તાઈવાનમાં કોઈનુ વાવાઝોડાના કારણે રેકોર્ડ ઝડપે ફુંકાયો પવન, 190 લોકો ઘાયલ થયા

કોઈનુ વાવાઝોડાએ ગુરૂવારના રોજ દક્ષિણ તાઈવાનને લપેટમાં લીધું હતું. કોઈનુ વાવાઝોડાના કારણે ભારે પવન ફુંકાવાથી 190 લોકોને ઈજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે હજુ સુધી જાનહાનિની કોઈ ઘટના સામે નથી આવી. કોઈનુ વાવાઝોડાના કારણે ટાપુ પર ભારે વરસાદની સાથે જ રેકોર્ડ બ્રેક ઝડપે પવન ફુંકાયો હતો. આ કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ અને ઓફિસ પણ […]

Share:

કોઈનુ વાવાઝોડાએ ગુરૂવારના રોજ દક્ષિણ તાઈવાનને લપેટમાં લીધું હતું. કોઈનુ વાવાઝોડાના કારણે ભારે પવન ફુંકાવાથી 190 લોકોને ઈજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે હજુ સુધી જાનહાનિની કોઈ ઘટના સામે નથી આવી. કોઈનુ વાવાઝોડાના કારણે ટાપુ પર ભારે વરસાદની સાથે જ રેકોર્ડ બ્રેક ઝડપે પવન ફુંકાયો હતો. આ કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ અને ઓફિસ પણ બંધ રાખવામાં આવ્યા હતા. 

340 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયો પવન

જાપાનીઝ ભાષામાં કોઈનુ વાવાઝોડાના નામનો અર્થ ‘પપ્પી’ એટલે કે ગલુડીયું એવો થાય છે. કોઈનુ વાવાઝોડુ ગુરૂવારે વહેલી સવારે તાઈવાનના સૌથી દક્ષિણ છેડે કેપ એલુઆનબીમાં લેન્ડફોલ થયું હતું. ત્યાર બાદ કોઈનુ વાવાઝોડુ દક્ષિણ ચીનના ગુઆંગડોંગ અને ફુજિયન પ્રાંત તરફ પશ્ચિમ દિશામાં આગળ વધવાની સાથે જ નબળું પડવાની ધારણા છે. 

બુધવારે રાત્રે તાઈવાનની નજીક પહોંચવાની સાથે જ કોઈનુ વાવાઝોડુએ ભારે પવન સાથે તેની અસર દેખાડી હતી. કોઈનુ વાવાઝોડાના કારણે ઓર્કિડ ટાપુ પર રાત્રે 9:53 કલાકે 342.7 કિમી પ્રતિ કલાક (212.9 માઈલ પ્રતિ કલાક)ની ઝડપે પવનના સુસવાટા અનુભવાયા હતા. 

સત્તાવાર સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના તાઈતુંગ વેધર સ્ટેશનના વડા હુઆંગ ચિયા-મેઈએ જણાવ્યું હતું કે, 1897માં તાઈવાને પવનની ગતિનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું ત્યારથી સર્વકાલીન ઉચ્ચ સ્તરે પવનની ગતિ નોંધાઈ હતી. ભારે પવનના કારણે તેની ગતિ માપવાનું ઉપકરણ પણ તૂટી ગયું હતું. 

તાઈવાનના ફાયર ડિપાર્ટમેન્ટે તાઈચુંગ, તાઈનાન અને કાઓહસુંગ સહિતના પશ્ચિમ કિનારે આવેલા શહેરો સહિતના વિસ્તારોમાં કોઈનુ વાવાઝોડાના કારણે 190 લોકોને ઈજાઓ પહોંચી હોવાની માહિતી આપી હતી. કોઈનુ વાવાઝોડાના કારણે તાઈવાનના અમુક વિસ્તારોમાં ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી હતી.

કોઈનુ વાવાઝોડાના કારણે તાઈવાન ઉપરાંત ફિલિપાઈન્સના ઉત્તરી હિસ્સા અને દક્ષિણ પૂર્વીય ચીનમાં પણ અસર જોવા મળી હતી. તાઈવાનના પરિવહન મંત્રાલયના અહેવાલ પ્રમાણે તાઈવાની એરલાઈન્સે 87 ડોમેસ્ટિક ફ્લાઈટ રદ્દ કરી હતી જ્યારે 25 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ રદ્દ કરી દેવામાં આવી છે. 

ચીનના રાષ્ટ્રીય મોસમ વિજ્ઞાન કેન્દ્રએ પણ કોઈનુ વાવાઝોડાના પગલે પોતાના અમુક ક્ષેત્રોમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. ચીનના ઝેજિયાંગ અને ફુજિયાન પ્રાંતના તટીય વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. આ કારણે નૌકા સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને માછીમારી પર પણ રોક લગાવી દેવાઈ છે. 

કોઈનુ વાવાઝોડાના કારણે બુધવારે સવારે શ્રેણી-4ના વાવાઝોડાની સમકક્ષ પવન ફુંકાઈ રહ્યો હતો પરંતુ તાઈવાનના દક્ષિણ છેડા સુધી પહોંચવા સુધીમાં વાવાઝોડુ નબળું પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. એક રીતે કોઈનુ વાવાઝોડુ સાઓલા વાવાઝોડા સમાન છે જેના લીધે ગત મહિને પરિવહનને અસર પહોંચી હતી અને શાળાઓ પણ બંધ કરવી પડી હતી. નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં ડોકસુરી વાવાઝોડાના કારણે ફિલિપાઈન્સમાં સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

Tags :