ડાયાબિટીસના દર્દીઓ માટે રાગી છે શ્રેષ્ઠ, બ્રેકફાસ્ટથી ડિનર સુધી રાગીને આ રીતે કરો સામેલ

ભારતીયોમાં વધી રહેલો ડાયાબિટીસનો રોગ એ એક ચિંતાનો વિષય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ઈન્ડિયા ડાયાબિટિસ (ICMR-INDIAB) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે 100 મિલિયનથી પણ વધારે ભારતીયો ડાયાબિટીસ સામે લડી રહ્યા છે.  ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ આહારમાં ભારે પરેજી પાળવી પડે છે. રાગીમાં હાઈ ફાઈબર અને અન્ય ખનીજો હોવાના કારણે ડાયાબિટીસના દર્દીઓ […]

Share:

ભારતીયોમાં વધી રહેલો ડાયાબિટીસનો રોગ એ એક ચિંતાનો વિષય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- ઈન્ડિયા ડાયાબિટિસ (ICMR-INDIAB) દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે 100 મિલિયનથી પણ વધારે ભારતીયો ડાયાબિટીસ સામે લડી રહ્યા છે. 

ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓએ આહારમાં ભારે પરેજી પાળવી પડે છે. રાગીમાં હાઈ ફાઈબર અને અન્ય ખનીજો હોવાના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે તે ડાયેટનો શ્રેષ્ઠ વિકલ્પ ગણાય છે. રાગી ‘ફિન્ગર મિલેટ’ તરીકે પણ પ્રખ્યાત છે અને તે ડાયાબિટીસને નિયંત્રીત કરવામાં મદદરૂપ બને છે. 

રાગીના ફાયદા 

– હાઈ ગ્લાયકેમિક ઈન્ડેક્સ ધરાવતા ખોરાકની સરખામણીએ રાગી બ્લડ સુગર લેવલમાં ધીમે ધીમે વધારો કરે છે માટે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બની રહે છે. 

– રાગી દ્રાવ્ય ફાઈબરથી સમૃદ્ધ હોય છે માટે તે ડાયાબિટીસના દર્દીમાં ગ્લુકોઝના શોષણને ધીમુ પાડે છે અને બ્લડ સુગરમાં અચાનક વધારો અટકાવે છે. 

– રાગીમાં ફાઈબર વધુ હોવાથી પેટ ભરેલું લાગે છે અને વજન નિયંત્રિત રાખવામાં મદદ મળે છે. ડાયાબિટીસના દર્દીઓમાં તંદુરસ્ત વજન બ્લડ સુગર લેવલ નિયંત્રિત રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. 

રાગીનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં પોટેશિયમનું પ્રમાણ વધી શકે છે અને કળતર, ઉબકા અને છાતીમાં દુઃખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રાગીનું પાચન ધીમેથી થતું હોવાથી તેના વધુ પડતા સેવનથી કબજિયાત પણ થઈ શકે છે. 

નાસ્તામાં રાગી

રાગીના લોટને પાણી કે દૂધ સાથે રાંધીને મધ કે ગોળ જેવા સ્વીટનર, સમારેલા ફળો, સુકામેવા ઉમેરીને પોરીજ બનાવી શકાય. 

ઈડલી કે ઢોસાનું ખીરૂ બનાવતી વખતે ચોખાના એક ભાગની જગ્યાએ રાગીનો લોટ ઉમેરી શકાય. 

રાગીના લોટને ઘઉંના લોટ કે ઓટ્સ સાથે છાશમાં પલાળીને પેનકેક બનાવી ફળો કે દહીં સાથે લઈ શકાય. 

જમવામાં રાગી

ઘઉંના લોટમાં રાગીનો લોટ ઉમેરીને મસાલા, સમારેલા શાકભાજી મિક્સ કરીને કણક બાંધો અને હેલ્ધી રાગી રોટી બનાવો. રાગી રોટીને કઢી કે દહીં સાથે લઈ શકાય. 

રાગીના લોટને શેકીને શાકભાજી, મસાલા અને પાણી સાથે રાંધીને રાગી ઉપમા બનાવી શકાય જે આરોગ્યપ્રદ અને પૂર્ણ ભોજન બની શકે. 

તે સિવાય રાગીના સ્પ્રાઉટ તૈયાર કરીને તેમાં સમારેલા શાકભાજી, હર્બ્સ અને મનગમતા ડ્રેસિંગ સાથે સલાડ પણ બનાવી શકાય. 

રાતના ભોજનમાં રાગી

રાગીના લોટને વેજીટેબલ બ્રોથ, સમારેલા શાકભાજી અને મસાલા સાથે પકાવીને મજેદાર સૂપ બનાવી શકાય. 

રાગીના લોટને ઘઉંના કે મેંદાના લોટ સાથે ઉમેરીને પાસ્તા પણ બનાવી શકાય. 

તે સિવાય રાગીને ચોખા, દાળ અને શાકભાજી સાથે રાંધીને પૌષ્ટિક રાગી ખીચડી પણ બનાવી શકાય.

જોકે ત્રણેય સમય રાગીનું સેવન શરીરને તકલીફ આપી શકે છે પરંતુ યોગ્ય માત્રામાં નિયમિત રાગીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે.