Pakistanમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન, ઈન્ટરનેટ ઠપ...શું Dawood Ibrahim સાથે છે કનેક્શન?

Dawood Ibrahim: સમગ્ર પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ઠપ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ડાઉન છે. પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈની વર્ચ્યુઅલ રેલી પહેલાં સમગ્ર દેશમાં ઈન્ટરનેટ બંધ થઈ ગયુ છે.

Share:

હાઈલાઇટ્સ

  • આખા પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા થઈ ઠપ
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરવામાં તકલીફ
  • દાઉદ ઈબ્રાહિમના કારણે નેટ સાથે છેડછાડનો દાવો

Dawood Ibrahim: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોઈ અજાણ્યા શખસે દાઉદને ઝેર આપી દીધું છે. જે બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત ગંભીર હોવાનો પણ રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, સમગ્ર પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સેવા ઠપ થઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ડાઉન થયા છે. સરકાર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ (પાકિસ્તાન-તહરીક-એ-ઈન્સાફ)ની વર્ચ્યુઅલ રેલી હતી. જેથી વાતાવરણ તંગ ન બને એટલા માટે ઈન્ટરનેટ સેવા રદ્દ કરવામાં આવી છે. ત્યારે કેટલાંક લોકો આને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડી રહ્યાં છે. 

લોકોનો દાવો 
આ લોકોનું કહેવું છે કે, રવિવારથી દાઉદ ઈબ્રાહિમને લઈ સોશિયલ મીડિયા પર અટકળો ચાલી રહી છે. આ મામલો સંવેદનશીલ બનતા ઈન્ટરનેટ સેવા ઠપ કરી દેવામાં આવી છે. જો કે, આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ સમગ્ર પાકિસ્તાનમાં યૂઝર્સ સોશિયલ મીડિયા યૂઝ કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. 

ટેલીફોન વિભાગનું મૌન
પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ મુજબ, લાહોર, કરાચી, ઈસ્લામાબાદના સ્થાનિકોને સોશિયલ મીડિયા  યુઝ કરવામાં મુશ્કેલી પડી રહી છે. યૂઝર્સે પણ આ મામલે ફરિયાદો કરી છે. ઈમરાન ખાનની પાર્ટીએ પણ આ મુદ્દે પ્રશ્નનો ઉઠાવ્યા છે. તેઓએ આ નિર્ણયને અપેક્ષિત ગણાવ્યો છે. બીજી તરફ, પાકિસ્તાન દૂર સંચાર વિભાગે પણ મૌન સેવ્યું છે અને કોઈ જવાબ આપી રહ્યો નથી. 

લોકોનો અધિકાર છીનવવા જેવું
વકીલ અને માનવ અધિકાર કાર્યકર્તા જીબ્રાન નાસિરે જણાવ્યું કે, પીટીઆઈની વર્ચ્યુઅલ રેલીનો વિરોધ કરવા માટે લાખો યૂઝર્સ અને સેંકડો વ્યવસાયોને પ્રભાવિત કરવામાં આવ્યા છે. ઈન્ટરનેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ખરેખરમાં લોકોના અધિકાર છિનવવા જેવું છે. માનવ અધિકારનો ભંગ ગણાવી શકાય.