અમેરિકી રાષ્ટ્રપતિ પદના દાવેદાર વિવેક રામાસ્વામીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ખોટા વચનોનો આરોપ લગાવ્યો

ભારતીય મૂળના અમેરિકી નાગરિક વિવેક રામાસ્વામી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાંથી ઉમેદવારીના દાવેદાર છે. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીના દાવેદાર તરીકે તેમણે પોતાની જાતને એક શાનદાર ડિબેટર તરીકે રજૂ કરી છે. 38 વર્ષીય વિવેક રામાસ્વામી પોતાની જાતને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે એક સીધા-સાદા, સત્યવક્તા અને જોરદાર નેતા તરીકે વ્યક્ત કરે છે.  વિવેક […]

Share:

ભારતીય મૂળના અમેરિકી નાગરિક વિવેક રામાસ્વામી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીમાંથી ઉમેદવારીના દાવેદાર છે. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારીના દાવેદાર તરીકે તેમણે પોતાની જાતને એક શાનદાર ડિબેટર તરીકે રજૂ કરી છે. 38 વર્ષીય વિવેક રામાસ્વામી પોતાની જાતને રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે એક સીધા-સાદા, સત્યવક્તા અને જોરદાર નેતા તરીકે વ્યક્ત કરે છે. 

વિવેક રામાસ્વામીએ પૂર્વ રાષ્ટ્રપતિની કરી ટીકા

ત્યારે 21મી સપ્ટેમ્બરના રોજ ઓહાયો ખાતે પ્રચાર દરમિયાન વિવેક રામાસ્વામીએ ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પના પુરોગામી એવા ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા રજૂ કરવામાં આવેલા આરોગ્ય સંભાળ સુધારણાને રદ્દ કરી બદલવામાં ટ્રમ્પની નિષ્ફળતા બદલ તેમની ટીકા કરી હતી. 

વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર ખોટા વચનો આપવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પોતે કદી ખોટા વચનો નથી આપતા તેમ જણાવીને ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી હતી. વિવેક રામાસ્વામીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે આપણને વચન આપ્યું હતું કે, ઓબામા કેરને રદ્દ કરી બદલવામાં આવશે. 8 વર્ષ પછી પણ શું તે શક્ય બન્યું છે? ના, તે નથી શક્ય બન્યું. એ એક ખોટું વચન હતું.”

આશ્ચર્યજનક રીતે ડોનાલ્ડ ટ્રમ્પના ડિફેન્ડર ગણાતા 38 વર્ષીય ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી દ્વારા આ પ્રકારની ટીકા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની દોડમાં હવે બીજા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ સ્થાને છે. 

એક સમયે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય પ્રતિદ્વંદી રહી ચુકેલા ફ્લોરિડાના ગવર્નર રોન ડેસેન્ટિસ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં વિવેક રામાસ્વામીની પાછળ છે. અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ચીન પર પણ નિશાન સાધ્યું છે. તેમણે ચીનથી આર્થિક સ્વતંત્રતાની જાહેરાતનું આહ્વાન કર્યું છે. 

ચીનને માત આપવાનો એજન્ડા

આ સાથે જ વિવેક રામાસ્વામીએ ભારત સહિતના અન્ય દેશો પાસેથી વિસ્તારિત સંબંધો વધુ સારા બનાવવા પ્રસ્તાવ મુક્યો છે. વિવેક રામાસ્વામીએ તેમના સ્પષ્ટ દૃષ્ટિકોણ અંગે વાત કરતા કહ્યું હતું કે, તેઓ ચીનથી આર્થિક સ્વતંત્રાની જાહેરાત કરશે અને અમેરિકી સમૃદ્ધિ વધારવા માટે ધ્યાન આપશે. તેમણે ચીનથી અલગ થવા મામલે ગંભીરતા દર્શાવીને આ માટે ભારત સાથેના સંબંધો મજબૂત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે રાષ્ટ્રપતિ બન્યા બાદ જળવાયુ પરિવર્તન એજન્ડાને તમાશો અને છળ ગણાવીને તેમાંથી આઝાદ થવા ઉપરાંત સેમીકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન વધારી, સૈન્ય ખર્ચ વધારી અને ચીની મેડીકલ સપ્લાય ખતમ કરીને ચીનથી આર્થિક રીતે સ્વતંત્ર થવા કામ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.