આ છે સ્વાદિષ્ટ, શાકાહારી અને હેલ્ધી બ્રેકફાસ્ટઃ આના સેવનથી થશે મોટા ફાયદા!

દિવસની શરૂઆત કરવા માટે પ્રોટીનથી ભરપૂર નાસ્તો એક ખૂબ જ આરોગ્યપ્રદ અને ઉપયોગી ડાયેટ છે. રમતવીરો માટે કે પછી વ્યાવસાયિકો માટે અથવા તો કોઈ પણ વ્યક્તિ માટે દિવસ દરમિયાન એનર્જી જાળવી રાખવા માટે પ્રોટીનથી ભરપૂર નાસ્તો ખૂબ જ ઉપયોગી બની રહે છે.  ઘણી વખત શાકાહારીઓ માટે ખોરાકમાં પ્રોટીનને સામેલ કરવું પડકારજનક બની રહેતું હોય છે. […]

Share:

દિવસની શરૂઆત કરવા માટે પ્રોટીનથી ભરપૂર નાસ્તો એક ખૂબ જ આરોગ્યપ્રદ અને ઉપયોગી ડાયેટ છે. રમતવીરો માટે કે પછી વ્યાવસાયિકો માટે અથવા તો કોઈ પણ વ્યક્તિ માટે દિવસ દરમિયાન એનર્જી જાળવી રાખવા માટે પ્રોટીનથી ભરપૂર નાસ્તો ખૂબ જ ઉપયોગી બની રહે છે. 

ઘણી વખત શાકાહારીઓ માટે ખોરાકમાં પ્રોટીનને સામેલ કરવું પડકારજનક બની રહેતું હોય છે. ઈંડા અને ચિકનને પ્રોટીનનો પરંપરાગત સ્ત્રોત માનવામાં આવે છે પરંતુ શાકાહારીઓ પણ સ્વાદિષ્ટ પ્રોટીનયુક્ત નાસ્તાઓની મદદથી શરીરની પ્રોટીનની જરૂરિયાતને પૂરી કરી શકે છે. 

ચણા મસાલા

ચણાથી બનતી આ વાનગી સ્વાદિષ્ટ હોવાની સાથે જ શરીર માટે પણ ખૂબ જરૂરી પોષણ પૂરૂ પાડનારી બની રહે છે. વહેલી સવારે નાસ્તામાં રોટલી કે પરાઠા સાથે ચણા બેસ્ટ ઓપ્શન બની રહેશે. સરળતાથી તૈયાર કરવા માટે બાફેલા ચણામાં ઝીણા સમારેલા શાકભાજી, લીંબુનો રસ અને ચાટ મસાલો નાખીને ચણા ચાટ પણ બનાવી શકાય.

પૌંઆ

ચોખામાંથી બનતા પૌંઆ એ પરંપરાગત ભારતીય વાનગી છે. પૌંઆમાં મગફળી નાખીને અને ઉપરથી પનીર સાથે ખાવાથી તે શરીર માટે પ્રોટીનનો ખૂબ જ બૂસ્ટર ડોઝ બની જશે. 

ચણાના લોટના પુડલા

ચણાના લોટમાં પાણી, અજમો, મીઠું, મરચું હીંગ નાખીને તથા તેમાં થોડા શાકભાજી ઉમેરીને ખૂબ જ ઝડપથી તેની પેનકેક્સ, પુડલા કે ચીલ્લા ઉતારીને આ નાસ્તો તૈયાર કરી શકાય છે. 

પનીર ભુરજી

પનીરના ઝીણા ટુકડાને ડુંગળી અને ટામેટા સાથે રાંધીને બનાવેલી પનીર ભુરજીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. પનીર ભુરજીને રોટલી કે પાવ સાથે આરોગીને તેનો વધુ સારી રીતે આનંદ માણી શકાશે. 

મગની દાળના ઢોસા

સામાન્ય રીતે ચોખા અને અડદની દાળના ખીરાને આથો લાવીને ઢોસા બનાવવામાં આવતા હોય છે. જોકે ઢોસાને મગની દાળ વડે તૈયાર કરીને તેને પ્રોટીનનો સ્ત્રોત બનાવી શકાય છે. મગની દાળને પલાળીને તૈયાર કરવામાં આવેલા ખીરા વડે ઢોસા ઉતારીને તેને નાળિયેરની ચટણી કે ટામેટાની ચટણી સાથે સર્વ કરી શકાય.

ઉપમા

સામાન્ય રીતે આપણે જે ઉપમા તૈયાર કરીએ છીએ તેમાં ભરપૂર માત્રામાં શેકેલી મગફળી, કાજુ અને ટોફુ ઉમેરીને તેને પ્રોટીન ડીશ બનાવી શકાય છે. 

સ્પ્રાઉટ સલાડ

શરીરને કુદરતી અને શાકાહારી રીતે જ પ્રોટીન આપવા માટેનો એક સરળ વિકલ્પ સ્પ્રાઉટ સલાડ છે. મગ, ચણા કે પછી તમને ગમતા કોઈ પણ કઠોળને પાણીમાં પલાળીને બીજા દિવસે કોટનના કપડામાં બાંધી લો અને તેમાંથી ફણગા ફુટે એટલે તમારા સ્પ્રાઉ્ટસ તૈયાર થઈ જશે. હવે સ્પ્રાઉટ્સમાં ઝીણા સમારેલા ડુંગળી, ટામેટા, ગાજર સહિતના શાકભાજી, લીંબુનો રસ અને સ્વાદ માટે ચાટ મસાલો ઉમેરીને સ્પ્રાઉટ સલાડનો આનંદ માણો.

જે લોકોને દિવસની શરૂઆત ગળી વસ્તુથી કરવી પસંદ હોય તેમના માટે પીનટ બટર સાથે ચીયા પુડિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ચીયા સીડ્સમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. જ્યારે પીનટ બટર તેના સ્વાદમાં વધારો કરશે.