ઉબકા ઉલટીની સમસ્યાને કહો ગુડબાય: જાણો મોશન સિકનેસમાં રાહત મેળવવાના આયુર્વેદિક ઉપાયો 

ઘણાં લોકોમાં મુસાફરી દરમિયાન મોશન સિકનેસની સમસ્યા જોવા મળતી હોય છે. હકીકતે મોશન સિકનેસ એ કોઈ બીમારી નથી પરંતુ મુસાફરી દરમિયાન નાક, કાન, ત્વચા અને આંખો દ્વારા અલગ અલગ સિગ્નલો મળતા હોવાના કારણે નર્વસ સિસ્ટમ ગૂચંવાઈ જાય છે અને મગજ પરિસ્થિતિને સમજી નથી શકતું. આ કારણે ઉબકા ઉલટી, ગભરામણ, માથામાં દુઃખાવો સહિતની સમસ્યા જોવા મળે […]

Share:

ઘણાં લોકોમાં મુસાફરી દરમિયાન મોશન સિકનેસની સમસ્યા જોવા મળતી હોય છે. હકીકતે મોશન સિકનેસ એ કોઈ બીમારી નથી પરંતુ મુસાફરી દરમિયાન નાક, કાન, ત્વચા અને આંખો દ્વારા અલગ અલગ સિગ્નલો મળતા હોવાના કારણે નર્વસ સિસ્ટમ ગૂચંવાઈ જાય છે અને મગજ પરિસ્થિતિને સમજી નથી શકતું. આ કારણે ઉબકા ઉલટી, ગભરામણ, માથામાં દુઃખાવો સહિતની સમસ્યા જોવા મળે છે અને મુસાફરીનો આનંદ પીડામાં પરિણમે છે.

ઉબકા ઉલટીની સમસ્યાના કારણે ડિહાઈડ્રેશન થઈ શકે છે માટે આ સમયે હાઈડ્રેટ થવા અંગે ધ્યાન આપવું જોઈએ. કાર, ટ્રેન, હોડી, વિમાન કે ચકડોળમાં પણ મોશન સિકનેસ થઈ શકે છે. મોશન સિકનેસના લક્ષણોમાં ત્વચા નિસ્તેજ થવી, પરસેવો, ચક્કર આવવા, મોઢામાં ખૂબ લાળ બનવી, હાંફ ચઢવો, માથામાં દુઃખાવો, ઉંઘ આવવી, થાક લાગવો વગેરેનો સમાવેશ થાય છે. 

મોટા ભાગે બાળકો અને સગર્ભામાં મોશન સિકનેસની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. જોકે મોશન સિકનેસ એ ચેપી સમસ્યા નથી પરંતુ ઉબકા ઉલટીના કારણે ડિહાઈડ્રેશન થવાથી તે જીવલેણ પણ બની શકે છે. મોશન સિકનેસથી બચવા માટે તમે અહીં દર્શાવેલા કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. 

1. લવિંગ

લવિંગમાં રહેલા એન્ટીસેપ્ટિક ગુણધર્મો પાચનતંત્ર પર ખૂબ સકારાત્મક પ્રભાવ છોડે છે. આયુર્વેદમાં મુસાફરી દરમિયાન ઉબકા ઉલટીની સમસ્યા સામે લવિંગ ખૂબ કારગર હોવાનો ઉલ્લેખ છે. મોશન સિકનેસ દરમિયાન ત્વરિત રાહત મેળવવા લવિંગ ચાવવા જોઈએ. 

2. જીરૂ

પાચન સંબંધી સમસ્યાઓની સારવારમાં જીરૂ ખૂબ ઉપયોગી બની રહે છે. જીરામાં કાર્મિનેટિવ, એસ્ટ્રિજન્ટ અને સ્ટીમ્યુલન્ટ ગુણધર્મો રહેલા છે જે સારવારમાં મદદરૂપ બને છે. મોશન સિકનેસ દરમિયાન પાણીમાં જીરાનો પાવડર મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. 

3. ફુદીનો

ફુદીનો પેટના સ્નાયુઓને રાહત આપે છે. મોશન સિકનેસમાં રાહત મેળવવા માટે ફુદીનાના તાજા પાન ચાવવા જોઈએ. 

4. લીંબુનો રસ

લીંબુના રસમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મો હોવાની સાથે જ તે પેટ પણ સાફ કરે છે. મુસાફરી દરમિયાન પેટમાં ગરબડના કારણે ઉબકા ઉલટીનો અનુભવ થતો હોય તો લીંબુમાં રહેલું વિટામીન સી તેમાં રાહત આપે છે. મોશન સિકનેસના કારણે ઉબકા ઉલટી થતા હોય તો લીંબુ પાણી પીવું જોઈએ. 

તે સિવાય મુસાફરી પહેલા હંમેશા થોડો હળવો ખોરાક લેવો જોઈએ કારણ કે, ખાલી પેટે મુસાફરી કરવાથી ઉબકા ઉલટીની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત મોશન સિકનેસથી બચવા માટે હંમેશા પાછળની સીટ પર બેસવાનું ટાળો. બસ જેવા વાહનોમાં પાછળની સીટમાં વધુ સ્પીડ અનુભવાય છે જે મોશન સિકનેસનું કારણ બને છે. ઉપરાંત ખૂબ ભીડ હોય તેવા વાહનમાં પણ મોશન સિકનેસ અનુભવાઈ શકે છે. મુસાફરી દરમિયાન પુસ્તક વાંચવાથી પણ મોશન સિકનેસ વધી શકે છે માટે મનને શાંત રાખવા આંખોને આરામ આપો.