રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવનું રાજીનામું

રશિયા અને યુક્રેન વચ્ચે 18 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં યુક્રેનના રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવે તેમનું રાજીનામું આપી દીધું છે. પશ્ચિમના હથિયારો માટે ઓલેક્સી રેજનિકોવ અગ્રણી હતા, પરંતુ તેમના પર ભ્રષ્ટાચારના આરોપા લાગતાં હવે તેમણે રાજીનામું ધરી દીધું છે. તેમનું સ્થાન હવે યુક્રેનના મિલિટ્રી ઇન્ટેલિજન્સ ચીફ કિર્લો બુડાનોવને મળશે. જેલેન્સ્કીની સર્વેંટ ઓફ પીપલ પાર્ટીના […]

Share:

રશિયા અને યુક્રેન વચ્ચે 18 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેવામાં યુક્રેનના રક્ષા મંત્રી ઓલેક્સી રેજનિકોવે તેમનું રાજીનામું આપી દીધું છે. પશ્ચિમના હથિયારો માટે ઓલેક્સી રેજનિકોવ અગ્રણી હતા, પરંતુ તેમના પર ભ્રષ્ટાચારના આરોપા લાગતાં હવે તેમણે રાજીનામું ધરી દીધું છે. તેમનું સ્થાન હવે યુક્રેનના મિલિટ્રી ઇન્ટેલિજન્સ ચીફ કિર્લો બુડાનોવને મળશે.

જેલેન્સ્કીની સર્વેંટ ઓફ પીપલ પાર્ટીના હેડ ડેવિડ અર્ખામિયાએ ટેલીગ્રામ દ્વારા ઓલેક્સીને પદથી હટાવવાની જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, યુદ્ધ દરમિયાન યુક્રેનનું રક્ષા મંત્રાલય કોઇ નેતાની જગ્યાએ કોઇ એવી વ્યકિતના હાથમાં હોવું જોઇએ કે, જેની પાસે લશ્કરી અનુભવ હોય.

યુદ્ધના 3 મહિના પહેલાં રક્ષા મંત્રી બન્યા હતા ઓલેક્સી રેજનિકોવ

ઓલેક્સી રેજનિકોવ યુદ્ધ શરૂ થવાના 3 મહિના પહેલા જ નવેમ્બર 2021માં યુક્રેનના રક્ષા મંત્રી બન્યા હતા. જેલેન્સ્કીના પાર્ટી હેડ ડેવિડ અર્ખામિયાએ જણાવ્યું કે, ઓલેક્સી રેજનિકોવને હવે કોઇ બીજું મંત્રાલય સોંપવામાં આવશે.

જ્યારે રેજનિકોવને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સપષ્ટ રીતે જણાવ્યું કે, તેઓ બીજા કોઇ પણ મંત્રાલયનો સ્વીકાર કરશે નહી. રક્ષા મંત્રાલયથી હટાવવાની જાહેરાત પહેલા તેમણે કહ્યું હતું કે, કોઇ પણ વ્યકિત હંમેશા પદ પર રહેતું નથી. જેલેન્સ્કી મને જેમ કહશે હું એ જ કરીશ.

રક્ષા મંત્રાલયમાં ભ્રષ્ટાચારનો મામલો

24 જાન્યુઆરીના રોજ, યુક્રેનના ડેપ્યુટી રક્ષા મંત્રી યાચેસ્લાવ શાપોવાલોવને ભ્રષ્ટાચારના કૌભાંડમાં ફસાયા બાદ રાજીનામું આપવાની ફરજ પડી હતી. ન્યુયોર્ક ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે, આ જ કૌભાંડના લીધે હવે ઓલોક્સી રેજનિકોવને પણ હટાવવામાં આવી રહ્યા છે. જો કે, ભૂતુૂપૂર્વ રક્ષા મંત્રી ઓલેક્સી પર ભ્રષ્ટાચારનો સીધો આરોપ નથી. તેમજ માનવામાં આવી રહ્યું છે કે, યુદ્ધની વચ્ચે રક્ષા મંત્રાલયમાં થયેલા કૌભાંડથી સમગ્ર વિશ્વમાં યુક્રેનની છબી બગડી છે. જેની ચૂકવણી ઓલેક્સીને કરવી પડશે.

21 જાન્યુઆરીના રોજ યુક્રેનના એક અખબારમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ડેપ્યુટી રક્ષા મંત્રીના નિર્દેશ પર મંત્રાલયે ખાદ્ય પદાર્થો માટે ત્રણ ગણી મોંઘી કિંમત પર કરાર કર્યો હતો. ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના જણાવ્યા અનુસાર, કિવની દુકાનોમાં જે ઈંડા 15 રૂપિયામાં મળે છે તે જ ઈંડાને 37 રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. ઈંડાની સાથે-સાથે બીજા ખાદ્ય પદાર્થોને પણ મોંઘી કિંમતમાં ખરીદવામાં આવ્યા હતા.

અગાઉ 15 અધિકારીઓને બરતરફ કરાયા

યુક્રેનના કેટલાક મોટા અધિકારી અને મંત્રી ભ્રષ્ટાચારના કૌભાંડમાં ફસાયેલા છે. જેલેન્સ્કી સતત આ લોકોથી રાજીનામું માંગી રહ્યા છે. ગયા અઠવાડિયે 15 અધિકારીઓને બરતરફ કર્યા છે. બીજી બાજુ યુક્રેનના ડેપ્યુટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રી પાસેથી પણ રાજીનામું લેવામાં આવ્યું છે.

રશિયા સતત યુક્રેનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરી રહ્યો છે. જેમાં ત્યાંની કેટલીક મહત્વપૂર્ણ ઈમારતો પડી ગઇ છે. યુક્રેનને તે ઈમારતો ફરી રિસ્ટોર કરવામાં ઘણી મૂડી ખર્ચાઈ રહી છે. વેસિલ લોઝિન્સ્કી પર આરોપ છે કે, તેમણે ઈમારતો રિસ્ટોર કરવાના કામ માટે મશીનરી ખરીદવાના કોન્ટ્રાક્ટમાં 3 કરોડ 23 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.