જાણો મેનોપોઝ શું છે? તેના લક્ષણો અને તે સમય દરમિયાન શું તકેદારી રાખવી જોઈએ

સામાન્ય રીતે યુવતીઓ માસિક ધર્મથી અવગત હોય છે, પરંતુ મેનોપોઝ કે રજોનિવૃત્તિ પણ જીવનનો એક તબક્કો છે જેમાંથી દરેક સ્ત્રીએ પસાર થવું પડતું હોય છે. સામાન્ય રીતે કોઈ યુવતીને 12-15 વર્ષની ઉંમરે માસિક ધર્મ શરૂ થાય છે અને આશરે 45-50 વર્ષની ઉંમર સુધી તે ચાલે છે. મતલબ કે દર મહિને માસિક આવવાનું બંધ થાય ત્યાર […]

Share:

સામાન્ય રીતે યુવતીઓ માસિક ધર્મથી અવગત હોય છે, પરંતુ મેનોપોઝ કે રજોનિવૃત્તિ પણ જીવનનો એક તબક્કો છે જેમાંથી દરેક સ્ત્રીએ પસાર થવું પડતું હોય છે. સામાન્ય રીતે કોઈ યુવતીને 12-15 વર્ષની ઉંમરે માસિક ધર્મ શરૂ થાય છે અને આશરે 45-50 વર્ષની ઉંમર સુધી તે ચાલે છે. મતલબ કે દર મહિને માસિક આવવાનું બંધ થાય ત્યાર બાદ મેનોપોઝનો તબક્કો શરૂ થાય છે જે મહિલા ત્યાર બાદ ગર્ભવતી નહીં બની શકે તેમ સૂચવે છે. 

જોકે વર્તમાન જીવનશૈલી, તણાવ, હોર્મોનલ સમસ્યા, સ્મોકિંગ, જીનેટિક કારણો વગેરેના લીધે આજકાલ સ્ત્રીઓમાં પ્રિમેચ્યોર મેનોપોઝના લક્ષણો જોવા મળે છે. મેનોપોઝના પ્રારંભિક તબક્કામાં અનિયમિત માસિક, હોટ ફ્લેશ, રાતે ખૂબ જ પરસેવો અનુભવવો સહિતની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. 

મેનોપોઝના કારણો

એસ્ટ્રોજેન માસિક ધર્મને નિયંત્રિત કરે છે અને પ્રોજેસ્ટેરોન એક મહિલાના શરીરને ગર્ભાવસ્થા માટે તૈયાર કરે છે. મહિલાઓની ઓવરી જ્યારે આ બંને હોર્મોનનું ઉત્પાદન ઓછું કરી દે તે સમયે પેરિમેનોપોઝ શરૂ થાય છે. 

મહિલા 40 વર્ષની થવા આવે એટલે ઓવરી એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનનું ઉત્પાદન ઘટાડી દે છે. આ સાથે જ મહિલાની પ્રજનન ક્ષમતા પણ ઘટવા લાગે છે. જોકે ડાઉનસિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ એડિસન ડિસીઝ, હાઈપોથાઈરોડિઝમ, એન્ઝાઈમની ઉણપના કારણે માસિક ધર્મ વહેલા બંધ થવાની શક્યતા રહે છે. 

મેનોપોઝના લક્ષણો

મેનોપોઝના કારણે લોહી અસંતુલિત થવાથી ગરમી લાગે છે, ધબકારા વધી જાય છે, રાતે પરસેવો વળે છે અને અનિંદ્રા થવા લાગે છે. ઉપરાંત જીનાઈટલ પરિવર્તનના કારણે જનનાંગોમાં સંકોચન, શુષ્કતા, લોહી વહેવું, ડિસ્ચાર્જ, સંભોગની ઈચ્છા ઘટી જવી અથવા પીડા થવી સહિતના લક્ષણો જોવા મળતા હોય છે. 

ઉપરાંત હોર્મોન્સના કારણે હાડકાંમાં પણ ફેરફાર થાય છે જેથી તે નબળા પડે છે અને સાંધા, પીઠ વગેરેમાં દુખાવો થાય છે. હોર્મોન્સ બદલાવાથી ત્વચા શુષ્ક બની જાય છે અને સ્તન સંકોચાઈ જાય છે. શારીરિક બદલાવની સાથે માનસિક બદલાવો પણ થાય છે જેમાં થાક, ચીડિયાપણું, ઉદાસી, યાદદાસ્ત કમજોર બનવી વગેરેનો સમાવેશ થાય છે. 

મેનોપોઝ દરમિયાન શું ધ્યાન રાખવું

મેનોપોઝના સમય દરમિયાન ચા, કોફી અને મસાલેદાર ભોજનનું સેવન ઘટાડી દેવું જોઈએ કારણ કે તેનાથી મેનોપોઝ સંબંધી લક્ષણોને પ્રોત્સાહન મળે છે અને સમસ્યા વધે છે. આ સમય દરમિયાન વ્યાયામ જરૂરથી કરવો જોઈએ જેથી ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા સામે મહદઅંશે રક્ષણ મળી રહે. ઉપરાંત દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓનું સેવન પણ વધારી દેવું જોઈએ. સંતુલિત અને પૌષ્ટિક ભોજનનું સેવન કરવું જોઈએ. જોકે તેમ છતાં શારીરિક કે માનસિક સમસ્યા અસહ્ય લાગે તો નિષ્ણાતની મદદ લેવી જોઈએ.