Odisha: માતા દુર્ગાના ગિરવે મુકેલા ઘરેણાં છોડાવવા મુસ્લિમ વ્યક્તિએ કરી રૂ. 50,000ની મદદ

Odisha: દેશભરમાં નવરાત્રીના તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. નવરાત્રી હિન્દુઓનો તહેવાર ગણાય છે પરંતુ અન્ય સમુદાયના અનેક લોકોમાં પણ આ તહેવારને લઈ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ઓડિશા (Odisha)ના એક મુસ્લિમ શખ્સે ભાઈચારાની લાગણીનું એક અનેરૂ ઉદાહરણ પૂરુ પાડ્યું છે.  ઓડિશાના કટક શહેરમાં રહેતા મુસ્લિમ વ્યક્તિએ નવરાત્રી દરમિયાન માતા દુર્ગા (Goddess […]

Share:

Odisha: દેશભરમાં નવરાત્રીના તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. નવરાત્રી હિન્દુઓનો તહેવાર ગણાય છે પરંતુ અન્ય સમુદાયના અનેક લોકોમાં પણ આ તહેવારને લઈ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ઓડિશા (Odisha)ના એક મુસ્લિમ શખ્સે ભાઈચારાની લાગણીનું એક અનેરૂ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. 

ઓડિશાના કટક શહેરમાં રહેતા મુસ્લિમ વ્યક્તિએ નવરાત્રી દરમિયાન માતા દુર્ગા (Goddess Durga)ની આરાધનામાં કોઈ ઉણપ ન રહી જાય તે માટે પોતાનાથી બનતું યોગદાન આપવા આગળ આવીને સર્વધર્મ સમભાવની લાગણી દર્શાવી હતી. શહેરની સ્થાનિક દુર્ગા પૂજા સમિતિને દશેરાની ઉજવણીમાં મદદરૂપ બનવા માટે આ મુસ્લિમ વ્યક્તિએ 50,000 રૂપિયાની મદદ કરી હતી. 

Odishaના આ શહેરમાં કદી કોમી તોફાન નથી થયું

ઓડિશાનું કટક શહેર એક હજાર કરતાં પણ વધારે વર્ષો પુરાણુ છે અને દશેરા દરમિયાન કટકમાં આશરે 200 જેટલા પૂજા મંડપ ઉભા થતા હોય છે. કટકના સુતાહટ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. દુર્ગા પૂજાના અવસર પર મુસ્લિમ સમુદાયના સ્ત્રીઓ અને પુરૂષો પણ ખૂબ ઉત્સાહથી જોડાય છે અને આ શહેરના ઈતિહાસમાં કદી કોઈ પણ પ્રકારનું કોમી તોફાન નથી નોંધાયું. 

વધુ વાંચો: નવરાત્રીમાં તમારા ઘરને શણગારવા માટે આ ટિપ્સ અપનાવો 

મુસ્લિમ વ્યક્તિએ છોડાવ્યા માતા દુર્ગાના ઘરેણાં

ઓડિશા (Odisha)ના કટક શહેરમાં આવેલા સુતાહટ વિસ્તારમાં એક સ્થાનિક દુર્ગા પૂજા સમિતિ છે જે દર વર્ષે લોકો પાસેથી ફાળો ઉઘરાવીને દુર્ગા પૂજા કરે છે. આ વિસ્તારનું બજાર અવિકસિત હોવાથી લોકો પાસે આવકનો પૂરતો સ્ત્રોત પણ નથી. સમિતિએ વિકાસના કેટલાક કામો માટે સોનાના ઘરેણાં ગિરવે મુકીને લોન લીધી હતી. જોકે દશેરાના તહેવારને અનુલક્ષીને એક બેઠક યોજાઈ હતી જેમાં ઘરેણાંની જરૂર હોવાનો ઉલ્લેખ થયો હતો. 

આ સાંભળીને વર્ષોથી દુર્ગા પૂજા સમિતિના સદસ્ય એવા એસકે લિયાકુદ્દીન અહેમદે સ્વૈચ્છાએ આગળ આવીને ઘરેણાં છોડાવવાનું નક્કી કર્યું હતું. લિયાકુદ્દીન અહેમદે માતા દુર્ગા (Goddess Durga)ની પૂજા માટે આર્થિક યોગદાન આપવાની સાથે જ ગિરવે મુકવામાં આવેલા ઘરેણાં છોડાવવા રૂ. 50,000ની ચુકવણી કરી હતી. આમ લિયાકુદ્દીન અહેમદે દુર્ગા પૂજા દરમિયાન માતાજી અમૂલ્ય શણગારથી સુસજ્જ હોય અને પૂજામાં કોઈ ઉણપ ન રહી જાય તે માટે યોગદાન આપ્યું હતું.

વધુ વાંચો: જાણો ઉપવાસમાં પપૈયાથી લઈને કિવી સુધીના કયા ફળો બનશે એનર્જી બૂસ્ટર

લિયાકુદ્દીનના કહેવા પ્રમાણે તે વર્ષોથી સુતાહટ પૂજા સમિતિ સાથે સંકળાયેલો છે અને માતા દુર્ગાની પૂજા માટે તે કોઈ પણ રીતે યોગદાન આપી શક્યો તેને લઈ ખૂબ જ ખુશ છે. આ સમિતિના અન્ય એક સદસ્યે જણાવ્યું હતું કે, બેઠક માત્ર સમિતિના સદસ્યો વચ્ચે જ યોજાઈ હતી અને તે દરમિયાન લિયાકુદ્દીને સ્વૈચ્છિક દાન દ્વારા માતા દુર્ગાના ઘરેણાં છોડાવવાનું જણાવીને માતાજી પ્રત્યેનો અનન્ય પ્રેમ વ્યક્ત કર્યો હતો.