ઓસ્ટ્રેલિયાએ હળદરના સપ્લિમેન્ટ્સથી લીવરને થતાં નુકસાન અંગે બહાર પાડી ચેતવણી 

હળદર એ દેશી રસોડાનો એક ખૂબ ઉપયોગી અને સામાન્ય મસાલો છે. હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણધર્મો રહેલા છે અને તે ભોજનને એક ખૂબ જ આકર્ષક પીળો રંગ આપે છે. દેશી ઉપચાર પદ્ધતિઓમાં પણ હળદરના અનેક ફાયદાના ગુણગાન લખાયેલા છે.  હળદરના કારણે થઈ શકે છે લીવરને નુકસાન જોકે ઓસ્ટ્રેલિયન સરકારના હેલ્થ અને એજ કેર વિભાગ […]

Share:

હળદર એ દેશી રસોડાનો એક ખૂબ ઉપયોગી અને સામાન્ય મસાલો છે. હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણધર્મો રહેલા છે અને તે ભોજનને એક ખૂબ જ આકર્ષક પીળો રંગ આપે છે. દેશી ઉપચાર પદ્ધતિઓમાં પણ હળદરના અનેક ફાયદાના ગુણગાન લખાયેલા છે. 

હળદરના કારણે થઈ શકે છે લીવરને નુકસાન

જોકે ઓસ્ટ્રેલિયન સરકારના હેલ્થ અને એજ કેર વિભાગ તથા થેરાપ્યુટિક ગુડ્ઝ એડમિનિસ્ટ્રેશન દ્વારા હળદરના ઉપયોગ અંગે એક સંયુક્ત સલાહ બહાર પાડવામાં આવી છે. તે મુજબ હળદર કે કર્ક્યુમિન સાથેના હર્બલ સપ્લિમેન્ટ અથવા તો દવાઓ અમુક ખાસ સંજોગોમાં લીવરને નુકસાન પહોંચાડી શકે છે. 

અગાઉ પણ લીવરના નુકસાન અને હળદરના ઉપયોગ વચ્ચેનું એક તારણ સામે આવ્યું હતું. યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીન દ્વારા વર્ષ 2021માં બહાર પાડવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે હળદરના ઉત્પાદનોથી લીવરને નુકસાનના એક ડઝનથી પણ વધારે કેસ નોંધાયેલા છે. 

આ પ્રકારના સંશોધનો બાદ હળદરનો ઉપયોગ કરવો કે નહીં તેની અસંમજસ ઉભી થાય તે સ્વાભાવિક છે. જોકે જેમ આપણા સૌના શરીર અલગ અલગ પ્રકૃત્તિ ધરાવે છે તેમ હળદરની તેના પરની અસર પણ અલગ અલગ હોઈ શકે છે. ઉપરાંત હળદર અથવા તો તેના સપ્લિમેન્ટ્સનું પ્રમાણ પણ તેની પ્રતિકૂળ અસરો માટે જવાબદાર પરિબળ છે. નિષ્ણાતોના મતે સામાન્યતઃ દરરોજ 500થી 2000 એમજી (mg) કર્ક્યુમિન સપ્લિમેન્ટ્સ લઈ શકાય. સાથે જ યાદ રાખવું જોઈએ કે, ડોઝનું પ્રમાણ વધારવાથી પરિણામ પર તેની નકારાત્મક અસર પણ પડી શકે છે. ઉપરાંત કર્ક્યુમિન સપ્લિમેન્ટ્સની ગુણવત્તા વગેરે પણ અગત્યનું પરિબળ છે. 

અમુક દવાઓ સાથે હળદરનું સેવન જોખમી

જો કોઈ વ્યક્તિ પહેલેથી જ લીવરને લગતી કોઈ બીમારીથી પીડાતી હોય તો હળદર અથવા કર્ક્યુમિન સપ્લિમેન્ટ્સનો પ્રયોગ તેના માટે જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત લોહી પાતળું કરવા માટેની દવા, એન્ટીડાયેબેટિક ડ્રગ્સ, એન્ટાસિડ્સ સાથે હળદરનું સેવન કરવાથી તેના એડવર્સ રિએક્શન ઉદ્ભવે છે જે હળદરથી ફાયદાના બદલે નુકસાન કરાવે છે. હળદરના સપ્લિમેન્ટ્સનું સેવન કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી બની જાય છે. 

કાચી હળદરના ફાયદા

જે લોકોના ભોજનમાં નિયમિતપણે હળદરનો ઉપયોગ નથી થતો તેમના માટે હળદરના સપ્લિમેન્ટ્સ કદાચ જરૂરી હોઈ શકે પરંતુ યોગ્ય માત્રામાં કાચી હળદરનું સેવન એ ચોક્કસથી ફાયદાકારી જ છે. ઉપરાંત ભોજનમાં મસાલા તરીકે હળદરનો વપરાશ ખૂબ જ સલામત ગણાય છે કારણ કે, તેમાં પ્રમાણ જળવાઈ રહે છે. આમ રસોઈ ઉપરાંત દૂધ સાથે હળદરનું સેવન, લીંબુ કે તેજાના સાથે હળદરની ચા, સલાડ વગેરેમાં હળદરનો ઉપયોગ હંમેશા સુરક્ષિત ઉપાય કહી શકાય.