જન્માષ્ટમીના અવસરે ઘરે જ દૂધની આ 3 મીઠાઈ બનાવીને બાળ ગોપાલને ભોગ ધરાવો

બાળગોપાલની લીલા સાથે દૂધ, માખણ પણ જોડાયેલા જ છે માટે દૂધની મીઠાઈ બનાવીને જન્માષ્ટમી પર તમે શ્રીકૃષ્ણને પ્રિય ભોગ તૈયાર કરી શકો છો. મખાના ખીરઃ દૂધ પેંડાઃ માલપુઆઃ  ઉપર જણાવેલા સ્ટેપ્સનો ઉપયોગ કરીને તમે ઘરે જ મીઠાઈ બનાવી કાન્હાને ભોગ ધરાવી શકો છો. તમારા સ્વાદ અને પસંદ પ્રમાણે તમે ફેરફાર કરી શકો છો.

Share:

બાળગોપાલની લીલા સાથે દૂધ, માખણ પણ જોડાયેલા જ છે માટે દૂધની મીઠાઈ બનાવીને જન્માષ્ટમી પર તમે શ્રીકૃષ્ણને પ્રિય ભોગ તૈયાર કરી શકો છો.

મખાના ખીરઃ

  • એક પેનમાં એક ટીસ્પૂન ઘી ગરમ કરો અને તેમાં 1-1 ટેબલ સ્પૂન કાજુ-બદામની કતરણ ઉમેરી તેને શેકો. કાજુ-બદામ હળવા સોનેરી રંગના થવા લાગે એટલે તેમાં 1 ટેબલ સ્પૂન કિસમિસ ઉમેરો અને કિસમિસ ફુલાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. 
  • હવે એક ટીસ્પૂન ઘીમાં 2 કપ મખાનાને 2-3 મિનિટ માટે શેકો અને ઠંડા પડે એટલે તેમાંથી 1.5 કપ મખાનાને મિક્સરમાં પીસીને પાવડર બનાવી દો. (તમે 1 કપ કે તેથી ઓછા મખાનાનો પણ પાવડર બનાવી શકો છો)
  • 1 લીટર ઉકાળેલા દૂધને બાકીના અડધા કપ મખાના સાથે 5 મિનિટ માટે ફરી ઉકાળો અને તેમાં ધીમે-ધીમે મખાનાનો પાવડર ઉમેરો. આ મિશ્રણને તમને યોગ્ય લાગે એટલું ઘટ્ટ થવા દો અને પછી તેમાં શેકેલા કાજુ, બદામ, કિસમિસ ઉમેરો અને વધુ 2-3 મિનિટ માટે ગરમ થવા દો. 
  • છેલ્લે દૂધ અને મખાનાના મિશ્રણમાં 1/4 કપ ખાંડ અને 1/2 ટીસ્પૂન ઈલાયચી પાવડર ઉમેરીને 2-3 મિનિટ માટે ગરમ કરો અને થોડા વધુ કાજુ-બદામ વડે સુશોભિત કરીને ગરમ કે ઠંડુ ધરાવો. 

દૂધ પેંડાઃ

  • જાડા તળિયાવાળા સોસપેનમાં 2 લીટર ફુલ ક્રીમવાળા દૂધને ઉંચા તાપમાને ગરમ કરો. દૂધનું પ્રમાણ અડધું થઈ જાય અને તે કણીદાર બની જાય ત્યાં સુધી હલાવતા રહીને ચોંટે નહીં તે રીતે ગરમ કરો. 
  • વાસણની બાજુમાં દૂધની મલાઈ ચોંટે તેને ઉખાડીને દૂધમાં ઉમેરતા રહેવું. દૂધ કણીદાર માવા જેવું બનવા લાગે એટલે તેમાં એક કપ ખાંડ અને એક ટીસ્પૂન ઈલાયચી પાવડર ઉમેરી ધીમા તાપે 5-8 મિનિટ માટે હલાવતા રહીને ઘટ્ટ બને ત્યાં સુધી ગરમ કરો. 
  • બાદમાં ગેસ બંધ કરી અન્ય વાસણમાં ઠારી લો અને પછી ઘીવાળા હાથ કરીને મનગમતા આકારના પેંડા વાળી લો. 

માલપુઆઃ 

  • એક વાસણમાં 1 કપ મેંદો લઈને તેમાં ગાંઠ ન વળે તેમ ધીમે-ધીમે 1.5 કપ દૂધ ઉમેરો. તેમાં એક ટીસ્પૂન ઈલાયચી પાવડર, 1 ટેબલ સ્પૂન કિસમિસ અને એક ટેબલ સ્પૂન સૂકા નાળિયેરનું છીણ ઉમેરી અડધા કલાક માટે બાજુ પર રાખી દો. (1/2 ટીસ્પૂન વરિયાળીનો ભૂકો અને 1 ટેબલ સ્પૂન કાજુનો ભૂકો પણ ઉમેરી શકાય)
  • અન્ય એક વાસણમાં 3 કપ પાણી અને 2 કપ ખાંડની ચાસણી બનાવવાનું શરૂ કરો. 
  • ચાસણી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં 4 ઈલાયચીનો ભૂકો ઉમેરો અને સ્વાદ-રંગ માટે કેસર પણ ઉમેરી શકાય. 
  • માલપુઆનું ખીરૂ તૈયાર થઈ જાય એટલે ગરમાગરમ તેલમાં એક ચમચો ખીરૂ રેડીને તેને બંને બાજુ સોનેરી રંગ આવે ત્યાં સુધી તળો. 
  • માલપુઆ વચ્ચેથી ગોલ્ડન બ્રાઉન અને છેડેથી હળવા બદામી રંગના દેખાય એટલે તૈયાર સમજો. ત્યાર બાદ તેને ગરમાગરમ જ ચાસણીમાં ડૂબાડીને ભોગ તૈયાર કરો. 

ઉપર જણાવેલા સ્ટેપ્સનો ઉપયોગ કરીને તમે ઘરે જ મીઠાઈ બનાવી કાન્હાને ભોગ ધરાવી શકો છો. તમારા સ્વાદ અને પસંદ પ્રમાણે તમે ફેરફાર કરી શકો છો.