દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ: 6.1ની તીવ્રતા, લાંબા સમય સુધી ધ્રૂજી ધરતી, કેન્દ્ર બિંદુ અફધાનિસ્તાન

દિલ્હી-એનસીઆર ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં તેમજ પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતા.

Share:

હાઈલાઇટ્સ

  • દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા
  • 6.1ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન નજીક હતું

Delhi Earthquake: દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે લાંબા સમય સુધી ધરતી ધ્રૂજતી રહી, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી, જેનું કેન્દ્ર ફૈઝાબાદ, અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે.

લોકો દોડીને બહાર આવી ગયા
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે દિલ્હી NCRમાં ભૂકંપના કારણે ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. લોકોએ લાંબા સમય સુધી ભૂકંપનો જોરદાર આંચકો અનુભવ્યો હતો. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા અને ખુલ્લી જગ્યાઓ પર ગયા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી.

6.1ની તીવ્રતાનો ભૂકંપ

ભૂકંપનું મુખ્ય કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું. હિંદુકુશ ક્ષેત્રમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. દિલ્હી એનસીઆર ઉપરાંત જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં પણ ભૂકંપના આ તીવ્ર આંચકા અનુભવાયા છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ બપોરે 2.50 કલાકે આવ્યો હતો. ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સિવાય પાકિસ્તાનના જિયો ન્યૂઝ અનુસાર લાહોર, ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

એક દિવસ પહેલા આંદામાનમાં આવ્યો હતો ભૂકંપ
આ પહેલા 10 જાન્યુઆરીએ કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 7.53 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.