ગરબે ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, જાણો નવરાત્રીની ખરીદી માટે અમદાવાદના કેટલાક બેસ્ટ સ્થળો વિશે

નવલી નવરાત્રી પહેલા જ ગરબાના પ્રેમીઓ ચણિયા ચોળી, કુર્તા પાયજામા સહિતના ટ્રેડિશનલ કપડાંઓ અને વિવિધ આભૂષણોની ખરીદીમાં લાગી જતા હોય છે. નવરાત્રીનો તહેવાર અને ગરબા ગુજરાતીઓની આગવી ઓળખ ગણાય છે અને તેમાં પણ અમદાવાદમાં નવરાત્રીની ખરીદી માટેના અમુક વિસ્તારો ખાસ પ્રચલિત ગણાય છે.   ગરબા માટે કેડિયા, ચણિયા ચોળી, કુર્તા પાયજામા અને રંગબેરંગી દુપટ્ટાઓ તથા ઓક્સોડાઈઝના […]

Share:

નવલી નવરાત્રી પહેલા જ ગરબાના પ્રેમીઓ ચણિયા ચોળી, કુર્તા પાયજામા સહિતના ટ્રેડિશનલ કપડાંઓ અને વિવિધ આભૂષણોની ખરીદીમાં લાગી જતા હોય છે. નવરાત્રીનો તહેવાર અને ગરબા ગુજરાતીઓની આગવી ઓળખ ગણાય છે અને તેમાં પણ અમદાવાદમાં નવરાત્રીની ખરીદી માટેના અમુક વિસ્તારો ખાસ પ્રચલિત ગણાય છે.  

ગરબા માટે કેડિયા, ચણિયા ચોળી, કુર્તા પાયજામા અને રંગબેરંગી દુપટ્ટાઓ તથા ઓક્સોડાઈઝના ઘરેણાંઓ માટે અમદાવાદના અનેક સ્થળો ખૂબ જ ફેમસ ગણાય છે જ્યાંથી તમે નવરાત્રીની સંપૂર્ણ ખરીદી કરી શકો છો અને નવરાત્રીમાં તમારો લુક કમ્લીટ કરી શકો છો.

લો ગાર્ડન

જો તમે નવરાત્રી દરમિયાન ગરબામાં ઝૂમવા માટે મિરર વર્કની ચણિયા ચોળીથી માંડીને ખૂબ જ વૈભવી સિલ્ક કે પછી સાદગીભર્યા કોટન, મિક્સ એન્ડ મેચ ડિઝાઈ સહિતના વિકલ્પો અંગે વિચારી રહ્યા હોવ તો અમદાવાદનો લો ગાર્ડન વિસ્તાર આ પ્રકારની ખરીદી માટે બેસ્ટ ગણાય છે. 

લો ગાર્ડન વિસ્તારમાં આખું વર્ષ ચણિયા ચોળી સહિતના પરંપરાગત વસ્ત્રો મળી રહે છે પરંતુ નવરાત્રી દરમિયાન લો ગાર્ડન વિસ્તારની રોનકમાં અનેકો વધારો થઈ જાય છે. ગુજરાતની કેટલીક સર્વશ્રેષ્ઠ ચણિયા ચોળીની ડિઝાઈન તમને લો ગાર્ડન વિસ્તારના લાંબા પટ્ટામાં ફેલાયેલા બજારમાંથી મળી રહેશે. ઉપરાંત તમને ઓક્સોડાઈઝ અને ફૂમકાંવાળા આભૂષણો અને ચણિયા ચોળીને અનુરૂપ પગરખાં પણ લો ગાર્ડન બજારમાંથી જ મળી રહેશે. 

રાણીનો હજીરો

માણેક ચોક પાસે આવેલા રાણીના હજીરામાં ટ્રેન્ડી ચણિયા ચોળી, જામવાર પેચીસ અને મિરર વર્ક પોટલીના એક એકથી ચઢિયાતા વિકલ્પો મળી રહેશે. ઉપરાંત રાણીના હજીરા વિસ્તારની બજારમાંથી તમને આર્ટિફિશિયલ જ્વેલરી, બેગ્સ સહિતની અન્ય એસેસરી પણ ખૂબ જ સરળતાથી અનેક વિકલ્પો સાથે મળી રહેશે. 

રાણીના હજીરામાંથી તમે યુનિક અને વિન્ટેજ જ્વેલરી ખરીદીને તમારા નવરાત્રી લુકને એક અલગ સ્તરે લઈ જઈ શકશો. 

ઢાલગરવાડ

જો તમે બજેટમાં રહીને નવરાત્રી દરમિયાન ગરબાના દરેક દિવસે એક અલગ લુક ટ્રાય કરવા ઈચ્છો છો તો ત્રણ દરવાજા પાસેનો ઢાલગરવાડ વિસ્તાર તમારી રાહ જોઈ રહ્યો છે. ઢાલગરવાડમાંથી તમને ડ્રેસ મટીરિયલ, ચણિયા ચોળી, સાડીઓ, પટોળા, બાંધણીના કાપડ સહિત તહેવારો માટેના કપડાં અને ઘરેણાં ખૂબ જ વાજબી કિંમતે મળી રહેશે. 

રતન પોળ

કાળુપુરમાં આવેલું રતન પોળનું સાડી બજાર એ ચણિયા ચોળી અને ઈમિટેશન જ્વેલરી માટે પણ એક છુપા રતન સમાન જગ્યા છે. આ સિવાય સિંધી માર્કેટ અને લાલ દરવાજાથી પણ તમે નવરાત્રીની ખરીદી કરી શકો છો. 

અમદાવાદમાં વસ્ત્રાપુરના તળાવની સામે નવરાત્રીના એકાદ મહિના પહેલા અમદાવાદ હાટ ભરાય છે ત્યાંથી પણ તમે ગરબા માટે પોશાક અને ઘરેણાંની ખરીદી કરી શકો છો. આ વાઈબ્રન્ટ મેળામાં સમગ્ર ગુજરાતના કારીગરો પોતાના પરંપરાગત ખજાનાનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે સ્ટોલ લગાવતા હોય છે. 

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં પાંજરાપોળ ક્રોસ રોડની સામે આવેલા કામધેનુ કોમ્પ્લેક્સની 27 અને 28 નંબરની દુકાનમાં સરકારી હેન્ડલૂમ એમ્પોરિયમ, ગરવી ગુજરાતી એમ્પોરિયમ પણ નવરાત્રીના પોશાક સહિતના ગુજરાતી વસ્ત્રો માટે એક છુપા રતન સમાન જગ્યા છે.