ચીનનો નવો નકશો, સામાન્ય કવાયત કે પછી એશિયા પર પ્રભુત્વ સ્થાપવાના ઈરાદાનો એક ભાગ!

હંમેશાથી દરેક બાબતોમાં આડોડાઈ કરતા ચીને વધુ એકવાર પોતાની લુચ્ચાઈ બતાવી છે. ચીને પોતાનો એક નવો નકશો જાહેર કર્યો છે, જેને લઈને વિવાદ થયો છે.  ભારત ઉપરાંત મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન અને વિયેતનામે ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા તથાકથિત નકશા સામે વિરોધ નોંધાવ્યો છે.તો ચીને, તેને દેશના સાર્વભૌમત્વની સામાન્ય કવાયત ગણાવીને વિરોધ કરનારા દેશોને વધુ પડતું […]

Share:

હંમેશાથી દરેક બાબતોમાં આડોડાઈ કરતા ચીને વધુ એકવાર પોતાની લુચ્ચાઈ બતાવી છે. ચીને પોતાનો એક નવો નકશો જાહેર કર્યો છે, જેને લઈને વિવાદ થયો છે.  ભારત ઉપરાંત મલેશિયા, ફિલિપાઈન્સ, તાઈવાન અને વિયેતનામે ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા તથાકથિત નકશા સામે વિરોધ નોંધાવ્યો છે.તો ચીને, તેને દેશના સાર્વભૌમત્વની સામાન્ય કવાયત ગણાવીને વિરોધ કરનારા દેશોને વધુ પડતું અર્થઘટન કરવાથી બચવાની સલાહ આપી દીધી હતી.

ચીનના નકશામાં સ્થળોને મેન્ડરિન નામ અપાયા

જોકે ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નકશાને ધ્યાનથી જોવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે એ ચીનની સામાન્ય વાર્ષિક કવાયતથી ઘણી આગળની વાત છે. કારણ કે, એપ્રિલ 2023માં બેઈજિંગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નકશામાં અરૂણાચલ પ્રદેશની અંદરના સ્થળોને નવા મેન્ડરિન નામોથી દર્શાવવામાં આવ્યા છે.
 

ચીને પૂર્વીય લદ્દાખ, અરૂણાચલ પ્રદેશ, તાઈવાન કે પછી દક્ષિણ ચીની સમુદ્રની નાઈન ડેશ લાઈનને પોતાને અનુકૂળ આવે તેવા ઐતિહાસિક આધારો લઈને પોતાના ગણાવ્યા છે. 

આવા તર્કથી ભારત પણ તિબેટ પર દાવો કરી શકે

ચીન જે પ્રકારના આધારોને લઈ તાઈવાન પર દાવો કરી રહ્યું છે તે રીતે ભારત પણ પોતાને અનુકૂળ આવે તે પ્રકારનો ઐતિહાસિક આધાર દર્શાવી તિબેટ પર પોતાનો દાવો કરી શકે તેમ છે કારણ કે, ડોગરા જનરલ જોરાવર સિંહે પશ્ચિમ તિબેટના ભાગોને જોડ્યા હતા અને 19મી સદીના શરૂના તબક્કામાં માનસરોવર તળાવ સુધી ગયા હતા.

જોકે આ વખતે પ્રથમ વખત ભારતે દિલ્હી અને બેઈજિંગ ખાતેના દૂતાવાસમાં ચીનના આ પગલા સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે અને પોતે આ પ્રકારની કવાયતને મંજૂરી નહીં આપે તેમ સ્પષ્ટ કર્યું છે. સાથે જ ચીનના આ નવા કારનામાથી એ વાત પણ સાબિત થઈ જાય છે કે, ચીન પોતાની યુદ્ધની માનસિકતા છોડી નથી શક્યું અને તે નકશામાં દર્શાવેલા સ્થળો પર પોતાનો દાવો કરવા સૈન્યને તૈયાર કરી રહ્યું છે. 

ચીને રશિયાના ક્ષેત્ર પર પણ દાવો કર્યો

ચીને પોતાના નકશામાં ભારત સહિત અનેક દેશના ક્ષેત્રોને પોતાનામાં ગણાવ્યા છે. આ મામલે રશિયાએ ભારતને સમર્થન આપ્યું છે. રશિયન રાજદૂતે જણાવ્યું હતું કે, ચીન હંમેશા વાતને વધારીને રજૂ કરે છે પણ તેનાથી સત્ય બદલાઈ જતું નથી.. ચીને રશિયાના ક્ષેત્રને પોતાનામાં ગણાવ્યું તે મુદ્દે રશિયન વિદેશ મંત્રાલયે બંને દેશ 15 વર્ષ પહેલા સરહદ વિવાદ ઉકેલી ચુક્યા હોવાનું જણાવ્યું હતું.
 

આ સાથે જ ભારતમાં રહેલા રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે, રશિયા ભારત અને ચીન વચ્ચેના સંબંધમાં સુધારો ઈચ્છે છે. રશિયા અને ચીન સરહદે પણ અમુક પ્રશ્નો છે પણ તેઓ એને વધારીને રજૂ નથી કરતા અને ભારત પણ આ મુદ્દે ખોટી વાતોથી દૂર રહે છે.
 ચીને ભારતના કેટલાક ક્ષેત્રને પોતાના નકશામાં દર્શાવ્યા તે મુદ્દે રશિયન રાજદૂતે જણાવ્યું હતું કે, ચીન નકશામાં કોઈ પણ ક્ષેત્ર પર કબજો દેખાડી શકે છે પરંતુ તેનાથી જમીની વાસ્તવિકતા બદલાઈ નથી જતી.