Navratri 2023: ઉપવાસ દરમિયાન તીખું-તળેલું ખાવાના બદલે અપનાવો 7 આરોગ્યપ્રદ ટિપ્સ

Navratri 2023: સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. 15મી ઓક્ટોબરથી એટલે કે આજથી નવરાત્રી (Navratri 2023)ના પાવન પર્વનો શુભારંભ થઈ ચુક્યો છે. નવરાત્રીના તહેવાર દરમિયાન માતાજીની આરાધના અને ગરબા ઉપરાંત ઉપવાસ (Fasting)નું પણ વિશેષ મહત્વ રહેલું છે.  પિતૃપક્ષની સમાપ્તિ બાદ શારદીય નવરાત્રીના પહેલા દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉપવાસ શરૂ કરતા હોય છે અને છેલ્લા […]

Share:

Navratri 2023: સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે. 15મી ઓક્ટોબરથી એટલે કે આજથી નવરાત્રી (Navratri 2023)ના પાવન પર્વનો શુભારંભ થઈ ચુક્યો છે. નવરાત્રીના તહેવાર દરમિયાન માતાજીની આરાધના અને ગરબા ઉપરાંત ઉપવાસ (Fasting)નું પણ વિશેષ મહત્વ રહેલું છે. 

પિતૃપક્ષની સમાપ્તિ બાદ શારદીય નવરાત્રીના પહેલા દિવસથી જ શ્રદ્ધાળુઓ ઉપવાસ શરૂ કરતા હોય છે અને છેલ્લા નોરતે કન્યાઓનું પૂજન કર્યા બાદ ઉપવાસ પણ પૂરા થતા હોય છે.

નવરાત્રી (Navratri 2023)ના તહેવારમાં ઉપવાસ (Fasting)નું પણ અનેરૂં મહત્વ છે ત્યારે આ સમય દરમિયાન કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર (blood sugar)માં વધારો કરનારા અમુક ખોરાકના બદલે આરોગ્યપ્રદ ખોરાકનો વિકલ્પ વિચારવો મહત્વનો બની રહે છે. આ માટે અહીં દર્શાવેલી કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએઃ

1. તળેલી વસ્તુઓના બદલે ખીચડી કે રોટલી

નવરાત્રીના ઉપવાસ દરમિયાન શિંગોડા, રાજગરા, સામા, સાબુદાણા વગેરેના ફરાળી લોટની વાનગીઓનું પ્રચલન વધી જાય છે. મોટા ભાગે પૂરી, પકોડા, વડા જેવી ફરાળી વાનગીઓ તળીને બનાવવામાં આવતી હોય છે પરંતુ તમે ફરાળી લોટની મદદથી બનતી ખીચડી કે રોટલી જેવા આરોગ્યપ્રદ વિકલ્પો અપનાવી શકો છો. 

2. પોટેટો ફ્રાયના બદલે ફ્રુટ ચાટની મજા માણો

વધારે પડતા તેલવાળા ખોરાકથી બ્લોટિંગની સમસ્યા થઈ શકે છે માટે પોટેટો ફ્રાય જેવી વસ્તુઓના બદલે ફ્રુટ ચાટને પ્રાધાન્ય આપવું જોઈએ. 

3. ફળ અને કંદનો ઉપયોગ કરો

વિવિધ ફળો અને બટાકા, રતાળા, શક્કરિયા, અરબી સહિતના કંદ વિવિધ પ્રકારના વિટામીન, મિનરલ્સ, ફાઈબર વગેરેથી સમૃદ્ધ હોવાની સાથે જ તેમાં કુદરતી શર્કરા હોવાથી ઉપવાસ દરમિયાન દિવસભર શરીરની એનર્જી જળવાઈ રહેશે. 

વધુ વાંચો: નવરાત્રીમાં ઉપવાસ દરમિયાન આ નિયમોનું પાલન કરો

4. દૂધ અને દૂધની બનાવટોની મજા માણો

દૂધ ઉપરાંત દહીં, છાશ, પનીર અને ઘી સહિતની દૂધની બનાવટોને ઉપવાસ (Fasting) દરમિયાન ડાયેટમાં સ્થાન આપવાથી શરીરની પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાત પૂરી થાય છે. 

5. વધુ પડતા ચા-કોફી ટાળો

ચા અને કોફી જેવા પીણાના લીધે ડિહાઈડ્રેશન (dehydration)ની સમસ્યા થઈ શકે છે. માટે તેના સ્થાને નાળિયેર પાણી, લીંબુ પાણી, છાશ, મિલ્કશેક કે સાદા પાણીને વધુ માત્રામાં લેવા જોઈએ. 

6. આરોગ્યપ્રદ નાસ્તા ખાઓ

ફ્રાઈડ ચિપ્સના બદલે બાફેલા શક્કરિયા, ફળો, મખાના, સુકા મેવા સહિતના પોષણથી ભરપૂર વિકલ્પો અપનાવો. 

7. ખાંડનું પ્રમાણ ઘટાડો

સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન ખીર અને હલવા જેવી વાનગીઓ વધુ બનતી હોય છે. જોકે તેમાં રિફાઈન્ડ સુગરના બદલે ઈલાયચી, મધ, ખજૂર, તજ અને તાજા ફળોનો ઉપયોગ કરીને સ્વાદ વધારી શકાય છે. 

વધુ વાંચો: ઉપવાસ દરમિયાન સાત્વિક ભોજન કરવાના ફાયદા જાણીને ચોંકી જશો

નવરાત્રી (Navratri 2023) દરમિયાન ઉપવાસ કરીને શરીર અને મનથી સ્વસ્થ અને સ્વચ્છ બન્યા બાદ તરત જ વિવિધ પ્રકારના ખોરાકનો વધુ પડતો આનંદ માણવાનું ટાળવું જોઈએ. ઉપવાસ બાદ થોડો સમય હળવો ખોરાક લઈને તેની સાથે ધીમે ધીમે બહારનું ફાસ્ટ ફુડ વગેરે શરૂ કરવું જોઈએ.