WHO: ગાઝાની 3 હોસ્પિટલોએ દર્દીઓને સલામત ખસેડવા માટે કરી મદદની માગણી

જીનીવા પ્રેસ બ્રીફિંગ દરમિયાન યુનિસેફે ગાઝામાં સામૂહિક રોગચાળો ફાટી નીકળવાના જોખમ અંગે પણ ચેતવણી આપી

Courtesy: Image: Twitter

Share:

 

WHO: ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતાં પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ઈઝરાયલ ખૂબ જ ઉગ્ર વલણ અપનાવીને હમાસનો સફાયો કરવા માટે તત્પર છે જેથી પેલેસ્ટાઈનના ગાઝા વિસ્તારમાં ભારે તારાજી વ્યાપી છે. ત્યારે ઈઝરાયલના હુમલાઓથી લોકોને બચાવવા માટે ગાઝાની 3 હોસ્પિટલોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સમક્ષ મદદની માગણી કરી છે.

 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રવક્તાએ મંગળવારના રોજ જણાવ્યું હતું કે, ઈઝરાયલના સૈનિકોથી ઘેરાયેલી ગાઝાની 3 હોસ્પિટલોએ દર્દીઓને સલામત રીતે બહાર કાઢવા માટે મદદ કરવા વિનંતી કરી હતી અને તે માટેનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. 

WHOના પ્રવક્તાનું નિવેદન

હમાસના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાથી ઈઝરાયલના સૈનિકો દ્વારા ગાઝાની હોસ્પિટલો પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. આ કારણે જ એન્ક્લેવના ઉત્તરીય હિસ્સાની તમામ હોસ્પિટલોએ પોતાનું સંચાલન બંધ કરી દીધું છે. જોકે જે લોકો સ્થળ છોડીને ભાગી ન શક્યા તેવા કેટલાક દર્દીઓ હજુ પણ હોસ્પિટલોમાં જ છે. 

 

ત્યારે WHOના પ્રવક્તા ક્રિશ્ચિયન લિન્ડમિયરે સ્થળાંતરને અંતિમ ઉપાય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અલ શિફા, ઈન્ડોનેશિયન હોસ્પિટલ અને અલ અહલી હોસ્પિટલ દ્વારા મદદની માગણી કરવામાં આવી છે જેમાંથી અલ શિફા હોસ્પિટલમાં રહેલા બાળકોને પહેલેથી જ સલામત સ્થળે ખસેડી દેવાયા છે. 

રોગચાળો ફાટી નીકળવાની ચેતવણી

જીનીવા પ્રેસ બ્રીફિંગ દરમિયાન યુનિસેફે ગાઝામાં સામૂહિક રોગચાળો ફાટી નીકળવાના જોખમ અંગે પણ ચેતવણી આપી હતી. આશ્રય સ્થળોમાં હજારો લોકોની ભીડ જામી છે જ્યાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે અને બાળ મૃત્યુ દરમાં પણ વધારો થઈ શકે છે. 

અલ શિફા હોસ્પિટલમાંથી હથિયારો મળ્યા

હમાસનો ખાતમો કરવા હવે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ)એપોતાની યુદ્ધ રણનીતિમાં બદલાવ કરવાનો નિર્ણય લીધો છે. આઈડીએફે અલ શિફા હોસ્પિટલનો પર્દાફાશ કર્યો છે, જેમાં હમાસે હથિયારોને છુપાવવા માટે મસ્જિદોમાં બુલેટ પ્રૂફ દરવાજા બેસાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 

 

ત્યાંથી એક રોકેટ લેબ, મિસાઈલ, મોટર, ડ્રોન, વિસ્ફોટક, મિસાઈલ બનાવવાનો સામાન અને તેની ડિઝાઈન પણ મળી આવી હતી. આ તમામ વસ્તુઓને આઈડીએફએ પોતાના કબજામાં લીધી છે.

સીસીટીવી કેમેરા પર કાળી પટ્ટી

આઈડીએફને ગાઝાની અલ શિફા હોસ્પિટલમાંથી પણ હથિયારો મળી આવ્યા હતા. ઓપેરેશનમાં આઈડીએફને જાણવા મળ્યું હતું કે, હમાસે હોસ્પિટલના સીસીટીવી કૅમેરા પર કાળી પટ્ટી ચોંટાડી હતી, જેથી કોઈ કેમેરા હેક કરી અંદરની માહિતી મેળવી શકે નહીં. 

 

હોસ્પિટલમાં એમઆરઆઈ મશીનની પાછળ એકે-47 રાઈફલ, ગ્રેનેડ અને કારતૂસો રાખવામાં આવી હતી. દવા રાખવાની શેલ્ફ પર બુલેટ્સ અને બંદૂકની મેગેઝીન રાખવામાં આવી હતી, જેને કપડાંથી ઢાંકવામાં આવી હતી. હોસ્પિટલના નીચે આઈડીએફને એક મોટી ટનલ પણ મળી હતી.