કાળઝાળ ગરમીથી બચવાના ઉપાયો 

ઉનાળો જેવો આવે કે તેનાથી કેવી રીતે બચવું તે એક પ્રશ્ન બની રહે છે. ઉનાળામાં ગરમી વધવાને કારણે જો જરૂર ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પરંતુ જો બહાર જવાનું થાય તો આકરા તાપથી કેવી રીતે બચવું તે જાણવું પણ આવશ્યક છે.  ગરમીમાં બહાર નીકળવાથી ત્વચા સનબર્નનો ભોગ બને છે અને અલ્ટ્રા વાયોલેટ […]

Share:

ઉનાળો જેવો આવે કે તેનાથી કેવી રીતે બચવું તે એક પ્રશ્ન બની રહે છે. ઉનાળામાં ગરમી વધવાને કારણે જો જરૂર ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. પરંતુ જો બહાર જવાનું થાય તો આકરા તાપથી કેવી રીતે બચવું તે જાણવું પણ આવશ્યક છે. 

ગરમીમાં બહાર નીકળવાથી ત્વચા સનબર્નનો ભોગ બને છે અને અલ્ટ્રા વાયોલેટ કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાના કેન્સરનું પણ જોખમ વધી જાય છે.

આકરા તાપથી ત્વચાને બચાવવા માટે તડકામાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાવવું અત્યંત આવશ્યક છે. ઓછામાં ઓછા 30 SPF ધરાવતું સનસ્ક્રીન વાપરવું જોઈએ, હવે માર્કેટમાં 50 SPF (સન પ્રોટેક્શન ફેક્ટર) ધરાવતું ક્રીમ પણ ઉપલબ્ધ છે, જો શક્ય હોય તો તે વાપરવું જોઈએ. જે ત્વચાનો ભાગ સીધા સૂર્યના સંપર્કમાં આવતો હોય ત્યાં ક્રીમ લગાવવાથી ત્વચાને રક્ષણ મળે છે. જો વધુ પરસેવો થતો હોય તો ક્રીમ દર બે કલાકે લગાવવી જોઈએ. 

ઉનાળામાં શરીરમાં પાણીનું પ્રમાણ વારંવાર ઓછું થઈ જાય છે. શરીરને હાઇડ્રેટ રાખવું અત્યંત આવશ્યક છે. સૂરજના આકરા તાપમાં બહાર નીકળતી વખતે સાથે પાણી રાખવું તથા વારંવાર પાણી પીતા રહેવું જોઈએ. શરીરમાં પાણીની ઘટ ન થવા દેવી જોઈએ. કામ દરમિયાન પણ અવાર- નવાર પાણી પીતા રહેવાની આદત લાભદાયક છે. 

ઉનાળામાં કેવા વસ્ત્રો પહેરવાથી ઓછી ગરમી લાગે તે જાણો અને તે પ્રમાણે ઘરની બહાર નીકળવું જોઈએ. ઉનાળામાં તમે સુતરાઉ કપડાં, ખાદીના કપડાં અથવા લીનનના કપડાના બનેલા પોશાક પહેરશો તો તમને ગરમીમાં રાહત રહેશે અને સિન્થેટિક કપડાને કારણે થતી એલર્જીથી પણ બચી જશો. 

ગરમીમાં બહાર નીકળવાથી માથાનો દુખાવો, ચક્કર આવવા, ઊબકા આવવા, આંખે અંધારા આવવા, શરીરનું તાપમાન વધી જવું, થાક લાગવો, ચાંદી લાલ થઈ જવી તેમજ સ્નાયુનો દુખાવો થઈ શકે છે. આ ઉપરાંત ઝાડા અને ઊલટી પણ થઈ શકે છે. આવા સંજોગોમાં કેવી રીતે ગરમીથી બચવું તે જાણી તેના ઉપાયો અમલમાં મૂકવા જરૂરી છે. 

ગરમીની સિઝનમાં બાહ્ય રીતે શરીરનું ધ્યાન રાખવા સાથે શરીરમાં એવા પીણાં જવા જોઈએ કે જે ગરમીમાં ઠંડક આપે. ગરમીની સિઝનમાં કેરીનો બાફલો ખુબ જ સ્વસ્થ ટોનિક ગણાય છે. તેનાથી લૂ લાગવાથી બચી શકાય છે. આ ઉપરાંત છાસ પીવાના અનેક ફાયદા છે. તેમાં જીરું અને મરી પાવડર નાખીને પીવાથી લૂ લાગતી નથી. નાળિયેરના પાણીમાં પણ ભરપૂર ગુણો છે. ગરમીમાં નાળિયેર પાણી પીવાથી ઔષધિની જરૂર રહેતી નથી. લીંબુનું શરબત પણ ગરમીમાં રાહત આપે છે. બસ, જરૂર છે આ ઉપાયો અપનાવીને તરોતાજા રહીને જીવનને માણવાની!