હાડકાનું સ્વાસ્થ્ય જાળવવા માટે વિટામીન ડી અને કેલ્શિયમ છે ખૂબ અગત્યના: જાણો તેનું મહત્વ!

હાડકાની તંદુરસ્તી એ એકંદર સુખાકારી માટેનું એક મહત્વનું પાસું છે અને તેને જાળવવા માટે વિટામીન ડી અને કેલ્શિયમ આ બંને પોષક તત્વો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. વિટામીન ડીને સનશાઈન વિટામીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હાડકા માટે ખોરાકમાંથી કેલ્શિયમના શોષણને સરળ બનાવે છે.  શરીરને વિટામીન ડી પૂરતા પ્રમાણમાં ન મળે તો કેલ્શિયમ […]

Share:

હાડકાની તંદુરસ્તી એ એકંદર સુખાકારી માટેનું એક મહત્વનું પાસું છે અને તેને જાળવવા માટે વિટામીન ડી અને કેલ્શિયમ આ બંને પોષક તત્વો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. વિટામીન ડીને સનશાઈન વિટામીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે હાડકા માટે ખોરાકમાંથી કેલ્શિયમના શોષણને સરળ બનાવે છે.
 

શરીરને વિટામીન ડી પૂરતા પ્રમાણમાં ન મળે તો કેલ્શિયમ અસરકારક રીતે હાડકામાં નથી પ્રવેશી શકતું જેથી હાડકાનું માળખું નબળુ પડે છે અને ફ્રેક્ચરનું જોખમ વધે છે. કેલ્શિયમ ના બિલ્ડિંગ બ્લોક તરીકે કામ કરે છે અને તેને મજબૂતાઈ અને ડેન્સિટી આપે છે. આમ વિટામીન ડી અને કેલ્શિયમ સાથે મળીને હાડકાને સુરક્ષા આપે છે અને તેનું સ્વાસ્થ્ય જાળવે છે. હાડકા અને સાંધાના સ્વાસ્થ્ય માટે વિટામીન ડી અને કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. 

હાડકા માટે કેલ્શિયમની ઉપયોગિતા

હાડકાની મજબૂતાઈ, દાંતના નિર્માણ અને તેની જાળવણીમાં કેલ્શિયમ ખૂબ ઉપયોગી ખનીજ છે. શરીરનું મોટા ભાગનું કેલ્શિયમ હાડકામાં સંગ્રહિત થાય છે અને તે શક્તિ અને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. હાડકાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આજીવન પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું સેવન કરવું જરૂરી છે. ખાસ કરીને બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન પૂરતા કેલ્શિયમનું સેવન ખૂબ જરૂરી છે. 

હાડકા માટે વિટામીન ડીની ઉપયોગિતા

શરીરમાં કેલ્શિયમના યોગ્ય શોષણ અને તેના યોગ્ય ઉપયોગ માટે વિટામીન ડી ખૂબ જ ઉપયોગી છે. તે આંતરડામાંથી લોહીના પ્રવાહમાં કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે. પૂરતા પ્રમાણમાં વિટામિન ડી વગર શરીર આહારમાંથી કેલ્શિયમને અસરકારક રીતે શોષી શકતું નથી જેથી હાડકાના ખનિજીકરણ માટે કેલ્શિયમની ઉપલબ્ધતામાં ઘટાડો થાય છે.

વિટામિન ડી લોહીમાં કેલ્શિયમના સ્તરને નિયંત્રિત કરવામાં, હાડકામાં સંગ્રહિત કેલ્શિયમ અને શરીરમાં ફરતા કેલ્શિયમ વચ્ચે સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કેલ્શિયમ ચયાપચયમાં ભૂમિકા ઉપરાંત વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ, કોષની વૃદ્ધિ વગેરે માટે પણ મહત્વપૂર્ણ છે.

વિટામીન ડીની દૈનિક જરૂરિયાત

સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ સહિત 1 થી 70 વર્ષની વયની વ્યક્તિઓ માટે દરરોજ 600 આંતરરાષ્ટ્રીય એકમો (IU) જ્યારે 71 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકો માટે દરરોજ 800 IU વિટામીન ડીની જરૂર પડે છે.

જો કે સૂર્યના સંપર્કમાં ખૂબ મર્યાદિત આવતી હોય તેવી અથવા અમુક તબીબી પરિસ્થિતિઓ ધરાવતી વ્યક્તિઓને વધુ ડોઝની જરૂર પડી શકે છે.

કેલ્શિયમની દૈનિક જરૂરિયાત

કેલ્શિયમ હાડકા માટે ફાયદાકારક છે અને ઑસ્ટિયોપોરોસિસને અટકાવે છે. જો કે, કેલ્શિયમ માત્ર ત્યારે જ હાડકાના નિર્માણમાં સંપૂર્ણ ફાળો આપી શકે છે જો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી પ્રાપ્ત થતું હોય.

સગર્ભા અને સ્તનપાન કરાવતી મહિલાઓ સહિત 19 થી 50 વર્ષની વયના પુખ્ત લોકો માટે દરરોજ 1,000 મિલિગ્રામ, 51 વર્ષ અને તેથી વધુ વયની પુખ્ત સ્ત્રીઓ માટે દરરોજ 1,200 મિલિગ્રામ, 51 થી 70 વર્ષની વયના પુખ્ત પુરુષો માટે દરરોજ 1,000 મિલિગ્રામ અને 71 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત પુરુષો માટે દરરોજ 1,200 મિલિગ્રામ કેલ્શિયમ જરૂરી છે.