સ્ટ્રોકનું જોખમ ટાળવા માટે અહીં દર્શાવેલા યોગ અભ્યાસ અપનાવો, થશે મોટો ફાયદો

આપણાં મગજને પૂરતા પ્રમાણમાં લોહી ન પહોંચે અથવા તો માથામાં અંદરની બાજુએ લોહી વહેવાના કારણે સ્ટ્રોક આવતો હોય છે. જે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો હોય તેની સારવાર માટે અને સ્ટ્રોક ન આવે તે માટેની તકેદારીના ભાગરૂપે યોગ સહિતની પ્રેક્ટિસ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જે વ્યક્તિને ભૂતકાળમાં સ્ટ્રોક આવી ચુક્યો હોય અથવા તો સ્ટ્રોકના લક્ષણો અનુભવાતા […]

Share:

આપણાં મગજને પૂરતા પ્રમાણમાં લોહી ન પહોંચે અથવા તો માથામાં અંદરની બાજુએ લોહી વહેવાના કારણે સ્ટ્રોક આવતો હોય છે. જે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો હોય તેની સારવાર માટે અને સ્ટ્રોક ન આવે તે માટેની તકેદારીના ભાગરૂપે યોગ સહિતની પ્રેક્ટિસ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જે વ્યક્તિને ભૂતકાળમાં સ્ટ્રોક આવી ચુક્યો હોય અથવા તો સ્ટ્રોકના લક્ષણો અનુભવાતા હોય તેમના માટે તાઈ ચી, યોગ અને ધ્યાન સહિતની માઈન્ડફુલનેસ આધારીત કસરતો ખૂબ ઉપયોગી બની રહે છે. આ પ્રકારની કસરતોથી કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર અને બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડી શકાય છે અને સ્ટ્રોકના જોખમને દૂર ભગાડી શકાય છે.
 
સ્ટ્રોકના દર્દીઓએ પોટેશિયમથી ભરપૂર આહાર જેમ કે, શક્કરિયા, બટેકા, કેળા ટમેટા, પ્રુન્સ, ટેટી અને સોયાબીન વગેરેને ડાયેટમાં સામેલ કરવા જોઈએ. તેનાથી શરીરનું બ્લડ પ્રેશર નિંયત્રણમાં રહે છે જે સ્ટ્રોક આવવા પાછળનું મુખ્ય જોખમી પરિબળ છે. જ્યારે પાલક સહિતના મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક પણ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. 

સ્ટ્રોક આવી ચુક્યો હોય તેવી વ્યક્તિ માટે અને ભવિષ્યમાં સ્ટ્રોકના જોખમને ટાળવા માટે અહીં દર્શાવેલા યોગનો અભ્યાસ ઉપયોગી સાબિત થશે. 

1. વજ્રાસન

સૌથી પહેલા બંને હાથને બાજુમાં સીધા રાખીને ઉભા રહો. ધીમે ધીમે તમારા ઘૂંટણને સાદડી પર ઝુકાવીને આગળની બાજુએ નીચા નમો. તમારા પેલ્વિસને તમારી એડી પર રાખીને પગના અંગૂઠાઓને બહારની બાજુએ જવા દો. તમારી બંને એડીને એકબીજની નજીક રાખો. તમારી હથેળીઓને એક એક ઘૂંટણ પર રાખીને પીઠ સીધી રાખીને બેસો. 

2. સુખાસન

કરોડરજ્જુને ટટ્ટાર રાખી દંડાસનમાં બેસો અને તમારી હથેળીઓને બંને ઘૂંટણ પર રાખો. હવે તમારા ડાબા પગને વાળીને જમણી જાંઘ નીચે લઈ જાઓ અને જમણા પગને ડાબા પગની નીચે ટક કરો. 

3. દંડાસન

સીધા નીચે બેસીને તમારા બંને પગને સામેની બાજુ લંબાવો. હવે તમારા પગને એકબીજાની નજીક લાવો અને બંને એડી એકબીજાની બાજુ પર રાખો. આ દરમિયાન તમારી પીઠ સીધી રાખો.


તમારા પેલ્વિક, જાંઘ અને કાફના ભાગના સ્નાયુઓને મજબૂત રાખો. 


હવે તમારી કરોડરજ્જુને ટેકો આપવા માટે તમારી બંને હથેળીને હિપ્સની બંને બાજુ જમીન પર ગોઠવો અને ખભાને પણ આરામ આપો. 

4. અધોમુખ શ્વાનાસન

પેટના બળે સૂઈ જાઓ અને હવે શ્વાસ લેતા લેતા પગ અને હાથ વડે શરીરને ઉંચકીને ટેબલ જેવો આકાર બનાવો. શ્વાસ બહાર કાઢીને ધીમે ધીમે હિપ્સ ઉપર તરફ ઉઠાવો. કોણી અને ઘૂંટણને સખત રાખીને શરીર A અથવા ઉંધા V આકારનું કરો. ખભા અને હાથને સીધી રેખામાં રાખો. પગને હિપ્સને સમાંતર રાખો. હવે હાથને નીચે જમીન તરફ દબાવી ગરદનને લાંબી ખેંચવા પ્રયત્ન કરો. તમારા કાન હાથના અંદરના ભાગને સ્પર્શ કરશે અને નજર નાભિ પર કેન્દ્રિત રાખવા પ્રયત્ન કરો.


આ સિવાય સ્ટ્રોકના દર્દીઓ માટે વૃક્ષાસન પણ ખૂબ સરળ પણ ઉપયોગી યોગ અભ્યાસ બની રહે છે.