Healthy Life: શિયાળામાં એનર્જી લેવલને બૂસ્ટ કરવા જરૂરથી ટ્રાય કરો આ 5 રેસિપી

આયર્ન રેડ બ્લડ સેલને તાકાત આપે છે જેથી ઓક્સિજન શરીરનાં બધા અંગો સુધી પહોંચી શકે છે

Courtesy: Twitter

Share:

Healthy Life: આયર્નથી ભરપૂર વાનગીઓ તમારા આરોગ્યની જાળવણી ઉપરાંત મૂડ અને એનર્જી લેવલને પણ બૂસ્ટ કરે છે. શિયાળામાં સુસ્તીનો ખૂબ જ અનુભવ થતો હોય છે ત્યારે આ ઋતુ દરમિયાન લીલા શાકભાજી, સુકા મેવા, નટ્સ, કઠોળ વગેરેને તમારા ડાયેટમાં સામેલ કરીને તમે તંદુરસ્ત જીવન (Healthy Life) જીવવાની દિશામાં એક કદમ આગળ વધી શકો છો. 

જો તમે થાક, ચક્કર, ખાલીપો, માથાનો દુઃખાવો, ચીડિયાપણું વગેરે લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો તો સમજી લો કે તમારા શરીરમાં આયર્નની ઉણપ છે માટે તમારે નિષ્ણાતની સલાહ લઈને જરૂરી ટેસ્ટ કરાવવા જોઈએ. 


Healthy Life માટે આયર્નસભર વાનગીઓ

નિષ્ણાતની મદદથી આયર્ન લેવલની તપાસ કરાવવાની સાથે જ તમારે તમારા ડાયેટમાં પણ આયર્નના વિવિધ સ્ત્રોતોનો સમાવેશ કરવો જોઈએ જેથી શરીરને જરૂરી પોષણ મળી રહે અને કુદરતી રીતે જ તમે તમારા શરીરમાં આયર્નની ઉણપ દૂર કરી શકો.

1. પાલક, તુવેર દાળનો સૂપ
તમારી જરૂરિયાત પ્રમાણેની તુવેર દાળને હળદર નાખીને બાફી લો. હવે એક પેનમાં ઘી મુકીને જીરા, આદુ, લસણ, લીલા મરચાની પેસ્ટનો વઘાર કરો અને તેમાં પાલકને સાંતળી લો. હવે તેમાં બાફેલી દાળ અને જરૂર મુજબ મીઠું, પાણી વગેરે મુકીને ઉકાળો એટલે સૂપ તૈયાર છે. 

2. બીટ, ગાજરનું સલાડ
એક બાઉલમાં ગાજર અને બીટના છીણને લઈ તેમાં લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. ઉપરાંત સ્વાદ વધારવા માટે તેમાં મીઠું, શેકેલા જીરાનો પાવડર અને કાળા મરીનો પાવડર પણ ઉમેરી શકાય. 

3. રાગીની પોરીજ
પાણીમાં રાગીનો લોટ ઉમેરીને તે ખીરાને ગેસ પર હલાવતા રહીને ઉકાળો અને ઘટ્ટ બને એટલે તેમાં દૂધ ઉમેરી ગોળ કે અન્ય ગળપણ અને ઈલાયચીનો પાવડર ઉમેરી વધુ થોડી વાર ઉકાળો એટલે તમારી સ્વાદિષ્ટ ગરમાગરમ રાગી પોરીજ તૈયાર છે. 

4. ખજૂર, દાડમની ચટણી
તમે એક બ્લેન્ડર જારમાં એક બાઉલ દાડમના દાણા, 4-5 ખજૂરની પેશી, જરૂરિયાત પ્રમાણે મીઠું, લાલ મરચાનો પાવડર અને જીરાનો પાવડર ઉમેરીને તેને સરખી રીતે પીસી લો. આ ચટણી તમે પરાઠા, બ્રેડ સાથે કે ભેળમાં પણ વાપરી શકો છો. 

5. કાળા તલના લાડુ
કાળા તલને મિક્સચરમાં અટકી અટકીને ક્રશ કરી લો. હવે તેમાં છીણેલો ગોળ અથવા તો ખજૂરની પેસ્ટ ઉમેરીને અને જરૂર પ્રમાણે ઘી ઉમેરીને લોટ જેવું તૈયાર કરો અને તેના મનપસંદ આકારના લાડુ વાળી લો. 

આપણાં લોહીનો લાલ રંગ પણ આયર્નને આભારી છે. આયર્ન રેડ બ્લડ સેલને તાકાત આપે છે જેથી ઓક્સિજન શરીરનાં બધા અંગો સુધી પહોંચી શકે છે. આમ, તંદુરસ્ત જીવન (Healthy Life) માટે શરીરને પૂરતા પ્રમાણમાં આયર્ન મળી રહે તે ખૂબ જ જરૂરી છે.