ સમિટની યજમાની કરી રહ્યું છે તેવા સમયે રશિયન રાષ્ટ્રપતિએ આ સંમેલનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જો તેઓ આ સંમેલનમાં સામેલ થવા માટે જિદ કરતા તો દક્ષિણ આફ્રિકાએ સમગ્ર વિશ્વ સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડેત.

ICCની અવગણના કરવી દક્ષિણ આફ્રિકા માટે મુસીબત બની શકેત

હકીકતે યુક્રેનના નરસંહાર અને માનવતા વિરૂદ્ધના ગુનાઓને લઈ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (ICC) આ વર્ષે માર્ચ મહિનામાં પુતિન વિરૂદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું હતું. રોમ સ્ટેચ્યુટના હસ્તાક્ષરકર્તા તરીકે દક્ષિણ આફ્રિકા તેમની ધરતી પર પુતિન પગ મુકે તો તેમની ધરપકડ કરવા માટે બંધાયેલું છે. આ સંજોગોમાં પુતિનના આગમનથી તેણે પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવી પડે તેમ હતી. જોકે પુતિને પોતે જ 15મી બ્રિક્સ સમિટમાં હાજરી આપવાનું ટાળીને દક્ષિણ આફ્રિકાને રાહત કરી આપી છે. 

દક્ષિણ આફ્રિકાએ વર્ષ 2015માં સુદાનના નેતા ઓમર અલ બશીરની ધરપકડ કરવાનો ઈનકાર કર્યો હતો અને ICC પ્રત્યે પ્રતિબદ્ધતા સાબિત કરવામાં નિષ્ફળતા મેળવી હતી. આ વખતે અમેરિકા અને યુરોપ પુતિનના વિરોધમાં હતા તેવી સ્થિતિમાં જો દક્ષિણ આફ્રિકા ICCની અવગણના કરે તો તેણે ઘણી મોટી કિંમત ચુકવવી પડેત. નોંધનીય છે કે, યુક્રેન યુદ્ધ દરમિયાન દક્ષિણ આફ્રિકા અમેરિકા અને અન્ય પશ્ચિમી સહયોગીઓના દબાણ છતાં તટસ્થ રહ્યું હતું. 

આમ પુતિને ડિજિટલ માધ્યમથી 15મી બ્રિક્સ સમિટમાં જોડાવવાનો નિર્ણય લીધો છે અને વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ દક્ષિણ આફ્રિકામાં રશિયાનું પ્રતિનિધિત્વ કરશે. 

15મી બ્રિક્સ સમિટ ખાસ શા માટે

2019ના વર્ષ બાદ પ્રથમ વખત બ્રિક્સના નેતાઓ સામસામે શિખર સંમેલનમાં એકઠા થશે. ચીન બ્રિક્સનો વિસ્તાર કરીને તેને પશ્ચિમી દેશો સામે મજબૂત બનાવવા ઈચ્છે છે. આ કારણે જ યુએઈથી લઈને પાકિસ્તાન સહિત અનેક દેશોએ બ્રિક્સમાં સામેલ થવા ઈચ્છા દર્શાવી છે.

એક રીતે બ્રિક્સના વિસ્તારને લઈ ટેન્શન ચાલી રહ્યું છે કારણ કે, હાલ રશિયા અને ચીનની વિદેશ નીતિ મુખ્યત્વે પશ્ચિમી દેશોની વિરૂદ્ધની છે. બંને દેશ ખાસ કરીને અમેરિકા સાથે સંઘર્ષમાં છે અને રશિયા-ચીન એકબીજાની નજીક આવી રહ્યા છે.