ચોમાસા દરમિયાન થતી ગેસ્ટ્રિક સમસ્યાઓને દૂર કરવા આ 5 ટિપ્સ અપનાવો

ચોમાસામાં વરસાદથી ગરમીથી રાહત મળે છે, પરંતુ આરોગ્ય માટે જોખમો પણ ઊભી કરે છે, ખાસ કરીને ગેસ્ટ્રિક સમસ્યાઓ અર્થાત પેટ સંબંધિત સમસ્યા થાય છે. આરોગ્ય નિષ્ણાતો આ ઋતુમાં ગેસ્ટ્રિક સમસ્યાઓને દૂર રાખવા માટે ખૂબ કાળજી લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, કારણ કે મોસમી ફેરફારો વ્યક્તિના આંતરડાના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.  ચોમાસાથી […]

Share:

ચોમાસામાં વરસાદથી ગરમીથી રાહત મળે છે, પરંતુ આરોગ્ય માટે જોખમો પણ ઊભી કરે છે, ખાસ કરીને ગેસ્ટ્રિક સમસ્યાઓ અર્થાત પેટ સંબંધિત સમસ્યા થાય છે. આરોગ્ય નિષ્ણાતો આ ઋતુમાં ગેસ્ટ્રિક સમસ્યાઓને દૂર રાખવા માટે ખૂબ કાળજી લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, કારણ કે મોસમી ફેરફારો વ્યક્તિના આંતરડાના સ્વાસ્થ્યને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. 

ચોમાસાથી માત્ર ત્વચા, આંખ કે સાંધાની સમસ્યાઓ જ નથી થતી પરંતુ ગેસ્ટ્રિક સમસ્યા પણ થાય છે. તેથી વરસાદની ઋતુમાં ખૂબ કાળજી લેવી અને ગેસ્ટ્રિકની સમસ્યાઓને દૂર રાખવી જરૂરી છે. 

એક અહેવાલમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ્સના ડાયરેક્ટર અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સિનિયર કન્સલ્ટન્ટ, ડૉ. મેઘરાજ ઈંગલે જણાવ્યું, “મોટી સંખ્યામાં લોકોને વરસાદની ઋતુમાં ગેસ્ટ્રિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગેસ્ટ્રિક સમસ્યાઓ તરફ દોરી જતા પરિબળોમાં ભેજનું ઊંચું સ્તર, દૂષિત પાણી અને ખોરાક છે, જે રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. ચોમાસામાં ભેજવાળું વાતાવરણ વ્યક્તિની પાચનક્રિયાને ધીમી પાડે છે અને વ્યક્તિના પેટનું ફૂલવું, ગેસ્ટ્રિક, એસિડિટી અને અપચો થઈ શકે છે. બહારનો ખોરાક ખાવાના કારણે ઘણા લોકોને ઊલટી અને પેટમાં દુખાવો જેવી સમસ્યા થાય છે. વાસી અથવા બગડેલો ખોરાક ખાવાને કારણે ફૂડ પોઈઝનિંગ થાય છે.”

તેમણે ચેતવણી આપી, “સાલ્મોનેલા અને ઈ.કોલી જેવા બેક્ટેરિયાથી સંક્રમિત કાચો અને ઓછો રાંધેલો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. દૂષિત પાણીના ઉપયોગથી ઝાડા અને પેટના અન્ય ઈન્ફેકશન થાય છે. આ મહત્વપૂર્ણ ટિપ્સને અનુસરીને ચોમાસા દરમિયાન પાચનતંત્રને સ્વસ્થ રાખવું જોઈએ. તદુપરાંત, ગેસ્ટ્રોએન્ટેરિટિસ અથવા પેટનો ફ્લૂ એ પણ એક સમસ્યા છે જે જઠરાંત્રિય માર્ગ, પેટ અને આંતરડામાં બળતરા પેદા કરે છે. તે અત્યંત ચેપી છે અને જ્યારે કોઈ વ્યક્તિ ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવે છે ત્યારે અથવા દૂષિત ખોરાક અથવા પાણી દ્વારા ફેલાય છે. ઝાડા અને ઊલટી, પેટમાં ખેંચ, દુખાવો, તાવ, ઉબકા અને માથાનો દુખાવો તેના લક્ષણો છે.”

ગેસ્ટ્રિક સમસ્યાઓથી બચવા માટે નીચેની ટિપ્સ અનુસરો:

પ્રોબાયોટીક્સ લો

તે આંતરડામાં પાચનશક્તિ માટે સારા છે. દહીં અને છાશનું સેવન કરો. જો જરૂરી હોય તો નિષ્ણાતની મદદ લો.

પૂરતું પાણી પીઓ

પાચનમાં મદદ કરવા અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવા માટે દરરોજ ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. શરીરને ઓવર-હાઈડ્રેટ ન કરો કારણ કે તેનાથી બીજી સમસ્યાઓ પણ થઈ શકે છે.

કાચા શાકભાજી ન ખાઓ

બાફેલી શાકભાજી ખાવી જોઈએ. કાચા શાકભાજીમાં બેક્ટેરિયા અને વાઈરસ હોઈ શકે છે જે આંતરડાના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડીને પેટમાં ઈન્ફેક્શન ફેલાવી શકે છે.

ખોરાકમાં કાચા સીફૂડ લેવાનું ટાળો

ચોમાસા દરમિયાન પાણી દૂષિત હોવાથી, સુશી, સાશિમી જેવા કાચા સીફૂડ ખાવાથી ઝાડા થાય છે. જંક, પ્રોસેસ્ડ અને તૈયાર ખોરાકનું સેવન પણ મર્યાદિત કરવું જોઈએ.

ગળ્યો ખોરાક ખાવાનો ઓછો કરો

આઈસ્ક્રીમ, ચોકલેટ, કેન્ડી અને મીઠાઈઓનું સેવન ઓછું કરો તેનાથી શરીરમાં બળતરા થાય છે અને આંતરડામાં પાચનશક્તિ નબળી બને છે.