ખભા જકડાઈ જવાની સમસ્યા લાંબા સમયે બને છે રોગનું કારણ, રાખો આ વાતોનું ધ્યાન

તંગ અને જકડાઈ ગયેલા ખભાના કારણે ઘણી વખત ગરદન, પીઠના અને શરીરના ઉપરના હિસ્સામાં દુઃખાવો થાય છે અને તે અકડાઈ ગયા હોય તેમ લાગે છે. નિષ્ણાતોના મતે આ સમસ્યાના કારણે ખભા, ગરદન અને પીઠના ઉપરના હિસ્સાને અસર પહોંચે છે અને આપણને રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં પણ મુશ્કેલીનો અનુભવ થાય છે.  સામાન્ય રીતે તણાવ, ચિંતા, બેસવા કે […]

Share:

તંગ અને જકડાઈ ગયેલા ખભાના કારણે ઘણી વખત ગરદન, પીઠના અને શરીરના ઉપરના હિસ્સામાં દુઃખાવો થાય છે અને તે અકડાઈ ગયા હોય તેમ લાગે છે. નિષ્ણાતોના મતે આ સમસ્યાના કારણે ખભા, ગરદન અને પીઠના ઉપરના હિસ્સાને અસર પહોંચે છે અને આપણને રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં પણ મુશ્કેલીનો અનુભવ થાય છે. 

સામાન્ય રીતે તણાવ, ચિંતા, બેસવા કે ઉભા રહેવાની ખોટી મુદ્રા, આદતના લીધે કે વધુ પડતા કામના લીધે ખભા જકડાઈ ગયા હોય તેમ અનુભવાય છે. તે સિવાય ખોટી મુદ્રામાં ઉંઘવાથી, ઈજા વગેરે કારણોસર પણ ખભા જકડાઈ ગયા હોય તેમ અનુભવાય છે. 

ઘણી વખત તમે કોઈ તણાવગ્રસ્ત સ્થિતિનો સામનો કરી રહ્યા હોવ ત્યારે તમારા સ્નાયુઓ સંકોચાઈ જાય છે અને કેટલીક વખત આ ક્રિયા ખૂબ બળપૂર્વક થતી હોય છે. આ આપણાં શરીરનો સ્ટ્રેસ રિસ્પોન્સ હોય છે જે ફાઈટ ફોર ફ્લાઈટ તરીકે પણ ઓળખાય છે. 

વધુ પડતા પરિશ્રમના કારણે પણ ખભા જકડાઈ ગયા હોય તેમ લાગે છે અને સતત આ પ્રકારની સમસ્યા સંભવતઃ રોગને આમંત્રણ આપનારી બને છે. ખભા જકડાઈ જવાની સમસ્યા ઘટાડીને એકંદરે આરોગ્યમાં સુધારો લાવવા માટે સ્ટ્રેચિંગ અને યોગની મદદ લઈ શકાય અને તે સિવાય તબીબી માર્ગદર્શન પણ લેવું જોઈએ.
 

જકડાઈ ગયેલા ખભાને રાહત આપવા માટે ખભા ઉંચા કરવા, ખભાને ગોળગોળ ફેરવવા, ખભાને કાન સુધી લઈ જવા, ક્રોસ આર્મ સ્ટ્રેચ, ઉભા રહીને હાથના હલન ચલનની કસરતો, ગૌમુખાસન સહિતની ક્રિયાઓ કરી શકાય. નિયમિતપણે ખભાનું સ્ટ્રેચિંગ કરવાથી ખભાના સ્નાયુઓ હળવાશ અનુભવે છે અને મજબૂત બને છે. 

નિયમિતપણે ગળા અને ખભાના સ્ટ્રેચિંગ માટેની કસરત દ્વારા સ્નાયુઓના તણાવને દૂર કરી શકાય છે. તે સિવાય ઉભા થતી વખતે અને બેસતી વખતે તમારી પીઠ સીધી રાખવી પણ ખૂબ જરૂરી છે કારણ કે, તેનાથી ગરદન અને ખભા પરનો તણાવ ઘટે છે.

ખભા સતત જકડાઈ ન રહે તે માટે સતત સક્રિય રહો અને એવી પ્રવૃત્તિઓને ભાર આપો જેમાં તમારા ખભાનો ઉપયોગ થતો હોય. ઉપરાંત બેઠાડુ જીવનશૈલી ટાળીને બને તેટલા સક્રિય રહેવા પ્રયત્ન કરવો જોઈએ. હાથની કસરતો પણ છાતી અને ખભાના સ્નાયુને મજબૂત બનાવવાની સાથે હળવાશનો અનુભવ કરાવે છે.

જો તમારે સતત બેસી રહેવાનું થતું હોય તો વારંવાર તમારી સ્થિતિ બદલતા રહો અને દર 30 મિનિટે ટૂંકા વિરામ માટે ઉભા થવાનું રાખો. ખભાને યોગ્ય મુદ્રામાં જાળવવા અને ખભા જકડાઈ જવાની સમસ્યા દૂર કરવા માટે શરીરને યોગ્ય મુદ્રામાં રાખવાની આદત કેળવો.


જોકે ખભા જકડાઈ જવાની સમસ્યા જો વધુ તીવ્ર જણાય તો ફિઝિયોથેરાપિસ્ટની મુલાકાત લેવી ખૂબ જરૂરી બની જાય છે. તેઓ તમને યોગ્ય આહારની સાથે જરૂરી કસરતો પણ સૂચવી શકશે.