ખાંડની જગ્યાએ વધી રહ્યું છે બ્રાઉન સુગર, ગોળ અને મધનું પ્રચલન: શું તે શ્રેષ્ઠ વિકલ્પ છે કે નહીં? જાણો વધુ

આધુનિક સમયમાં બેઠાડું જીવનશૈલીના વધી રહેલા જોખમ વચ્ચે લોકો પોતાના ખોરાક અંગે વધારે સભાન પણ બન્યા છે. લોકોમાં ખાંડ, ટ્રાન્સ ફેટ, જંક ફૂડની સ્વાસ્થ્ય પર શું ખરાબ અસર પડે છે તે અંગેની જાગૃતિ વધી છે. આ કારણે ક્રોનિક રોગોનું જોખમ ઘટાડવા માટે લોકોએ આરોગ્યપ્રદ વિકલ્પો તરફ નજર દોડાવવાનું શરૂ કર્યું છે. ઘણાં લોકો ખાંડના વિકલ્પ […]

Share:

આધુનિક સમયમાં બેઠાડું જીવનશૈલીના વધી રહેલા જોખમ વચ્ચે લોકો પોતાના ખોરાક અંગે વધારે સભાન પણ બન્યા છે. લોકોમાં ખાંડ, ટ્રાન્સ ફેટ, જંક ફૂડની સ્વાસ્થ્ય પર શું ખરાબ અસર પડે છે તે અંગેની જાગૃતિ વધી છે. આ કારણે ક્રોનિક રોગોનું જોખમ ઘટાડવા માટે લોકોએ આરોગ્યપ્રદ વિકલ્પો તરફ નજર દોડાવવાનું શરૂ કર્યું છે.

ઘણાં લોકો ખાંડના વિકલ્પ તરીકે મધ, ગોળ અથવા તો બ્રાઉન સુગરનો ઉપયોગ કરવા તરફ આગળ વધ્યા છે જેથી ફક્ત કેલેરીના બદલે પોષણનો લાભ પણ મળે. આ કુદરતી વિકલ્પો બ્લડ સુગર મેનેજમેન્ટ માટે વધુ યોગ્ય હોવાનું માનવામાં આવે છે. જોકે નિષ્ણાતોના કહેવા પ્રમાણે ગોળ અને મધ પોષક તત્વોની દૃષ્ટિએ ખાંડનો વધુ સારો વિકલ્પ બનવા છતાં પણ શરીરમાં સુગરનું પ્રમાણ ઉંચે લઈ જવા માટે કારણરૂપ બની શકે છે. 

બ્રાઉન સુગર

બ્રાઉન સુગર સફેદ ખાંડમાં મોલાસીસ ઉમેરીને બનાવવામાં આવે છે. આમ મોલાસીસ ખાંડને મનમોહક બ્રાઉન રંગની સાથે સ્વાદની રંગત આપે છે. આમ બ્રાઉન સુગરમાં સફેદ ખાંડની સરખામણીએ થોડા વધારે ખનીજો અને ભેજનું પ્રમાણ હોય છે પરંતુ મૂળે તે સુક્રોઝથી જ બને છે. 

મધ

શુદ્ધ મધમાં થોડા પ્રમાણમાં વિટામીન્સ અને ખનીજો હોવાની સાથે જ તેમાં વધારાની શર્કરા કે પ્રિઝર્વેટિવ નથી હોતા. પરંતુ માર્કેટમાં મોટા પાયે વેચાતા મધમાં ઘણી વખત સ્વાદ, રંગ, ખાંડ વગેરે ઉમેરવામાં આવતા હોય છે જેથી તે લાંબો સમય સુધી સારૂં રહે, લોકોને દેખાવથી આકર્ષક લાગે અને સ્વાદથી પણ લોભામણું બને. 

ગોળ

ગોળ ખજૂર અથવા તો શેરડીના રસમાંથી બનાવવામાં આવે છે અને તે સફેદ ખાંડના વિકલ્પ તરીકે ખૂબ પ્રચલિત બની રહ્યો છે. તેમાં વિટામીન્સ, ખનીજો અને એન્ટીઓક્સિડેન્ટ્સનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે પંરતુ તે કેલેરી અને શર્કરાનો સમૃદ્ધ સ્ત્રોત છે તે ભૂલવું ન જોઈએ.

ખાંડના વિકલ્પ તરીકે મધ કે ગોળ લઈ શકાય?


સફેદ ખાંડની જગ્યાએ ગોળ કે મધનો પ્રયોગ કરવાથી આહારના પોષક તત્વોના પ્રમાણમાં થોડે અંશે વધારો થાય છે. જોકે વધુ પોષક તત્વોનો લાભ મેળવવા માટે ખાંડની જગ્યાએ ગોળ કે મધ વાપરવાની સલાહ આપવી યોગ્ય ન કહેવાય.

માત્ર કેલેરીને ધ્યાનમાં રાખીને જ મધ, ગોળ કે ખાંડમાંથી વિકલ્પ પસંદ કરવાનો હોય તો તમામનું મૂલ્ય લગભગ એક સમાન જ છે. આમાંથી કોઈ પણ વસ્તુ કેલેરીનું પ્રમાણ વધારશે જ. માટે કુદરતી ફળોની મીઠાશ અપનાવો અથવા તો ઓછી કેલેરીવાળા કૃત્રિમ ગળપણને પસંદ કરો.

કેટલાક લોકો ગોળને સુપર ફૂડ માને છે કારણ કે તેમાં વિટામીન્સ અને ખનીજોનું પ્રમાણ વધારે હોય છે પરંતુ રસોઈ બનાવતી વખતે ગરમીના કારણે તેનું બાષ્પીભવન થઈ જાય છે. આમ માત્ર ખાંડનું પ્રમાણ ઘટાડીને તમે તમારા ડાયેટ પ્રત્યે વધારે સભાન બની શકો છો.