“આ સાથે મળીને ચાલવાનો સમય”, G20 સમિટમાં વડાપ્રધાન મોદીએ AU પ્રમુખને પોતાનું સ્થાન ગ્રહણ કરવા આમંત્રિત કર્યા

G20 સમિટની સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 21મી સદીનો આ સમયગાળો વિશ્વને એક નવી દિશા દેખાડનારો સમય છે. વર્ષો પુરાણા પડકારો આપણી સમક્ષ નવા સમાધાનની માગણી કરી રહ્યા છે. આપણે માનવતાવાદી કેન્દ્રિત થઈને આ સમસ્યાઓ ઉકેલવાની છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સાથે મળીને આપણે આ સમસ્યાઓને […]

Share:

G20 સમિટની સત્તાવાર રીતે શરૂઆત થઈ ગઈ છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, 21મી સદીનો આ સમયગાળો વિશ્વને એક નવી દિશા દેખાડનારો સમય છે. વર્ષો પુરાણા પડકારો આપણી સમક્ષ નવા સમાધાનની માગણી કરી રહ્યા છે. આપણે માનવતાવાદી કેન્દ્રિત થઈને આ સમસ્યાઓ ઉકેલવાની છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સાથે મળીને આપણે આ સમસ્યાઓને ઉકેલીશું. આ દરમિયાન શિખર સંમેલનના પ્રથમ સત્રની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ G20ના સ્થાયી સદસ્ય તરીકે આફ્રિકી સંઘ (AU)ના પ્રમુખને પોતાનું સ્થાન ગ્રહણ કરવા માટે આમંત્રિત કર્યા હતા. 

“સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયત્નની અવધારણા”

વડાપ્રધાન મોદીના સ્વાગત ભાષણ સાથે G20 સમિટની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન મોદીએ G20 સમિટમાં પોતાના સંબોધન દરમિયાન દેશનું નામ લેતી વખતે ‘ભારત’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, “કોવિડ-19 મહામારી બાદ દુનિયા વિશ્વાસની ઉણપનો સામનો કરી રહી છે તથા યુદ્ધના કારણે આ સમસ્યા વધી છે. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં સદીઓ પુરાણા પ્રશ્નો તેના ઉકેલ માગી રહ્યા છે. આપણે માનવકેન્દ્રિત દૃષ્ટિકોણ સાથે આપણી જવાબદારીઓ પૂર્ણ કરવાની જરૂર છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસની અવધારણા વિશ્વને માર્ગદર્શિત કરી શકે છે.”

ભારતના લોકોની G20 સમિટ બની ગઈ

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ ભારતના લોકોની G20 સમિટ બની ગઈ છે, 60થી વધારે શહેરોમાં 200થી વધારે કાર્યક્રમો યોજાયા. ભારત G20ના અધ્યક્ષ તરીકે સમગ્ર વિશ્વને વિશ્વાસની ઉણપને એકબીજા પરના ભરોસામાં ફેરવી નાખવા માટે અપીલ કરે છે. વડાપ્રધાન મોદીએ G20 સમિટની શરૂઆત કરતા કહ્યું હતું કે, હવે વૈશ્વિક ભલાઈ માટે આપણે સૌ સાથે મળીને ચાલીએ તે માટે સમય આવી ગયો છે. 

મોરક્કોના ભૂકંપ પીડિત માટે સંવેદના

G20 સમિટના પ્રથમ સત્રની શરૂઆતમાં વડાપ્રધાન મોદીએ મોરક્કોના ભૂકંપ પીડિતો માટે સંવેદના દર્શાવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “થોડા સમય પહેલા મોરક્કોમાં આવેલા ભૂંકપથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે હું મારી સંવેદના પ્રકટ કરવા ઈચ્છું છું. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમામ ઘાયલ લોકો જલ્દી જ સ્વસ્થ બને. આ કઠિન સમયમાં સમગ્ર વિશ્વ સમુદાય મોરક્કોની સાથે છે. અમે તેમને તમામ સંભવિત મદદ પહોંચાડવા માટે તૈયાર છીએ.”

શનિવારે સવારના 10 વાગ્યાથી G20 સમિટના પ્રથમ સત્રની શરૂઆત થઈ ગઈ હતી. બપોરના 1:30 કલાક સુધી પ્રથમ સત્ર ચાલ્યા બાદ લંચ કાર્યક્રમનું આયોજન થયું હતું. G20 સમિટમાં વિશ્વના અનેક ટોચના નેતાઓ સામેલ થયા છે. સવારના 9:30 કલાકથી જ સમગ્ર વિશ્વના નેતાઓ બેઠક સ્થળ ભારત મંડપમ ખાતે પહોંચી ગયા હતા.