સુદાનમાં ઉતર્યા અમેરિકી સૈનિકો, એમ્બેસીના સ્ટાફને બચાવ્યો

ખાર્તુમ, સુદાન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અમેરિકન સેનાએ સુદાનમાંથી પોતાના દૂતાવાસના કર્મચારીઓને રેસ્ક્યૂ કરાવવાનું કાર્ય પૂર્ણ કર્યુ છે. અમે ભયાનક હિંસાનો અંત લાવવા માટે સત્તા સંઘર્ષમાં સામેલ સુદાનના બે હરીફ નેતાઓને પણ બોલાવ્યા છે. સુદાનમાંથી અમેરિકી દૂતાવાસના કર્મચારીઓના રેસ્ક્યૂ ઓપરેશન માટે બાઇડને યુએસ સૈનિકોનો આભાર માન્યો હતો. હાલ અનેક વિદેશી લોકો રાજધાની ખાર્તુમમાંથી […]

Share:

ખાર્તુમ, સુદાન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અમેરિકન સેનાએ સુદાનમાંથી પોતાના દૂતાવાસના કર્મચારીઓને રેસ્ક્યૂ કરાવવાનું કાર્ય પૂર્ણ કર્યુ છે. અમે ભયાનક હિંસાનો અંત લાવવા માટે સત્તા સંઘર્ષમાં સામેલ સુદાનના બે હરીફ નેતાઓને પણ બોલાવ્યા છે. સુદાનમાંથી અમેરિકી દૂતાવાસના કર્મચારીઓના રેસ્ક્યૂ ઓપરેશન માટે બાઇડને યુએસ સૈનિકોનો આભાર માન્યો હતો.

હાલ અનેક વિદેશી લોકો રાજધાની ખાર્તુમમાંથી બહાર નીકળી ગયા છે, જ્યારે લાખો લોકો ડરીને ઘરોની અંદર બેસી ગયા છે, હાલ મોટાભાગના લોકો પાસે પાણી અને ખોરાક નથી. 50 લાખની વસ્તી ધરાવતા ખાર્તુમ શહેરમાં સૈન્ય અને અર્ધલશ્કરી દળો વચ્ચે 15 એપ્રિલથી શેરી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં સળગી ગયેલી ટાંકીઓ, તૂટેલી ઇમારતો અને લૂંટાયેલી દુકાનો જોવા મળી રહી છે. અમેરિકા એમ્બેસીના કર્મચારીઓને ઈથોપિયા લઈ ગયું. સમગ્ર રેસ્ક્યૂ મિશનની જાણકારી ધરાવતા બે વરિષ્ઠ અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, દૂતાવાસના કર્મચારીઓને ઈથોપિયામાં અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.

નોંધાનીય છે કે, સુદાનમાં બે જૂથો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં 400થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે આ સંઘર્ષ સતત બીજા અઠવાડિયા સુધી ચાલુ રહ્યો છે, હવે સુદાનની સરહદોની બહાર પણ તેની અસર થઇ શકે છે.

જો બાઇડને અમેરિકન સૈનિકોની પ્રશંસા કરી

બાઇડને એક નિવેદનમાં કહ્યું કે, મને અમારા દૂતાવાસના કર્મચારીઓની પ્રતિબદ્ધતા પર ગર્વ છે, જેમણે હિંમતપૂર્વક પોતાની ફરજો નિભાવી અને સુદાનના લોકો સાથે અમેરિકાની મિત્રતા અને સંબંધને જાગ્રત બનાવી રાખ્યો, હું એ સૈનિકોનો પણ આભારી છું. જેમણે પોતાના કૌશલ્યથી દૂતાવાસના કર્મચારીઓ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા છે. બાઇડને રેસ્ક્યૂ અભિયાનમાં મદદ કરવા બદલ જીબુટી, ઇથોપિયા અને સાઉદી અરેબિયાનો પણ આભાર માન્યો છે.

વિશ્વના દેશોએ પોતાના નાગરિકો વિશે શું કહ્યું?

બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે, યુકેના દળોએ દૂતાવાસ અને તેમના પરિવારોને પણ બચાવ્યા છે, જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે, અમે અસ્થાયી રૂપે દૂતાવાસ ખાલી કરી કામગીરી સ્થગિત કરી દીધી છે. હાલ અમારા કર્મચારીઓ સુરક્ષિત છે. જર્મની અને ફ્રાન્સે જણાવ્યું કે, અમે અમારા નાગરિકો અને અન્ય દેશોના લોકોને પણ રેસ્ક્યૂ કરવાનું કામ શરૂ કરી દીધું છે. જોકે, ફ્રેન્ચ વિમાનોએ વિવિધ દેશના લગભગ 200 લોકોને લઈ જીબુટીમાં ઉતર્યા છે. જર્મન સૈન્યએ જણાવ્યું કે, અમે સુદાન મોકલેલા ત્રણ લશ્કરી વિમાનોમાંથી પહેલા 101 લોકોને રેસ્ક્યૂ કર્યા છે. ઇટાલી વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ 300 લોકોને બહાર કાઢ્યા છે. આયર્લેન્ડે કહ્યું કે અમે નાગરિકોને બહાર કાઢવા એક ટીમ પણ મોકલી રહ્યા છીએ. ઇજિપ્તે કહ્યું કે, અમે જમીનના રસ્તે 436 નાગરિકોને બહાર કાઢ્યા છે.