Life Expectancy: સ્ત્રી-પુરૂષ જ નહીં, પ્રાણીઓમાં પણ જોવા મળે છે આ તફાવત, જાણો કારણ

ઘેટાંઓની બિગહોર્ન પ્રજાતિમાં નર અને માદા વચ્ચે અપેક્ષિત આયુષ્યનો તફાવત માત્ર વિકટ પરિસ્થિતિમાં જ જોવા મળ્યો હતો

Courtesy: Twitter

Share:

Life Expectancy: સામાન્ય રીતે સ્ત્રીઓ અને પુરૂષોના અપેક્ષિત આયુષ્ય (Life Expectancy)માં ખૂબ તફાવત જોવા મળતો હોય છે અને પુરૂષોની સરખામણીએ મહિલાઓ વધુ લાંબુ જીવન જીવે છે. જોકે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પ્રાણીઓમાં પણ આ તફાવત જોવા મળે છે. 


Life Expectancyના અસંતુલનનું કારણ
સ્ત્રીઓ અને પુરૂષોનું અપેક્ષિત આયુષ્ય અલગ અલગ હોય છે. યુએસમાં આ તફાવત ખૂબ જ વધી રહ્યો છે પરંતુ યુરોપમાં તે સંકોચાઈ રહ્યો છે. જો તમે આજુબાજુ નજર કરશો તો તમને નોંધપાત્ર લૈંગિક અસંતુલન જણાશે. તમને 85 વર્ષથી વધુ ઉંમરનો પુરૂષ ભાગ્યે જ દેખાશે જ્યારે તેથી વધુ ઉંમરની મહિલાઓ સામાન્ય રીતે જોવા મળતી જ હોય છે. આંકડાઓ પણ આ વાતને સમર્થન આપે છે. 

 

કોવિડ સહિતના પરિબળો બની રહ્યા છે જવાબદાર


ઉદાહરણ તરીકે, 2022 માં જર્મનીમાં પુરુષોનું સરેરાશ આયુષ્ય માત્ર 78 વર્ષથી વધુ હતું જ્યારે સ્ત્રીઓનું આયુષ્ય 82.8 વર્ષ હતું. યુએસમાં 2021માં મહિલાઓ માટે સરેરાશ આયુષ્ય 79ની આસપાસ હતું, જ્યારે પુરુષો માટે તે 73 વર્ષથી થોડું વધારે હતું. 5.8 વર્ષનો આ તફાવત 1996 પછીનો સૌથી મોટો તફાવત છે. 

એક નવા અભ્યાસમાં યુએસના સંશોધકોએ જણાવ્યું હતું કે, બાહ્ય પરિબળો, તેમાં પણ કોવિડ-19 મહામારી એ અપેક્ષિત આયુષ્ય (Life Expectancy)ના તફાવતમાં જે વધારો થઈ રહ્યો છે તેના માટે જવાબદાર છે. 

પુરૂષોનું આયુષ્ય ઓછું હોય છે તેના પાછળ આત્મહત્યા, વ્યસન, હિંસક ગુનાઓ સહિતના કારણો પણ જવાબદાર છે. જોકે ડ્રગ ઓવરડોઝ અને હત્યાના લીધે સ્ત્રીઓ અને પુરૂષોનો મૃત્યુ દર ઉંચો આવ્યો છે. આ સિવાય એક મહત્વનું પરિબળ હૃદય રોગ છે. યુએસમાં હૃદય રોગના કારણે સ્ત્રીઓની સરખામણીએ પુરૂષોના મૃત્યુનો આંકડો 50% વધુ છે.

 

પ્રાણીઓ પર અભ્યાસ
માર્ચ 2020માં સંશોધકોની આંતરરાષ્ટ્રીય ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે, માદા સસ્તન પ્રાણીઓ નર કરતાં લાંબુ જીવે છે. આ અભ્યાસ પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયો હતો.

વૈજ્ઞાનિકોએ અભ્યાસ કરેલ 101 પ્રજાતિઓમાં માદા પ્રાણીઓનું સરેરાશ આયુષ્ય નરની સરખામણીએ સરેરાશ 18.6% લાંબુ હતું. તેનાથી વિપરિત મનુષ્યમાં તે આંકડો 7.8% છે. 

જોકે પ્રાણીઓની એક પ્રજાતિમાં આ સ્થિતિ અસ્પષ્ટ હતી. ઘેટાંઓની બિગહોર્ન પ્રજાતિમાં નર અને માદા વચ્ચે અપેક્ષિત આયુષ્ય (Life Expectancy)નો તફાવત માત્ર વિકટ પરિસ્થિતિમાં જ જોવા મળ્યો હતો. જ્યારે તેમના માટે વસવાટ કરવાની પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ હોય અને તમામ માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ હોય તેવા સમયે નર ઘેટાં માદાઓની સરખામણીએ નોંધપાત્ર રીતે વહેલા મૃત્યુ નથી પામતા. 

Tags :