ગર્ભાવસ્થા દરમિયાન ત્વચા કાળી પડી રહી હોય તો ગભરાશો નહીં, આ રીત અપનાવી પિગમેન્ટેશન નિયંત્રણમાં રાખો

સામાન્ય રીતે સૌ કોઈ ગર્ભાવસ્થા દરમિયાન ત્વચામાં જે ગ્લો, ચમક જોવા મળતી હોય છે તેના વિશે વાત કરતા હોય છે. માતા બનવાની હોય તેવી દરેક સ્ત્રી સામાન્ય રીતે તેની ત્વચામાં અનેરી ચમક જણાઈ રહી છે તેવી પ્રતિક્રિયાઓ મેળવતી જ હોય છે. જોકે ઘણી વખત આ ચમક કાયમી નથી રહેતી અને બાળકને જન્મ આપ્યા બાદ ત્વચા […]

Share:

સામાન્ય રીતે સૌ કોઈ ગર્ભાવસ્થા દરમિયાન ત્વચામાં જે ગ્લો, ચમક જોવા મળતી હોય છે તેના વિશે વાત કરતા હોય છે. માતા બનવાની હોય તેવી દરેક સ્ત્રી સામાન્ય રીતે તેની ત્વચામાં અનેરી ચમક જણાઈ રહી છે તેવી પ્રતિક્રિયાઓ મેળવતી જ હોય છે. જોકે ઘણી વખત આ ચમક કાયમી નથી રહેતી અને બાળકને જન્મ આપ્યા બાદ ત્વચા કાળી પડી જતી હોય છે અથવા તો હાઈપર પિગમેન્ટેશનની સમસ્યા જોવા મળતી હોય છે. મુખ્યત્વે હોર્મોનલ ચેન્જીસના કારણે આ સ્થિતિ નિર્માણ પામતી હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન પિગમેન્ટેશનને લઈ નીચેની બાબતો ધ્યાનમાં રાખવીઃ

મેલાનિન નામનું રંગદ્રવ્ય આંખો, વાળ અને ત્વચાના રંગને ચમક આપવાનું કામ કરે છે. આમ ત્વચાના વિશિષ્ટ ટોન પાછળ મેલાનિન જવાબદાર હોય છે. ત્વચા વધારે પડતી કાળી થઈ જાય, હાઈપર પિગમેન્ટેશન કે પછી ત્વચા તેનો રંગ ગુમાવે (હાઈપોપિગમેન્ટેશન) જેવી સ્થિતિઓ ત્વચાના પિગમેન્ટેશન સાથે સંકળાયેલા વિકાર છે. 

ગર્ભાવસ્થાના કુદરતી પાસા તરીકે પણ ત્વચામાં આ પ્રકારના ફેરફાર જોવા મળતા હોય છે પરંતુ ઘણી વખત દેખાવમાં નોંધાતો આ ફેરફાર સ્ત્રીને પરેશાન પણ કરી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પિગમેન્ટેશનની સમસ્યાનો સામનો કરવા માટે નીચેની ટિપ્સ ધ્યાનમાં રાખવીઃ

1. સૂર્ય સામે રક્ષણ

યુવી કિરણોના કારણે પિગમેન્ટેશનમાં ખૂબ વધારે ફેરફારો નોંધાય છે માટે ગર્ભાવસ્થા દરમિયાન પિગમેન્ટેશનને નિયંત્રિત કરવા માટે ત્વચાનું સૂર્યની ગરમીથી રક્ષણ કરવું જરૂરી બને છે. વાદળછાયુ વાતાવરણ હોય ત્યારે પણ ઉચ્ચ SPF સાથેના બ્રોડસ્પેક્ટ્રમ સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને બહાર હોવ ત્યારે દર 2 કલાકે તેને ફરી એપ્લાય કરો. ત્વચાનું સૂર્યની ગરમીથી રક્ષણ કરવા માટે એ પ્રકારના કપડાં પહેરો, પહોળી ટોપીઓ અને સનગ્લાસ પણ પહેરો. 

2. ટોપિકલ સોલ્યુશન્સ

ગ્લાયકોલિક એસિડ, લેક્ટિક એસિડ અથવા તો એઝેલેઈક એસિડ જેવા ઘટકો ધરાવતા ઉત્પાદનો તમારા બાળકને ગંભીર નુકસાન પહોંચાડ્યા વગર જ પિગમેન્ટેશનની સમસ્યા અને દેખાવને સુધારવામાં ઉપયોગી બની શકે છે. હાઈડ્રોક્વિનોન ધરાવતી પ્રોડક્ટ્સથી દૂર રહો. 

3. મોઈશ્ચરાઈઝર

તમે તમારી ત્વચાને યોગ્ય રીતે હાઈડ્રેટ રાખીને તેના સ્વાસ્થ્ય અને દેખાવની જાળવણી કરી શકો છો. દરરોજ માઈલ્ડ અને સુગંધરહિત મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો. 

4. અમુક વસ્તુઓથી દૂર જ રહો

સગર્ભા સ્ત્રીઓની ત્વચા ખૂબ જ સંવેદનશીલ બની ગઈ હોય છે. માટે આ સમય દરમિયાન ત્વચાને નુકસાન પહોંચાડતી વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જરૂરી બની જાય છે. અમુક પ્રકારના ક્લીન્ઝર, સ્ક્રબ અને સુગંધી વસ્તુઓ તમારી ત્વચાને ખરાબ કરી શકે છે. 

5. ડિલિવરી પછીની સંભાળ

ડિલિવરી પછી જેમ જેમ હોર્મોનનું સ્તર સામાન્ય થવા લાગશે તેની સાથે જ ત્વચા પરના પિગમેન્ટેશનની સમસ્યા પણ ધીમે ધીમે દૂર થઈ જશે. બાળકને જન્મ આપ્યા બાદ પણ તમારા સ્કીનકેર રૂટિનને ભૂલશો નહીં અને સૂર્યના તાપથી બચીને રહો.