મોટા ગોટાળાનો પર્દાફાશઃ લઘુમતી શિષ્યવૃત્તિ યોજના હેઠળની 830 સંસ્થાઓ નકલી મળી

આ એક મોટો ગોટાળો હતો. લઘુમતી બાબતોના મંત્રાલયે કહ્યું કે, અમે કડકાઈથી આ ચકાસણી હાથ ધરી છે. 

Share:

હાઈલાઇટ્સ

  • શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો જ નહતો
  • સરકારી બાબુઓની સંડોવણી વગર, આવો મોટો ગોટાળો શક્ય નથી

કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતા લઘુમતી શિષ્યવૃત્તિ કાર્યક્રમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 21 રાજ્યોમાંથી લઘુમતી શિષ્યવૃત્તિ કાર્યક્રમ હેઠળ 1572 સંસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી, આ ચકાસણીમાં ખુલાસો થયો છે કે, 830 જેટલી સંસ્થાઓ તો અસ્તિત્વમાં જ નથી. એટલે કે, આ એક મોટો ગોટાળો હતો. લઘુમતી બાબતોના મંત્રાલયે કહ્યું કે, અમે કડકાઈથી આ ચકાસણી હાથ ધરી છે. 

આંબેડકર નગરના બહુજન સમાજ પાર્ટીના સાંસદ રિતેશ પાંડેના પ્રશ્નના જવાબમાં જેણે શિષ્યવૃત્તિ યોજના હેઠળ નકલી સંસ્થાઓની સંખ્યા અંગેની તપાસ વિશે જાણકારી માંગી હતી. લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ મામલે જવાબ આપતા, જણાવ્યું હતું કે મંત્રાલય, મીડિયા અહેવાલોને ધ્યાનમાં લઈને અને ઓલ ઈન્ડિયા પર્ફોર્મન્સ ઓડિટ રિપોર્ટ, યોજનાઓ હેઠળ સંસ્થાઓ અને અરજદારો વિશે જાણવા માટે તૃતીય પક્ષને નિયુક્ત કરે છે. આ સિવાય સ્મૃતિ ઈરાનીએ સંસદમાં સમગ્ર મામલે જવાબ પણ આપ્યો હતો. 

તપાસમાં સામે આવ્યું છે કે, શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચતો જ નહતો. સરકાર દ્વારા આ મામલે કડક તપાસ કરવામાં આવતા 1872 સંસ્થાઓમાંથી 830 સંસ્થાઓ બિન-કાર્યકારી અથવા નકલી મળી આવી છે. એટલે કે અહીંયા સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે ફાળવવામાં આવતા પૈસાનો દુરૂપયોગ થતો હતો. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, મંત્રાલયે આ કેસની તપાસ CBI ને સોંપી હતી અને CBI એ 28 ઓગસ્ટે FIR દાખલ કરી હતી. 

કોઈપણ સંસ્થાઓને સરકારી યોજનાઓની કોઈપણ જવાબદારી આપવા માટેની આખી એક સરકારી પ્રોસેસ હોય છે. જે-તે રાજ્યના અધિકારીઓ દ્વારા સંસ્થાની ચકાસણી કરીને તેને માન્યતા આપવામાં આવતી હોય છે. એટલે એકવાત તો નક્કી છે કે, આટલી બધી સંસ્થાઓ જ્યારે નકલી નિકળે ત્યારે આની પાછળ કોઈને કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી તો હોઈ જ શકે. કારણ કે, સરકારી અધિકારીઓની સંડોવણી વગર આ પ્રકારના ફ્રોડ કરવા અને આખી સંસ્થાઓ જ નકલી ઉભી કરી દેવી, એ શક્ય નથી.