UAEએ ઈકોનોમિક કોરિડોરના નકશામાં PoKને ભારતના અભિન્ન હિસ્સા તરીકે દર્શાવ્યું, પાકિસ્તાનને લાગ્યો ઝાટકો

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને એક ભારે મોટો ઝાટકો આપ્યો છે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ G20 સમિટ સંપન્ન થઈ હતી. G20 સમિટ બાદ UAEના નાયબ વડાપ્રધાન સૈફ બિન જાયદ અલ નાહયાને સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. UAEના નાયબ વડાપ્રધાને G20 સમિટમાં લોન્ચ થયેલી ઈકોનોમિક કોરિડોર અંગેનો વીડિયો શેર કર્યો છે.  આ વીડિયોમાં […]

Share:

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પાકિસ્તાનને એક ભારે મોટો ઝાટકો આપ્યો છે. નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ G20 સમિટ સંપન્ન થઈ હતી. G20 સમિટ બાદ UAEના નાયબ વડાપ્રધાન સૈફ બિન જાયદ અલ નાહયાને સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો. UAEના નાયબ વડાપ્રધાને G20 સમિટમાં લોન્ચ થયેલી ઈકોનોમિક કોરિડોર અંગેનો વીડિયો શેર કર્યો છે. 

આ વીડિયોમાં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)ને ભારતના અભિન્ન અંગ તરીકેની માન્યતા આપી છે. આ કારણે PoKને લઈ પાકિસ્તાન દ્વારા જે પ્રોપાગેન્ડા ફેલાવવામાં આવ્યો હતો તે નિષ્ફળ ગયો હોવાનું સાબિત થાય છે. UAE એક સમયે પાકિસ્તાનનું મિત્ર હતું પરંતુ તેણે ઈકોનોમિક કોરિડોર દેખાડવાના બહાને ભારતનો જે નકશો દર્શાવ્યો છે તે પાકિસ્તાન માટે ઝાટકારૂપ છે. UAEએ નકશાના માધ્યમથી પાકિસ્તાનને ઈશારામાં જ સલાહ આપી દીધી છે કારણ કે, નકશામાં PoKને ભારતના અભિન્ન હિસ્સા તરીકે દર્શાવ્યું છે જે વાસ્તવિકતા પણ છે. 

પાકિસ્તાન માટે આંચકારૂપ UAEનું પગલું

UAEના નાયબ વડાપ્રધાન સૈફ બિન જાયદ અલ નાહયાને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અંગેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સંપૂર્ણ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરને ભારતના હિસ્સા તરીકે દર્શાવ્યું છે. તેમાં PoK અને અક્સાઈ ચીનના હિસ્સાનો પણ સમાવેશ કર્યો છે. આ કારણે ઈસ્લામિક દેશ UAE હવે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનથી અલગ મત ધરાવીને ભારત સાથે ઉભો હોવાનું જણાય છે. PoKને લઈ આ પ્રકારનો મત પાકિસ્તાન માટે ભારે મોટા આંચકા સમાન છે.

PoK હંમેશા ભારતનો અભિન્ન હિસ્સો

ભારત હંમેશાથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને ભારતનું અભિન્ન અંગ માને છે. તાજેતરમાં જ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, PoK ભારતનો હિસ્સો છે અને રહેશે. જ્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી વીકે સિંહે પણ તાજેતરમાં PoKને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. 

વીકે સિંહે કહ્યું હતું કે, થોડી રાહ જુઓ, પાકિસ્તાનના કબજાવાળો હિસ્સો એટલે કે, PoK એની જાતે જ ભારતમાં ભળી જશે. પાકિસ્તાન સરકાર PoK તેમનું હોવાનું કહેતી રહે છે  પણ તે સત્ય નથી કારણ કે, પાકિસ્તાને ગેરકાયદેસર રીતે PoK પર કબજો જમાવ્યો છે. તેવામાં UAE જેવા મુસ્લિમ દેશનો ભારતનો નકશો દર્શાવવાના માધ્યમથી જે સાથ મળી રહ્યો છે તે ખુશીની વાત કહી શકાય. 

UAE પાકિસ્તાનની નજીકનો આરબ દેશ ગણાય છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને UAEએ 1 અબજ અમેરિકી ડોલરની મદદ કરી હતી તેના પરથી તેમની મિત્રતાનો અંદાજો લગાવી શકાય. જોકે તેમ છતાં UAE કાશ્મીર મામલે ભારત વિરૂદ્ધ નિવેદન આપવાથી દૂર રહે છે. 

2019માં ભારતે જ્યારે કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ 370 નાબૂદ કરી હતી ત્યારે પણ UAEએ તેને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. જ્યારે પાકિસ્તાને ત્યારે પણ ભારતના આ પગલાંને લઈ આરબ દેશો આકરી પ્રતિક્રિયા આપે તેવી ઈચ્છા દર્શાવી હતી.