વિશ્વ બાયપોલર દિવસ 2023ઃ આ વખતે ખાસ થીમ પર ઉજવણી થશે

વિશ્વ બાયપોલર દિવસ 2023: વિશ્વ બાયપોલર દિવસ દર વર્ષે 30 માર્ચે ઉજવાય છે. ઇન્ટરનેશનલ બાયપોલર ફાઉન્ડેશન (IBPF) મુજબ, વિશ્વ બાયપોલર દિવસનો ધ્યેય બાયપોલર જેવી પરિસ્થિતિમાં વૈશ્વિક જાગૃતિ લાવવાનો અને રોગની આસપાસના સામાજિક કલંકને દૂર કરવાનો છે. પ્રખ્યાત ચિત્રકારના જન્મ દિવસ પર ઉજવણી વિશ્વ બાયપોલર દિવસ પ્રખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોફના જન્મદિવસના પર ઉજવાય છે. […]

Share:

વિશ્વ બાયપોલર દિવસ 2023: વિશ્વ બાયપોલર દિવસ દર વર્ષે 30 માર્ચે ઉજવાય છે. ઇન્ટરનેશનલ બાયપોલર ફાઉન્ડેશન (IBPF) મુજબ, વિશ્વ બાયપોલર દિવસનો ધ્યેય બાયપોલર જેવી પરિસ્થિતિમાં વૈશ્વિક જાગૃતિ લાવવાનો અને રોગની આસપાસના સામાજિક કલંકને દૂર કરવાનો છે.

પ્રખ્યાત ચિત્રકારના જન્મ દિવસ પર ઉજવણી

વિશ્વ બાયપોલર દિવસ પ્રખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોફના જન્મદિવસના પર ઉજવાય છે. કારણ કે  વિન્સેન્ટ પોતે બાયપોલર ડિસઓર્ડર સામે લડી રહ્યાં હતા. વિન્સેન્ટની બીમારીનું નિદાન ત્યારે જ થયું જ્યારે તેમનું દુઃખદ જીવન લોકોની સામે આવી. સાથી કલાકાર પૉલ ગાઉગિન સાથે થયેલા વિવાદ બાદ કલાકારે પોતાનો કાન કાપી નાખ્યો હતો, જે બાદ તેઓ ‘મહાન પ્રતાડિત આર્ટિસ્ટ’ તરીકે ઓળખાવા લાગ્યાં.

આ વખતે ખાસ થીમ પર ઉજવણી થશે

વિશ્વ બાયપોલર દિવસ માટેની થીમ દર વર્ષે બદલાતી રહે છે, જેમાં ડિસઓર્ડરના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. ચાલુ વર્ષે બાયપોલર ડે 2023ની થીમ “બાઇપોલર ટુગેધર.” ગંભીર સ્થિતિ સાથે જીવતા લોકોને તેમના જેવા અન્ય લોકો સાથે જોડાવાની એક પહેલ કરાશે અને તેમના જીવનને સુધારવા માટે સંસાધનો અને સારવાર વિકલ્પોની સુવિધા ઉપલબ્ધ કરાશે.

બાયપોલર ડિસઓર્ડર શું છે?

આ બિમારીને સાદા શબ્દોમાં સમજાવતા તબીબો કહે છે, ‘બાયપોલર ડિસઓર્ડર એ મગજનો વિકાર છે, જે વ્યક્તિના મૂડ, ઊર્જા અને કાર્ય કરવાની ક્ષમતામાં ફેરફારનું કારણ બને છે. બાયપોલર ડિસઓર્ડર ધરાવતા દર્દીઓ તીવ્ર ભાવનાત્મક અનુભવોમાંથી પસાર થાય છે. જે મૂડ એપિસોડ તરીકે પણ ઓળખાય છે. જે ૨-૩ દિવસોથી લઇ અઠવાડિયાના અંતરાલમાં થઈ શકે છે.

બાયપોલર સામે લડતી વ્યક્તિ કેવી હોય છે?

બાયપોલરથી પીડિત વ્યક્તિમાં મૂડ સ્વિંગ વધારે જોવા મળે છે. જેના બે તબક્કા છે, એક બાયપોલર મેનિયા અને બીજો ડિપ્રેસિવ તબક્કો. મેનિયા તબક્કામાં વ્યક્તિ વધુ સક્રિય બનતો જાય છે. આવા વ્યક્તિ વધારે ઊંઘતા નથી. માત્ર એક કે બે કલાકની ઊંધ લીધા પછી પણ તાજગી અનુભવે છે. બેચેની જોવા મળે છે, આવા વ્યક્તિઓ શાંતિથી બેસી શકતા નથી. એવી પરિસ્થિતિ પણ આવે છે, જ્યાં વ્યક્તિ વારંવાર ચિડાઈ જાય છે અને નાની-નાની બાબતોમાં ખૂબ જ ગુસ્સે થઈ જાય છે.

બીજો તબક્કો ડિપ્રેસિવ તબક્કો છે, જ્યાં વ્યક્તિ અત્યંત ઉદાસી અનુભવે છે. જેમાં વ્યક્તિને કશુ પણ કરવાનું મન થતું નથી. વ્યક્તિ કોઈપણ કામ કરવામાં રસ દાખવતો નથી, પથારીમાંથી ઉઠવાનુ મન થતું નથી. વ્યક્તિ જરૂરિયાત કરતાં વધુ ઊંઘે છે અને રોજિંદા કાર્યો જેમકે સ્નાન, સ્વચ્છતા જાળવવી એ આવી નાની-નાની બાબતોને નજરઅંદાજ કરે છે.