પેપર સ્ટ્રોમાં પણ હોય છે સંભવિત ઝેરી રસાયણો, પેપર-વાંસની સ્ટ્રોમાંથી મળી આવ્યા PFAS

પ્લાસ્ટિકની સ્ટ્રોમાં રહેલા ઝેરી રસાયણોથી માનવ શરીર અને પર્યાવરણને થતા નુકસાન અંગેની જાગૃતિ બાદ સમગ્ર વિશ્વમાં પેપર સ્ટ્રોનું ચલણ વધ્યું છે. પ્લાસ્ટિકની સ્ટ્રોના વપરાશ સામે પેપર સ્ટ્રોને એક ઈકો ફ્રેન્ડલી વિકલ્પ તરીકે ગણવામાં આવે છે અને તેનું પ્રચલન વધી રહ્યું છે. કોલ્ડ કોફી, સોફ્ટ ડ્રિંક્સ માટે આકર્ષક પેપર સ્ટ્રોનું ચલણ વધ્યું છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને […]

Share:

પ્લાસ્ટિકની સ્ટ્રોમાં રહેલા ઝેરી રસાયણોથી માનવ શરીર અને પર્યાવરણને થતા નુકસાન અંગેની જાગૃતિ બાદ સમગ્ર વિશ્વમાં પેપર સ્ટ્રોનું ચલણ વધ્યું છે. પ્લાસ્ટિકની સ્ટ્રોના વપરાશ સામે પેપર સ્ટ્રોને એક ઈકો ફ્રેન્ડલી વિકલ્પ તરીકે ગણવામાં આવે છે અને તેનું પ્રચલન વધી રહ્યું છે. કોલ્ડ કોફી, સોફ્ટ ડ્રિંક્સ માટે આકર્ષક પેપર સ્ટ્રોનું ચલણ વધ્યું છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. 

પેપર સ્ટ્રોમાં રહેલા રસાયણો પર્યાવરણ માટે પણ જોખમી

બેલ્જિયન સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણ પ્રમાણે પેપર સ્ટ્રોમાં સંભવિત ઝેરી રસાયણો હોય છે જે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ વન્યજીવોને પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. અભ્યાસ દરમિયાન પરીક્ષણમાં લેવામાં આવેલી મોટા ભાગની પેપર સ્ટ્રો અને વાંસની સ્ટ્રોમાં પોલી અને પરફ્લુરોઆલ્કિલ પદાર્થો (PFAS) મળી આવ્યા હતા.

PFAS લાંબો સમય સુધી વિઘટિત નથી થતું

સંશોધકોના કહેવા પ્રમાણે PFAS ઘણાં લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી રાખે છે અને સમય જતા માનવ સ્વાસ્થ્ય માટે સંભવિત નુકસાનો ઉભા કરી શકે છે. જોકે યુકેમાં વર્ષ 2020થી પ્લાસ્ટિક સ્ટ્રો પર પ્રતિબંધ છે અને તેના ઈકો ફ્રેન્ડલી વિકલ્પ તરીકે પેપર સ્ટ્રોનો વપરાશ વધ્યો છે.  

પોતાના અભ્યાસ માટે સંશોધકોએ વિવિધ દુકાનો અને રેસ્ટોરાની અલગ અલગ પ્રકારના મટીરિયલમાંથી બનેલી સ્ટ્રોનું પરીક્ષણ કર્યું હતું જેમાં 20 પૈકીની 18 બ્રાન્ડની પેપર સ્ટ્રોમાંથી PFAS મળી આવ્યા હતા. જોકે પેપર સ્ટ્રોમાંથી લીક થયેલું PFAS જે-તે પ્રવાહીમાં ભળ્યું છે કે નહીં તે અંગે કોઈ અભ્યાસ નહોતો કરવામાં આવ્યો. 

PFAS સહિતના રસાયણો કેન્સર સહિતના રોગનું કારણ

2020થી PFAS અને PFOA પર સમગ્ર વિશ્વમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવેલો છે. જોકે તાજેતરના પરીક્ષણ દરમિયાન સ્ટીલની સ્ટ્રોમાં PFASના કોઈ નિશાન નહોતા જોવા મળ્યા. સંશોધકોએ જણાવ્યું હતું કે, PFASની સાંદ્રતા ઓછી હોવા છતાં તે અનેક વર્ષ સુધી શરીરમાં જમા થાય તો ગર્ભાવસ્થા બાદ જન્મ સમયે બાળકનું ઓછું વજન, થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ સ્તરમાં વધારો, લીવરને નુકસાન, કિડનીનું કેન્સર, ટેસ્ટિક્યુલર કેન્સર, વેક્સિન સામે શરીરનો ઓછો પ્રતિસાદ સહિતની વિવિધ  સમસ્યા થઈ શકે છે. 

પેપર સ્ટ્રોને પ્રવાહીમાં લાંબો સમય ટકાવી રાખવા તેને વોટર રિપેલન્ટ કોટિંગ કરવામાં આવે છે જેમાં PFAS હોય છે. એન્ટવર્પ યુનિવર્સિટીના ડૉ. થિમો ગ્રોફેને જણાવ્યું હતું કે, “પ્લાન્ટ-આધારિત સામગ્રીમાંથી બનેલી કાગળ કે વાંસની સ્ટ્રો ઘણી વખત પ્લાસ્ટિક સ્ટ્રો કરતાં વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ હોવાની જાહેરાત કરવામાં આવે છે.”