માનસિક ભારથી અકળાશો નહીં, આ ટિપ્સ ફોલો કરીને શીખો કામની યોગ્ય વહેંચણી કરતા

ઘણી વખત વધારે પડતા કામના કારણે માનસિક ભાર અનુભવાતો હોય છે. જોકે કામને નાના નાના ટુકડાઓમાં વહેંચીને અથવા તો ના કઈ રીતે પાડી શકાય તે શીખીને તમે આ પ્રકારના માનસિક ભારને ઘટાડી શકો છો. ઘણી વખત આપણે આપણાં માથે જે જવાબદારીઓ હોય તેના કારણે ખૂબ જ માનસિક ભારનો અનુભવ કરીએ છીએ અને તે આપણા પર […]

Share:

ઘણી વખત વધારે પડતા કામના કારણે માનસિક ભાર અનુભવાતો હોય છે. જોકે કામને નાના નાના ટુકડાઓમાં વહેંચીને અથવા તો ના કઈ રીતે પાડી શકાય તે શીખીને તમે આ પ્રકારના માનસિક ભારને ઘટાડી શકો છો.

ઘણી વખત આપણે આપણાં માથે જે જવાબદારીઓ હોય તેના કારણે ખૂબ જ માનસિક ભારનો અનુભવ કરીએ છીએ અને તે આપણા પર હાવી થઈ જાય છે. આ સ્થિતિમાં ખૂબ તાણ પણ અનુભવાતી હોય છે. વિવિધ પ્રકારના કારણોસર અનુભવાતા માનસિક ભારને હળવો કરવા માટે જે-તે પરિસ્થિતિને યોગ્ય સ્ટ્રેટેજી નક્કી કરવી ખૂબ અગત્યની બની રહેતી હોય છે.  

માનસિક ભાર હળવો કરવા માટે સૌથી પહેલા તો કયું કામ પહેલા કરવાની જરૂર છે તે નક્કી કરીને વર્કલોડ મેનેજ કરવો જરૂરી બની જાય છે. કામના મહત્વના આધારે તેને પાછું ઠેલીને કે પછી તેની વહેંચણી કરીને તમે યોગ્ય સમયે જરૂરી કામ પૂરૂ કરવાની સાથે જ માનસિક ભારને પણ હળવો કરી શકશો.

કામના ભાગલા પાડો

ઉપરાંત કોઈ કામ કે જવાબદારીને એક જ સાથે પૂરી કરવાના બદલે તેને અમુક ભાગમાં વહેંચી દેવું જોઈએ. આ પ્રકારે કામનું વિભાજન કરવાથી તમે પદ્ધતિસર રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ પૂરૂ કરી શકશો અને જે કામ ખૂબ મોટું લાગતું હતું તે ટુકડાઓમાં વહેંચાઈ ગયું હોવાથી એક સાથે સમગ્ર જવાબદારીનો માનસિક ભાર પણ નહીં અનુભવાય.

ના પાડતા શીખો

ના કહી દેવું ખૂબ સરળ લાગે છે પરંતુ જ્યારે જવાબદારીની વાત આવે ત્યારે અમુક સંજોગોમાં ના પાડવી ખૂબ અઘરી થઈ પડતી હોય છે. જોકે તમારે ના પાડતા શીખવું જ પડશે. ખાસ કરીને જ્યારે પહેલેથી જ તમારા પાસે કામનો ઢગલો પડ્યો હોય તેવા સંજોગોમાં તમારે સામેની વ્યક્તિને ખોટું ન લાગે તે રીતે તમારી સ્થિતિ સમજાવીને ના કહેવી જ જોઈએ. વધુ પડતા કામના બોજમાં દટાયેલા જ હોવ તેવા સંજોગોમાં જો તમે શરમના કારણે ના નહીં પાડો તો તમારી એનર્જી કામ કરતા તેની ચિંતામાં વધારે ખર્ચાશે અને તમે ખૂબ જ માનસિક ભાર અનુભવશો. 

રૂટિન તૈયાર કરો

વર્કલોડને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તમારે નિયમિતપણે તમારા કમિટમેન્ટ્સ પર નજર રાખતા રહેવી જોઈએ અને એ પ્રકારે દિનચર્યા નક્કી કરવી જોઈએ. આમ કરવાથી તમે સૌથી પહેલા શું કરવું જોઈએ તે નક્કી કરી શકશો અને માનસિક ભાર વગર અને ચૂક્યા વગર પદ્ધતિસર રીતે તમારી જવાબદારીઓ પૂરી કરી શકશો. 

નોંધનીય છે કે, માનસિક ભાર ઘણી વખત આપણાં સ્વભાવ પર પણ અસર કરે છે અને એકંદરે તમે જીવનથી ખૂબ નીરસ બનવા લાગો છો. જોકે યોગ્ય સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરીને તમે તમારી જવાબદારી સાથે તમારા સંબંધો પણ યોગ્ય રીતે જાળવી શકશો.