જાણો શા માટે ડાયાબિટીસના દર્દીઓ, વજન ઘટાડવા ઈચ્છતા હોય તેમના માટે સુપર ફૂડ ગણાય છે બેબી કોર્ન

અનેક વાનગીઓના સ્વાદમાં વધારો કરવા માટે બેબી કોર્નનું પ્રચલન ખૂબ જ વધી રહ્યું છે. કદમાં ખૂબ નાના હોવા છતાં બેબી કોર્ન પોષક તત્વોના પાવર હાઉસ સમાન ગણાય છે અને તેમાં પુષ્કળ માત્રામાં જરૂરી એવા વિટામીન્સ અને ખનીજો રહેલા હોય છે.  તાજા બેબી કોર્નને સલાડમાં લેવાથી કે પછી અન્ય શાકભાજી સાથે ફ્રાય કરીને, સૂપ, સ્ટ્યૂ કે […]

Share:

અનેક વાનગીઓના સ્વાદમાં વધારો કરવા માટે બેબી કોર્નનું પ્રચલન ખૂબ જ વધી રહ્યું છે. કદમાં ખૂબ નાના હોવા છતાં બેબી કોર્ન પોષક તત્વોના પાવર હાઉસ સમાન ગણાય છે અને તેમાં પુષ્કળ માત્રામાં જરૂરી એવા વિટામીન્સ અને ખનીજો રહેલા હોય છે. 

તાજા બેબી કોર્નને સલાડમાં લેવાથી કે પછી અન્ય શાકભાજી સાથે ફ્રાય કરીને, સૂપ, સ્ટ્યૂ કે કરી જેવી વાનગીઓમાં સામેલ કરીને તેનો સ્વાસ્થ્ય લાભ મેળવી શકાય છે. બેબી કોર્ન ખરીદતી વખતે તે હંમેશા તાજા હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. બેબી કોર્ન ખાવાથી નીચે દર્શાવ્યા મુજબના સ્વાસ્થ્ય લાભ થાય છે. 

1. વિટામીન્સ અને મિનરલ્સથી ભરપૂર

બેબી કોર્ન જરૂરી વિટામીન્સ અને મિનરલ્સનો સમૃદ્ધ સ્ત્રોત ગણાય છે જે સ્વાસ્થ્ય જાળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં રહેલા થિયામીન, રિબોફ્લેવિન અને નિયાસિન સહિતના બી વિટામીન્સ નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરવામાં મદદરૂપ બને છે. ઉપરાંત ત્વચા અને વાળની તંદુરસ્તી જાળવવામાં પણ ઉપયોગી બને છે. 

તેમાં રહેલા આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા મહત્વના ખનીજો રક્ત કોશિકા, સ્નાયુ અને હૃદય માટે જરૂરી છે. 

2. ઓછી કેલેરી અને વધુ ફાઈબર

બેબી કોર્નમાં કેલેરીનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી તે સ્વાદ અને પોષણ સાથે સમાધાન કર્યા વગર ભોજનનો આનંદ માણવામાં ઉપયોગી બને છે. ઉપરાંત તેમાં રહેલું હાઈ ફાઈબર પાચનમાં મદદરૂપ બને છે અને વજન ઘટાડવાના પ્રયત્નોને ટેકારૂપ બને છે. 

3. એન્ટીઓક્સિડેન્ટનો સ્ત્રોત

બેબી કોર્નમાં બીટા કેરોટિન અને વિટામીન સીનું પ્રમાણ ખૂબ સારી માત્રામાં રહેલું હોય છે. આમ તે એન્ટીઓક્સિડેન્ટ્સનું પાવર હાઉસ ગણાય છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હૃદય રોગ, કેન્સર સામે લડવામાં મદદરૂપ બને છે. 

4. બ્લડ સુગરના નિયંત્રણ માટે

જે લોકો પોતાના બ્લડ સુગર લેવલને લઈ ખૂબ સજાગ હોય તેઓ ડાયેટમાં બેબી કોર્નનો ઉમેરો કરીને નિર્ધારિત લાભ મેળવી શકે છે. તેમાં રહેલું ફાઈબર સુગરનું શોષણ ધીમું પાડે છે જેથી બ્લડ સુગર લેવલમાં અચાનક વધારો કે ઘટાડો થતો અટકે છે. આમ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. 

5. આંખોનું સ્વાસ્થ્ય જાળવે છે

બેબી કોર્નમાં રહેલા લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા જરૂરી કેરોટીનોઈડ્સ આંખનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ બને છે. તેનાથી મોતિયાનું જોખમ ઘટે છે અને દૃષ્ટિ નબળી પડતી અટકે છે. આમ બેબી કોર્નના સેવનથી આંખ સંબંધીત બીમારી સામે રક્ષણ મળે છે. 

6. હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી

બેબી કોર્નમાં રહેલું પોટેશિયમ અને ફાઈબરનું મિશ્રણ તેને હાર્ટ ફ્રેન્ડલી ફૂડ બનાવે છે. પોટેશિયમ શરીરમાં સોડિયમની અસરો ઘટાડી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ બને છે જેથી હાઈપરટેન્શનનું જોખમ ઘટે છે. ઉપરાંત તેમાં રહેલું ફાઈબર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી રક્તપ્રવાહને નિયંત્રિત કરીને હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.