એલન મસ્કના X પ્લેટફોર્મ પર સૌથી વધુ દુષ્પ્રેરણા આપતી માહિતી હોવાનો યુરોપિયન યુનિયનનો આક્ષેપ

યુરોપિયન યુનિયન દ્વારા એલન મસ્કની સોશિયલ મીડિયા કંપની X (ભૂતપૂર્વ ટ્વિટર)ને દુષ્પ્રચારના પેડલર્સનું સૌથી મોટું આઉટલેટ ગણાવવામાં આવી છે.  યુરોપિયન કમિશનના વાઈસ પ્રેસિડેન્ટ વેરા જોરોવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રીય અને યુરોપીયન ચૂંટણી પહેલા રશિયાના યુદ્ધના વિચારનો સામનો કરવા માટે ચેતવ્યા હતા. વેરા જોરોવાના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ માસ મેનિપ્યુલેશન માટેના […]

Share:

યુરોપિયન યુનિયન દ્વારા એલન મસ્કની સોશિયલ મીડિયા કંપની X (ભૂતપૂર્વ ટ્વિટર)ને દુષ્પ્રચારના પેડલર્સનું સૌથી મોટું આઉટલેટ ગણાવવામાં આવી છે. 

યુરોપિયન કમિશનના વાઈસ પ્રેસિડેન્ટ વેરા જોરોવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આગામી વર્ષે યોજાનારી રાષ્ટ્રીય અને યુરોપીયન ચૂંટણી પહેલા રશિયાના યુદ્ધના વિચારનો સામનો કરવા માટે ચેતવ્યા હતા. વેરા જોરોવાના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ માસ મેનિપ્યુલેશન માટેના મલ્ટી મિલિયન યુરોના શસ્ત્ર સમાન છે. તેની આંતરિક રીતે રશિયનો તેમજ યુરોપિયન્સ પર તથા બાકીના વિશ્વ પર અસર પડી શકે છે. 

વેરા જોરોવાએ યુરોપિયન ઈલેક્શન્સ પહેલા ક્રેમલિન સક્રિય બનશે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને વિશાળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે આ જોખમ પ્રમાણે વર્તવું જોઈએ તેમ જણાવ્યું હતું. આ સાથે જ વેરા જોરોવાએ X (ભૂતપૂર્વ ટ્વિટર) પર સૌથી વધુ ખોટી અથવા દુષ્પ્રચાર કરતી માહિતી હોવાનું જણાવ્યું હતું. તેમ જ આ પ્રકારનો દુષ્પ્રચાર કરનારાઓના ફોલોઅર્સની સંખ્યા વધારે હોવાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. 

યુરોપિયન યુનિયન દ્વારા મેટાની ફેસબુક, આલ્ફાબેટની ગૂગલ અને બાઈટડાન્સની ટિકટોક સહિતની દિગ્ગજ ટેક કંપનીઓ દ્વારા દુષ્પ્રચારનો સામનો કરવા માટે કયા પ્રકારના પગલા ભરવામાં આવે છે તે અંગે અહેવાલ બહાર પાડ્યો છે. યુરોપિયન કમિશનના વાઈસ પ્રેસિડેન્ટ વેરા જોરોવાએ રશિયાના દુષ્પ્રચારનો સામનો કરવા માટે ગૂગલે વર્ષના પ્રથમ 4 મહિનામાં જ રશિયન ઈન્ફ્લુઅન્સ ઓપરેશન્સ સહિતની 400 ચેનલ બંધ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

વધુમાં મેટાએ યુરોપિયન યુનિયનમાં 22 ભાષાઓમાં ફેક્ટ ચેકિંગ પાર્ટનરશિપ વધારી હોવાની માહિતી આપી હતી. વેરા જોરોવાએ એમ પણ કહ્યું હતું કે, સ્લોવાકિયામાં શનિવારના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા રશિયાના દુષ્પ્રચારનો પ્રવાહ વિશેષ રૂપથી તીવ્ર બની ગયો છે. 

નોંધનીય છે કે, G20 સમિટ પહેલા પણ યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે રશિયાને ટાર્ગેટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, G20 સમિટ રશિયાના વ્યવહાર અંગે સ્પષ્ટતા લાવવાનો વધુ એક અવસર છે. યુક્રેન સામે યુદ્ધની શરૂઆત કરીને અને બ્લેક સીને યુદ્ધના મેદાનમાં ફેરવીને રશિયા ફરી વિકાસશીલ દેશો સામે એક મિસાઈલ તાકી રહ્યું છે. 

યુરોપિયન યુનિયન દ્વારા રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રશિયાએ યુક્રેન સામે યુદ્ધ જાહેર કર્યું ત્યાર બાદ યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લાગુ કરવામાં આવેલા છે. યુક્રેન સંકટ બાદ મોટા ભાગે વહેંચાયેલા રહેતા યુરોપિયન યુનિયનમાં એક અભૂતપૂર્વ એકતા જોવા મળી રહી છે. 

યુરોપિયન યુનિયનના સદસ્ય દેશોએ યુક્રેનને આર્થિક અને સૈન્ય સહાયતા ઉપલબ્ધ કરાવવા ઉપરાંત રશિયા પર દીર્ઘકાલીન પ્રતિબંધો પણ લાગુ કર્યા છે તથા પોતાના સંરક્ષણ તંત્રને વધુ મજબૂત બનાવ્યું છે. યુરોપિયન યુનિયને યુક્રેનના લાખો શરણાર્થીઓ માટે પણ પોતાના દરવાજા ખોલી રાખ્યા છે.