વધુ પડતા આવેગના કારણે નિષ્ફળ બન્યું રશિયાનું મૂન મિશન લુના-25, ચંદ્રની સપાટી પર ક્રેશ થયું

રશિયાની અવકાશ એજન્સી રોસકોસ્મોસે રવિવારે પોતાનું લુના-25 અવકાશયાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ ગયું હોવાની માહિતી આપી હતી. આમ રશિયાનું મૂન મિશન નિષ્ફળ ગયું છે, આ તેનો 47 વર્ષમાં કરવામાં આવેલો પ્રથમ પ્રયાસ હતો.  ટેક્નિકલ ખામીના કારણે લુના-25એ નિયંત્રણ ગુમાવતા તે ચંદ્ર પર તૂટી પડ્યું હતું.  લુના-25 એ રશિયા દ્વારા હાથ પર લેવામાં આવેલું […]

Share:

રશિયાની અવકાશ એજન્સી રોસકોસ્મોસે રવિવારે પોતાનું લુના-25 અવકાશયાન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ ગયું હોવાની માહિતી આપી હતી. આમ રશિયાનું મૂન મિશન નિષ્ફળ ગયું છે, આ તેનો 47 વર્ષમાં કરવામાં આવેલો પ્રથમ પ્રયાસ હતો.  ટેક્નિકલ ખામીના કારણે લુના-25એ નિયંત્રણ ગુમાવતા તે ચંદ્ર પર તૂટી પડ્યું હતું.  લુના-25 એ રશિયા દ્વારા હાથ પર લેવામાં આવેલું છેલ્લા 47 વર્ષ દરમિયાનનું પ્રથમ મૂન મિશન હતું. 

રશિયાનું સ્પેસ મિશન લુના-25 રવિવારે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. તેના આગલા દિવસે લુના-25માં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. રશિયન સ્પેસ એજન્સીને સંપૂર્ણ વિશ્વાસ હતો કે, તેમનું મૂન મિશન સફળ રહેશે પરંતુ તે શક્ય ન બન્યું. સોમવારથી બુધવાર દરમિયાન લુના-25 લેન્ડ થવાનું હતું. 

રશિયાનું મૂન મિશન લુના-25ની નિષ્ફળતાનુું કારણ

રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસ દ્વારા પોતાનું લુના-25 અંતરિક્ષ યાન ચંદ્ર પર દુર્ઘટનાગ્રસ્ત બન્યું તેનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે માનવરહિત રોબોટ લેન્ડર કક્ષામાં અનિયંત્રિત થયા બાદ ચંદ્ર સાથે અથડાયું હતું. યાન અણધારી કક્ષામાં પહોંચી ગયું ત્યાર બાદ ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. 

રશિયાનું મૂન મિશન લુના-25 નિષ્ફળ ગયું તેની નિષ્ફળતા માટે ઈમ્પલ્સ એટલે કે, આવેગને મુખ્ય કારણ માનવામાં આવે છે. ઉડાન યોજના અને અન્ય પ્રક્રિયાઓ માટે બનેલા ઓટોમેટિક સ્ટેશન દ્વારા નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત 19 ઓગષ્ટના રોજ રશિયન યાનને ઈમ્પલ્સ આપવામાં આવેલો. આ પ્રકારના આવેગ આપવા પાછળનું મુખ્ય લક્ષ્ય યાનને લેન્ડિંગ કરતા પહેલા જરૂરી દીર્ઘ-વૃત્તાકાર કક્ષામાં લાવવા માટેનું હતું. જોકે ત્યાર બાદ શનિવારે મોસ્કોના સમયાનુસાર 14:57 કલાકે લુના-25નો ઓટોમેટિક સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

ભારતનું મૂન મિશન સફળ જવાની શક્યતા વધુ

રશિયાની પહેલા ભારતે ગત મહિને 14 જુલાઈના રોજ પોતાનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન-3 મોકલ્યું હતું. તે પૃથ્વી અને ચંદ્રની ચારે બાજુ ચક્કર લગાવીને ચંદ્રની સપાટીની નજીક પહોંચી ચુક્યુ છે. 4 વર્ષ પહેલા વર્ષ 2019માં પણ ભારતે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું પરંતુ ચંદ્રની સપાટી પર લેન્ડિંગ પહેલા તે નિષ્ફળ ગયુ હતું. 

ISROના વૈજ્ઞાનિકોએ આ વખતે ત્રીજું મિશન સફળ બનાવવા માટે રાત-દિવસ એક કર્યા છે. 10 ઓગષ્ટના રોજ રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે પણ પોતાનું મૂન મિશન લુના-25 મોકલ્યું હતું. ચંદ્રયાન-3 પછી મોકલવામાં આવ્યું હતું તેમ છતાં તે પહેલા લેન્ડિંગ કરવાનું હતું. 

ભારતનું ચંદ્રયાન-3 આગામી 23 ઓગષ્ટે સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરાણ કરશે. લુના-25 સોમવારે લેન્ડિંગ કરે તેવી શક્યતા હતી પરંતુ અચાનક સમસ્યા આવવાના કારણે તે રવિવારે ચંદ્રની સપાટી સાથે અથડાયુ હતું.  છેલ્લા ઘણાં સમયથી અનેક મોરચે લડાઈ લડી રહેલા રશિયાએ અનેક સમસ્યાઓ છતાં 47 વર્ષ બાદ પોતાનું મૂન મિશન લુના-25 લોન્ચ કર્યું હતું.