માત્ર એક સામાન્ય યુરિન ટેસ્ટની મદદથી અગાઉથી જ હૃદય રોગના જોખમ વિશે જાણી શકાશે

યુરોપિયન જર્નલ ઓફ હાર્ટ ફેલ્યોરના તાજેતરના સંશોધન પ્રમાણે યુરિન ટેસ્ટ અર્થાત પેશાબની તપાસ દ્વારા હૃદય રોગના સંભવિત જોખમ અંગે અગાઉથી જ જાણી શકાય છે અને હાર્ટ ફેલ્યોરની શક્યતા વધારે હોય તો તેના ઉપચાર માટે ત્વરિત પગલાં લેવામાં મદદ મળી શકે છે. વર્તમાન સમયમાં વયસ્કો ઉપરાંત બાળકોમાં પણ કાર્ડિયો સંબંધિત મૃત્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે.  […]

Share:

યુરોપિયન જર્નલ ઓફ હાર્ટ ફેલ્યોરના તાજેતરના સંશોધન પ્રમાણે યુરિન ટેસ્ટ અર્થાત પેશાબની તપાસ દ્વારા હૃદય રોગના સંભવિત જોખમ અંગે અગાઉથી જ જાણી શકાય છે અને હાર્ટ ફેલ્યોરની શક્યતા વધારે હોય તો તેના ઉપચાર માટે ત્વરિત પગલાં લેવામાં મદદ મળી શકે છે. વર્તમાન સમયમાં વયસ્કો ઉપરાંત બાળકોમાં પણ કાર્ડિયો સંબંધિત મૃત્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. 

સંશોધકોના કહેવા પ્રમાણે એક સામાન્ય યુરિન ટેસ્ટની મદદથી હૃદય રોગની શક્યતા વિશે જાણી શકાય છે. અભ્યાસ પ્રમાણે જે લોકોમાં યુરિનરી એલ્બ્યુમિન ઉત્સર્જન (UAE)નું પ્રમાણ લાંબો સમય સુધી વધારે રહે અથવા સીરમ ક્રિએટિનિન જોવા મળે તેમનામાં હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારે કહી શકાય. 

અભ્યાસમાં યુરિન ટેસ્ટના ડેટાનું વિશ્લેષણ કરાયું

આ અભ્યાસ માટે 11 વર્ષ સુધી 28થી 75 વર્ષની ઉંમરના 7,000 ડચ લોકોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે લોકોના રિપોર્ટમાં માત્ર UAEનું લેવલ એલિવેટેડ હોય તેવા લોકોમાં મૃત્યુનું જોખમ સૌથી વધારે નોંધાયુ હતું. અભ્યાસ પરથી કિડનીની સમસ્યા અને હાર્ટ ફેલ્યોર વચ્ચેની કડી પણ સામે આવી છે. જો મનુષ્યની કિડની તંદુરસ્ત હોય તો લોહીમાં રસાયણો પણ નિયંત્રિત રહે છે. 

કિડની કે હૃદયમાં ખામી એકબીજા માટે જોખમનું કારણ

કિડનીનું એક કામ આલ્બ્યુમિન નામના પ્રોટીનને પેશાબમાં જતું અટકાવવાનું છે. જોકે પેશાબમાં સોડિયમ અને ગ્લુકોઝના અણુઓ જોવા મળે તે સામાન્ય કહી શકાય. પરંતુ જો પેશાબમાં આલ્બ્યુમિનની હાજરી જણાય તો તે કિડની યોગ્ય રીતે કામ નથી કરી રહી અને તેની ફિલ્ટરેશન સિસ્ટમમાં સમસ્યા સૂચવે છે. 

સીરમ ક્રિએટિનિનનો અર્થ થાય છે કે, કિડની શરીરનો કચરો બહાર કાઢવામાં અસમર્થ બનવી. આ બંને સ્થિતિ કાર્ડિયો રેનલ સિન્ડ્રોમ સૂચવે છે અને તેમાં હૃદય અને કિડનીની સમસ્યાની શક્યતા રહે છે. જો હૃદય લોહીને પંપ કરવામાં અસમર્થ બને તો કિડનીની કામગીરી પર તેની અસર પડે છે અને જો કિડનીને નુકસાન થાય તો તેની અસર હૃદય પર પડતી હોય છે. આમ બંને અવયવની સારવાર વહેલી તકે થઈ શકે તે માટે આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો મહત્વનો બની રહે છે.

UACR સ્તર પરથી જાણી શકાય સંભવિત જોખમ

યુરિન આલ્બ્યુમિન ટુ ક્રિએટિનિન રેશિયો  (UACR) 30 mg/gથી નીચે હોય તે આદર્શ સ્થિતિ છે. પુરૂષોમાં સામાન્ય રીતે UACR વેલ્યુ 17 mg/g અથવા તેનાથી ઓછી જોવા મળે છે પરંતુ સ્ત્રીઓમાં તેનું પ્રમાણ 25 mg/g જેટલું હોય છે. 

જો UACR રેશિયો 30 mg/g કે તેનાથી ઓછો હોય તો તે સ્થિતિને સામાન્ય માનવામાં આવે છે પરંતુ 39 થી 300 mg/gનું પ્રમાણ હૃદય માટે જોખમી કહી શકાય અને 300 mg/gથી ઉંચુ સ્તર હૃદય માટે ખતરાની ઘંટડી સમાન છે. આમ એક સામાન્ય UACR ટેસ્ટ દ્વારા કિડની અને હૃદયના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી સંભવિત જોખમ સામે આગોતરા પગલાં લઈ શકાય છે.