અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડન G20ને લઈ ભારત યાત્રા માટે આતુર પણ શી જિનપિંગની ગેરહાજરીથી નિરાશ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટમાં હાજરી નહીં આપે. ચીને સત્તાવાર રીતે ભારતને જણાવી દીધું છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 સમિટ માટે ભારત નહીં આવે. જોકે ચીનના વડાપ્રધાન લી કિયાંગ ચીની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. ત્યારે G20 સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરીને લઈ […]

Share:

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટમાં હાજરી નહીં આપે. ચીને સત્તાવાર રીતે ભારતને જણાવી દીધું છે કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ G20 સમિટ માટે ભારત નહીં આવે. જોકે ચીનના વડાપ્રધાન લી કિયાંગ ચીની પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે. ત્યારે G20 સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ગેરહાજરીને લઈ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન નિરાશ થઈ ગયા છે. 

શી જિનપિંગની ગેરહાજરીથી બાઈડન નિરાશ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન G20 સમિટમાં હાજરી આપવા માટે આગામી 7થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યાર બાદ તેઓ વિયેતનામની મુલાકાત લેશે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને શી જિનપિંગ G20 સમિટમાં હાજરી આપવા દિલ્હી નહીં આવે તેવા સમાચારોને લઈ પ્રતિક્રિયા આપી હતી.

જો બાઈડને કહ્યું હતું કે, શી જિનપિંગ G20 સમિટમાં હાજરી નથી આપવાના તે જાણીને હું નિરાશ થયો છું પરંતુ હું તેમને મળવા જઈશ. જોકે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને શી જિનપિંગ સાથેની તેમની આગામી બેઠક માટેના સ્થાનની કોઈ સ્પષ્ટતા નહોતી કરી પરંતુ નવેમ્બર મહિનામાં અમેરિકા સાન ફ્રાન્સિસ્કો ખાતે APEC કોન્ફરન્સ યોજવાનું છે તેમાં બંને નેતા એકબીજાને મળે તેવી શક્યતા છે. 

G20 સમિટમાં પુતિન પણ નહીં આપે હાજરી

દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ બે દિવસ માટે G20 સમિટ યોજાશે. બે દિવસીય સમિટમાં 20 સભ્ય દેશો સહિત 40 દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ ભાગ લેશે. શી જિનપિંગ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અગાઉથી જ વડાપ્રધાન મોદીને સમિટમાં પોતે હાજર નહીં રહે તેવા નિર્ણયની જાણ કરી દીધેલી છે કારણ કે તેઓ યુક્રેનમાં ખાસ લશ્કરી કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે. 

આ દિગ્ગજ નેતાઓ થશે સામેલ

નવી દિલ્હી ખાતે યોજાનારી G20 સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીજ, જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્જ, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈજ ઈનાસિયો લૂલા ડી સિલ્વા સહિતના અનેક નેતાઓ સામેલ થશે. શિખર સંમેલનમાં 10 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી G20ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપશે. 

જાણો G20 સમિટનું મહત્વ

G20માં સામેલ દેશ વિશ્વની કુલ GDPનો 85 ટકા હિસ્સો ધરાવે છે. વૈશ્વિક વ્યાપારનો 75 ટકા અને વિશ્વની કુલ જનસંખ્યાની બે તૃતીયાંશ જનતા G20 દેશોમાં રહે છે. G20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, રિપબ્લિ ઓફ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, અમેરિકા અને યુરોપીય યુનિયન સામેલ છે.