આજે વિશ્વ મચ્છર દિવસઃ ભારતમાં દર વર્ષે 40 મિલિયન લોકો બને છે મચ્છરજન્ય બીમારીનો ભોગ

મચ્છર દ્વારા ફેલાતી બીમારીઓ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20મી ઓગષ્ટને વિશ્વ મચ્છર દિવસ તરીકે મનાવવામાં આવે છે. બ્રિટિશ ફિઝિશિયન સર રોનાલ્ડ રોસે 1897માં માદા મચ્છર અને મેલેરિયા રોગ વચ્ચેની કડી શોધી કાઢી હતી. તેમણે શોધી કાઢ્યું હતું કે, માદા એનોફિલીસ મચ્છર મનુષ્યમાં મેલેરિયા રોગના વહન માટે જવાબદાર છે.  વિશ્વ મચ્છર દિવસ પર જાણો […]

Share:

મચ્છર દ્વારા ફેલાતી બીમારીઓ અંગે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20મી ઓગષ્ટને વિશ્વ મચ્છર દિવસ તરીકે મનાવવામાં આવે છે. બ્રિટિશ ફિઝિશિયન સર રોનાલ્ડ રોસે 1897માં માદા મચ્છર અને મેલેરિયા રોગ વચ્ચેની કડી શોધી કાઢી હતી. તેમણે શોધી કાઢ્યું હતું કે, માદા એનોફિલીસ મચ્છર મનુષ્યમાં મેલેરિયા રોગના વહન માટે જવાબદાર છે. 

વિશ્વ મચ્છર દિવસ પર જાણો મચ્છરજન્ય રોગોનું જોખમ

ભારત પોતાની વૈવિધ્યસભર આબોહવા અને ભૂગોળના કારણે અનેક પ્રકારની મચ્છરજન્ય બીમારીઓનું હોટસ્પોટ ગણાય છે. ભારતમાં દર વર્ષે લગભગ 40 મિલિયન લોકો મચ્છરો દ્વારા ફેલાતા રોગોથી સંક્રમિત થાય છે. 

મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા વાયરસ કેટલાક સૌથી સામાન્ય મચ્છરજન્ય રોગ છે. 

ભારતમાં, મેલેરિયા હજુ પણ મચ્છરો દ્વારા ફેલાતી સૌથી સામાન્ય બિમારીઓ પૈકીની એક છે. તે ભારતની હેલ્થકેર સિસ્ટમ પર નોંધપાત્ર અસર કરે છે. વિશ્વભરમાં મેલેરિયાના કુલ કેસ પૈકીના 1.7 ટકા અને મેલેરિયા સંબંધિત મૃત્યુના 1.2 ટકા કેસ ભારતના હોય છે. વર્ષ 2022માં ભારતમાં મેલેરિયાના 45,000થી પણ વધારે કેસ મચ્છરનોંધાયા હતા.

મચ્છરના કારણે ફેલાતી બીમારીઓમાં મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુનું જોખમ વધુ

ભારતમાં મચ્છરના કારણે ફેલાતી બીજી સૌથી વધુ નોંધપાત્ર બીમારી ડેન્ગ્યુ છે જે એડીસ મચ્છરના કરડવાથી થાય છે. શરીરના તાપમાનમાં વધારો, અતિશય માથાનો દુઃખાવો, સાંધા અને સ્નાયુઓમાં તકલીફ અને ઓરી જેવી ફોલ્લીઓ તેના અમુક લક્ષણો છે. 

વર્ષ 2022માં જાહેર કરવામાં આવેલા સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં વર્ષ 2021માં ડેન્ગ્યુના કુલ 1,93,245 કેસ નોંધાયા હતા જેના પરિણામે 346 લોકો મૃત્યુ પામ્યા હતા. 

એડીસ મચ્છરના કારણે જ ફેલાતી ચિકનગુનિયા બીમારીના અમુક લક્ષણો ડેન્ગ્યુ જેવા જ હોય છે જેમાં તાવ અને સાંધાના દુઃખાવાનો સમાવેશ થાય છે. સદનસીબે ચિકનગુનિયાના દર્દીને મૃત્યુનું જોખમ તદ્દન નહિંવત હોય છે પરંતુ તેને અવગણી તો ન જ શકાય. 

મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસની ગર્ભસ્થ બાળક પર અસર 

એડીસ  દ્વારા જ ફેલાતા ઝીકા વાયરસની સગર્ભા સ્ત્રીઓ પરની સંભવિત અસર ચિંતાજનક છે. ગર્ભમાં રહેલા બાળકને તેનાથી તકલીફ થઈ શકે છે. તેના લક્ષણોમાં તાવ, શરીર પર ચાંઠા, સાંધામાં દુઃખાવો અને આંખ આવવી જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. 

મચ્છરજન્ય રોગોના નિવારણ માટે ધ્યાનમાં લેવાના પગલાં

પથારીની ફરતે મચ્છરજાળી લગાવીને, મચ્છર ભગાડવાની દવાનો ઉપયોગ કરીને અને બંધિયાર પાણીના ભરાવાવાળી જગ્યા સાફ રાખીને મચ્છરનું પ્રમાણ ઘટાડી શકાય છે. ઉપરાંત ડેન્ગ્યુ સહિતના રોગમાં વેક્સિન પણ અસરકારક બને છે. મચ્છરજન્ય રોગની ગંભીરતાને નાથવા માટે તુરંત તબીબી ઉપચાર કરાવવો હિતાવહ છે. 

ઉપરાંત લોકોને વ્યક્તિગત સલામતીના પગલાં અંગે જાગૃત કરીને તેમની આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા માટે સમજાવવાથી મચ્છરજન્ય બીમારીનો ફેલાવો અટકાવવામાં મદદ મળે છે.