2050 સુધીમાં સ્ટ્રોકના કારણે 1 કરોડ લોકોના મૃત્યુની શક્યતા, આ રીતે સ્ટ્રોકનું જોખમ ઘટાડો

વર્તમાન સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રોકના કેસની સંખ્યામાં ભારે મોટો વધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન અને લેન્સેટ ન્યુરોલોજી કમિશનના અભ્યાસ પ્રમાણે 2050 સુધીમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMICs)માં સ્ટ્રોકથી થતા મૃત્યુ 86 ટકાથી વધીને 91 ટકા થઈ શકે છે. વર્ષ 2020માં સ્ટ્રોકનો મૃતકઆંક 6.6 મિલિયન નોંધાયો હતો જે 2050 સુધીમાં વધીને […]

Share:

વર્તમાન સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રોકના કેસની સંખ્યામાં ભારે મોટો વધારો જોવા મળી રહ્યો છે. વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન અને લેન્સેટ ન્યુરોલોજી કમિશનના અભ્યાસ પ્રમાણે 2050 સુધીમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો (LMICs)માં સ્ટ્રોકથી થતા મૃત્યુ 86 ટકાથી વધીને 91 ટકા થઈ શકે છે.

વર્ષ 2020માં સ્ટ્રોકનો મૃતકઆંક 6.6 મિલિયન નોંધાયો હતો જે 2050 સુધીમાં વધીને 9.7 મિલિયન થશે તેવી ધારણા છે. જ્યારે મગજને પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો ન મળે અથવા તેમાં વિક્ષેપ આવે અને મગજની પેશીઓને પૂરતું લોહી અને ઓક્સિજન ન મળે એટલે સ્ટ્રોક આવે છે. 

સ્ટ્રોકનાં લક્ષણો

ચાલવા, બોલવામાં કે સમજવામાં તકલીફ પડવી, ચહેરા પર લકવાની અસર કે ચહેરો સુન્ન થઈ જવો, હાથ અને પગ સુન્ન થઈ જવા તે સ્ટ્રોકના લક્ષણો છે. જો પ્રાથમિક તબક્કામાં જ સ્ટ્રોકની જાણ થઈ જાય તો તેને આગળ વધતો અટકાવી શકાય છે અને તેની સારવાર શક્ય છે. આ માટે જીવનશૈલીમાં અમુક પગલાં અપનાવવાની જરૂર રહે છે. 

સ્ટ્રોકના મુખ્ય કારણોઃ

1. હાઈ બ્લડ પ્રેશરના કારણે મગજમાં લોહી ગંઠાઈ જાય અથવા તો હેમરેજ થઈ જાય તે સ્ટ્રોકનું મુખ્ય કારણ છે. બ્લડ પ્રેશરના કારણે મગજ અને હૃદયની નળીઓને અસર પહોંચે છે અને સ્ટ્રોક આવી શકે છે. 

2. હૃદયના ધબકારાની અનિયમિતતા હૃદયમાં ક્લોટિંગનું કારણ બને છે જે મગજ સુધી પહોંચે છે અને રક્તવાહિનીઓમાં અવરોધથી સ્ટ્રોક આવી શકે છે. 

3. શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ પણ સ્ટ્રોકના મુખ્ય કારણો પૈકીનું એક છે. સ્થૂળતા અને હાઈ બોડી માસ ઈન્ડેક્સથી સ્ટ્રોકના જોખમને ઘટાડવા સપ્તાહના 4-5 દિવસ ઓછામાં ઓછી 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ સાથે નિયમિત વ્યાયામ કરવો જોઈએ. 

4. જો ડાયાબિટીસને નિયંત્રણમાં ન રાખવામાં આવે તો બ્રેઈન સ્ટ્રોક અને તેનાથી સંબંધીત સમસ્યાનું જોખમ વધે છે. 

5. ધુમ્રપાન અને પ્રદૂષણના કારણે પણ સ્ટ્રોકનું જોખમ વધે છે. 

સ્ટ્રોકના જોખમને ઘટાડવા જીવનશૈલીમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. આ માટે સૌથી પહેલા તો લીલા શાકભાજી અને ફળોથી ભરપૂર ડાયેટને અપનાવવું જોઈએ. 

તે સિવાય ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું જોઈએ જે બ્લડ પ્રેશર ઘટાડવામાં અને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બને છે.  ફાસ્ટ ફૂડ, નમકીન, અથાણામાં ખૂબ વધુ માત્રામાં મીઠું હોય છે. ઉપરાંત બેઠાડુ જીવન અને વજનને સ્ટ્રોક સાથે સંબંધ હોવાથી વજન ઘટાડવા પ્રયત્નો કરવા જોઈએ. 

ધુમ્રપાન, આલ્કોહોલની આદતનો ત્યાગ કરીને અને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત રાખીને પણ સ્ટ્રોકનું જોખમ ઘટાડવામાં મદદ મળી રહે છે.