સીરિયાના રાષ્ટ્રપતિનો ચીન પ્રવાસ, બંને દેશ સંયુક્ત રીતે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની કરશે જાહેરાત

વર્ષ 2004 બાદ પ્રથમ વખત ચીન પહોંચેલા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના કહેવા પ્રમાણે તેઓ બેઈજિંગ સાથેના સંબંધોને એક નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ ગુરૂવારના રોજ એર ચાઈનાના એક વિમાન દ્વારા ચીની શહેર હાંગઝાઉ પહોંચ્યા હતા. શનિવારના રોજ આ શહેરમાં તેઓ એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં સહભાગી બનશે.  ચીન-સીરિયા વચ્ચે […]

Share:

વર્ષ 2004 બાદ પ્રથમ વખત ચીન પહોંચેલા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના કહેવા પ્રમાણે તેઓ બેઈજિંગ સાથેના સંબંધોને એક નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ ગુરૂવારના રોજ એર ચાઈનાના એક વિમાન દ્વારા ચીની શહેર હાંગઝાઉ પહોંચ્યા હતા. શનિવારના રોજ આ શહેરમાં તેઓ એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં સહભાગી બનશે. 

ચીન-સીરિયા વચ્ચે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના સીરિયાઈ સમકક્ષ બશર અલ અસદ સાથેની મુલાકાત બાદ ચીન અને સીરિયા સાથે મળીને એક ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ની જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું. શી જિનપિંગે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ ચીન અને સીરિયા એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરશે જે દ્વિપક્ષીય સંબંધોના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના બનશે. 

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ આશરે 20 વર્ષ બાદ ચીન પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર રંગબેરંગી પોશાક પહેરેલા કલાકારોએ તેમનું સ્વાગત કર્યું હતું. તે સમયે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું હતું અને હવામાં ચીન અને સીરિયાના ઝંડા લહેરાઈ રહ્યા હતા. ચીનના સરકારી મીડિયા સીસીટીવીના અહેવાલ પ્રમાણે હાંગઝાઉમાં બશર અલ અસદ અને અન્ય વિદેશી નેતાઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત લેશે. સીરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે બશર અલ અસદ બેઈજિંગની મુલાકાત લેશે તેમ પણ જાહેર કર્યું હતું. 

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે, “ચીન અને સીરિયા વચ્ચે પરંપરાગત અને પ્રગાઢ મિત્રતા છે. અમને લાગે છે કે, રાષ્ટ્રપતિ બશર અલ અસદનો પ્રવાસ બંને દેશ વચ્ચે અનેક ક્ષેત્રે સંયુક્ત રાજનૈતિક વિશ્વાસ અને સહયોગને વધુ ગાઢ બનાવશે.”

સીરિયામાં ઘણા વર્ષોથી સંઘર્ષ યથાવત

સીરિયામાં છેલ્લા અનેક વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને બેઈજિંગ સીરિયાના મુખ્ય સમર્થકો પૈકીનું એક છે. માર્ચ મહિનામાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેની એક સમજૂતીમાં મધ્યસ્થતા કર્યા બાદ ચીન મધ્ય પૂર્વમાં પોતાની પહોંચ વધારી રહ્યું છે અને સીરિયાના સંઘર્ષમાં બશર અલ અસદનું સમર્થન કરતું રહે છે. નોંધનીય છે કે, સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષે 5 લાખથી પણ વધારે લોકોનો ભોગ લીધો છે અને દેશનો વિશાળ હિસ્સો બરબાદ થઈ ચુક્યો છે. 

ચીન ભવિષ્યમાં સીરિયાના પુનઃનિર્માણમાં એક મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે જેમાં અનેક અબજો ડોલરનો ખર્ચો થશે. ગત વર્ષે સીરિયા ચીનની બેલ્ટ એન્ડ રોડ પહેલમાં જોડાયું હતું જેમાં બેઈજિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા વિકાસશીલ ક્ષેત્રોમાં પોતાનો પ્રભાવ વધારે છે. 

સીરિયામાં વકરી રહેલા આર્થિક સંકટના કારણે દેશના સરકારી કબજાવાળા હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. સીરિયા આ સંકટ માટે પશ્ચિમી પ્રતિબંધો અને અમેરિકા સમર્થિત કુર્દ નેતૃત્વવાળા ફાઈટર્સને જવાબદાર ઠેરવે છે જે ઈરાક સાથે મળીને સરહદ પાસેના પૂર્વીય વિસ્તારમાં દેશના સૌથી વિશાળ તેલ ક્ષેત્રોને નિયંત્રિત કરે છે.