પાકિસ્તાનમાં બીજો આત્મઘાતી હુમલો, બલૂચિસ્તાન બાદ ખૈબર પખ્તુનખ્વાની મસ્જિદમાં વિસ્ફોટ

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજ એક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની હંગુ મસ્જિદમાં નમાઝ દરમિયાન બીજા વિસ્ફોટથી પાકિસ્તાન હચમચી ગયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હંગુ જિલ્લામાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. વિસ્ફોટ સમયે ઘણા […]

Share:

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 29 સપ્ટેમ્બર શુક્રવારના રોજ એક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની હંગુ મસ્જિદમાં નમાઝ દરમિયાન બીજા વિસ્ફોટથી પાકિસ્તાન હચમચી ગયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હંગુ જિલ્લામાં મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે.

વિસ્ફોટ સમયે ઘણા નમાઝીઓ હાજર હતા

આ વિસ્ફોટ જુમાની નમાજ દરમિયાન થયો હતો. દોઆબા પોલીસ સ્ટેશનના એસએચઓ શાહરાજ ખાને કહ્યું કે તેઓ માને છે કે આ આત્મઘાતી વિસ્ફોટ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે મસ્જિદમાં 30 થી 40 નમાઝીઓ હાજર હતા અને કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

એક અહેવાલ અનુસાર, હંગુ જિલ્લાના દોઆબા પોલીસ સ્ટેશનમાં બે વિસ્ફોટ થયા હતા, જેના પરિણામે એક પોલીસ અધિકારી સહિત ઓછામાં ઓછા ચારના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. પ્રથમ વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશદ્વાર પર થયો હતો, જેના કારણે ઘટનાસ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ હતી. થોડા સમય બાદ, શુક્રવારના ઉપદેશ દરમિયાન પોલીસ સ્ટેશન પરિસરમાં એક મસ્જિદની અંદર બીજો વિસ્ફોટ થયો હતો.

હાંગુ જિલ્લા પોલીસ અધિકારી નિસાર અહેમદે જણાવ્યું હતું કે વિસ્ફોટની અસરને કારણે મસ્જિદની છત ઉડી ગઈ હતી. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કાટમાળમાંથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢવા માટે ભારે મશીનરી બોલાવવામાં આવી છે. વિસ્ફોટ બાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મસ્જિદ પાસે લોકોની ભીડ જોવા મળી રહી છે. 

બલૂચિસ્તાન બ્લાસ્ટમાં 52 લોકોએ જીવ ગુમાવ્યો

અગાઉ, બલૂચિસ્તાન પ્રાંતમાં એક મસ્જિદ નજીક આત્મઘાતી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો માર્યા ગયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા કારણ કે તેઓ પ્રોફેટ મુહમ્મદના જન્મદિવસની ઉજવણી માટે એકઠા થયા હતા. મસ્તુંગ જિલ્લામાં અલ ફલાહ રોડ પર મદીના મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. મૃતકોમાં મસ્તુંગ જિલ્લાના ડીએસપી નવાઝ ગશકોરીનો પણ સમાવેશ થાય છે, જે રેલી માટે ફરજ પર હતા.

આ મામલે શહીદ નવાબ ગૌસ બખ્શ રાયસાની મેમોરિયલ હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. સઈદ મીરવાનીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ડઝનેક લોકોની સારવાર ચાલી રહી છે, જ્યારે 20થી વધુ ઘાયલ લોકોને ક્વેટા રિફર કરવામાં આવ્યા છે. હાલ કોઈ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. તો બીજી તરફ, પાકિસ્તાની તાલિબાને તરત જ તેનાથી પોતાની જાતને અળગી રાખી છે.

ઈસ્લામિક સ્ટેટ જૂથે બલુચિસ્તાન અને અન્ય સ્થળોએ અગાઉના ઘાતક હુમલાઓનો દાવો કર્યો છે. બલૂચિસ્તાન બાદ ખૈબર પખ્તૂનખ્વામાં વિસ્ફોટ થયા બાદ પાકિસ્તાનની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે.