ગણેશ ચતુર્થી પર ગણપતિ બાપ્પાને ભોગ ધરાવવા માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને સરળ મોદક

ગણેશ ચતુર્થીના તહેવાર સાથે જ ભગવાન ગણેશજીના પ્રિય મોદક પણ જોડાયેલા છે. ભક્તો ગણેશ ચતુર્થી પર ઘરે જ વિવિધ પ્રકારના મોદકનો ભોગ તૈયાર કરીને ગણપતિ બાપ્પાના જન્મ દિવસની ઉજવણી કરે છે. આ તહેવારમાં ખાસ કરીને ઉકડીચે મોદકનું ખૂબ મહત્વ રહેલું છે જે પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ છે.  આ વર્ષે 18મી સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો આરંભ થઈ […]

Share:

ગણેશ ચતુર્થીના તહેવાર સાથે જ ભગવાન ગણેશજીના પ્રિય મોદક પણ જોડાયેલા છે. ભક્તો ગણેશ ચતુર્થી પર ઘરે જ વિવિધ પ્રકારના મોદકનો ભોગ તૈયાર કરીને ગણપતિ બાપ્પાના જન્મ દિવસની ઉજવણી કરે છે. આ તહેવારમાં ખાસ કરીને ઉકડીચે મોદકનું ખૂબ મહત્વ રહેલું છે જે પરંપરાગત અને સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ છે. 

આ વર્ષે 18મી સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવનો આરંભ થઈ રહ્યો છે અને 28મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન સાથે આ તહેવારની પૂર્ણાહુતિ થશે. ચોખા કે ઘઉંના બાફેલા લોટમાં તાજા છીણેલા નાળિયેર અને ગોળનું મિશ્રણ ભરીને ઉકડીચે મોદક તૈયાર કરવામાં આવે છે. જો તમે પણ ઘરે ગણેશજીને સ્થાપિત કરવાનું વિચારતા હોવ તો સરળ રીતે ઘરે જ પૌષ્ટિક ઉકડીચે મોદક તૈયાર કરી શકો છો. 

1. કોકોનટ મોદક

સૌથી પહેલા તો 220 ગ્રામ પાણીમાં 1/2 ચમચી મીઠું અને 1 ચમચી ઘી ઉમેરીને ઉકાળો અને ઉભરો આવે એટલે તેમાં 200 ગ્રામ નાચનીનો લોટ (ચોખાનો લોટ પણ લઈ શકાય) ઉમેરીને લાકડાના ચમચા વડે હલાવીને એક મિનિટ માટે ગરમ કરો. લોટ બધું જ પાણી શોષી લે એટલે તેને ઢાંકણ વડે ઢાંકીને 5 મિનિટ માટે બાજુ પર રાખી દો. હવે આ લોટને 5 મિનિટ સુધી હળવા હાથે મસળીને મોદકનું બહારનું આવરણ તૈયાર કરો અને જરૂર પડે તો સહેજ પાણી છાંટો.

હવે એક પેનમાં 100 ગ્રામ કોકોનટ સુગર લઈ તેને ગરમ કરો અને તે ઓગળવાનું શરૂ થાય એટલે તેમાં 250 ગ્રામ તાજા નાળિયેરનું છીણ, 1 ગ્રામ ઈલાયચી પાવડર અને 1 ગ્રામ સુકા ગુલાબની પાંદડીઓને સહેજ ગરમ કરીને તેનો પાવડર બનાવી ઉમેરો અને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લો. 

હવે મોદકના બીબામાં પહેલા નાચનીના લોટનું મિશ્રણ મુકીને અંદર નાળિયેરના મિશ્રણની ગોળી મુકીને તેને આકાર આપો અને તમામ મોદકને ઘીનું બ્રશ ફેરવીને સ્ટીમરમાં ધીમા તાપે 8-10 મિનિટ બાફીને સર્વ કરો. 

2. માવા એન્ડ બિસ્કોફ મોદક

સૌથી પહેલા 1 કપ કોયલના ફૂલ (અપરાજિતા)નું પાણી ગરમ કરો અને તેમાં એક ચમચી તલનું તેલ, ચપટી જેટલું મીઠું ઉમેરી એક કપ ચોખાનો લોટ ઉમેરો અને હલાવીને ગેસ બંધ કરી દો. તે લોટને 5 મિનિટ ઢાંકીને રાખ્યા બાદ 5-7 મિનિટ મસળીને કણક તૈયાર કરો.

હવે એક કપ માવામાં એક કપ બિસ્કોફ કૂકીઝનો ભૂકો ઉમેરીને ધીમી આંચે સહેજ શેકો અને તેમાં ઈલાયચી પાવડર ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણની ગોળીઓ ચોખાની વાદળી રંગની કણકમાં ભરીને તેને મોદકનો આકાર આપો અને તૈયાર કરેલા મોદક પર ઘીનું બ્રશ ફેરવીને 8-10 મિનિટ માટે સ્ટીમ કરી લો. 

ગણેશજીને મોદકનો ભોગ ધરાવીને તમે પણ ઉકડીચે મોદકનો આનંદ માણો.