Ahmedabad Fraud: અમદાવાદમાં એક બેંકના 84 ગ્રાહકો ક્રેડિટ કાર્ડના નામે લાખોના ખાડામાં ઉતર્યા

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં એક બેંકના 84 જેટલાં ખાતાધારકોને લાખો રુપિયાનો ચૂનો લાગ્યો છે. આ તમામ ધારકો ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવવાના નામે લૂંટાયા હતા. ત્યારે હવે આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.

Share:

હાઈલાઇટ્સ

  • એક બેંકના 84 ખતાધારકો સાથે સાઈબર ફ્રોડ થઈ ગયો.
  • ક્રેડિટ કાર્ડના નામે ગઠીયાએ લાખો રુપિયા પડાવી લીધા હતા.
  • 84 ગ્રાહકોના રુપિયા 31 લાખ રુપિયા ભેજાબાજ ચાંઉ કરી ગયો.

અમદાવાદઃ શહેરમાં વધુ એક છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક બેંકના ખાતાધારકો સાથે આ છેતરપિંડી થઈ છે. સાઈબર ભેજાબાજોએ બેંકનું ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવવાની લાલચ આપીને તમામ ગ્રાહકોને બાટલીમાં ઉતાર્યા હતા. બાદમાં ઓટીપી મેળવી લઈને 31.25 લાખની છેતરપિંડી આચરી હતી. જ્યારે આ મામલાની જાણ બેંકના ગ્રાહકોને થઈ તો તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં તેઓએ આ મામલે બેંકનો સંપર્ક કર્યો હતો. આખરે આ મામલે ગ્રાહકોએ અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ રીતે બાટલીમાં ઉતાર્યા
વાસણામાં રહેતા અને પ્રહલાદનગરની આ બેંકમાં બ્રાંચ ઓપરેશનલ મેનેજર તરીકે ફરજ બજાવતા અધિકારી પાસે એક બેંકનો ગ્રાહક આવ્યો હતો. આ ગ્રાહકે તેમને ફરિયાદ કરી હતી. થોડા સમય પહેલાં તેઓએ ક્રેડિટ કાર્ડ લીધુ હતુ. તેમના પર એક અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો અને આ શખસે ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવવા માટે વાત કરી હતી. આ શખસે પોતાની ઓળખ બેંકના કર્મચારી તરીકે આપી હતી. બાદમાં મોબાઈલ પર આવેલો ઓટીપી મેળવી લીધો હતો. આખરે તેમના ખાતામાંથી રુપિયા કપાઈ ગયા હતા. 

84 ગ્રાહકોને લાખોનો ચૂનો ચોપડ્યો
એ પછી આવી જ રીતે બેંકના અન્ય ગ્રાહકોને પણ ફોન આવ્યા હતા. ફોન કરનારા સાઈબર ભેજાબાજે પોતાની ઓળખ બેંકના કર્મચારી તરીકે આપી હતી અને અગાઉની જેમ ઓટીપી મેળવી લીધા હતા. પછી આ જ મોડસ ઓપરેન્ડી દ્વારા 84 ગ્રાહકોનાં ખાતામાંથી રુપિયા સેરવી લીધા હતા. 

31.25 લાખ સેરવી લીધા
જાન્યુઆરી 2023થી ઓગસ્ટ 2023 દરમિયાન આ જ બેંકના 84 ગ્રાહકો પર આ રીતે કોલ આવ્યો અને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ રીતે કુલ 84 ગ્રાહકોનાં 31.25 લાખ સાઈબર ભેજાબાજોએ સેરવી લીધા હતા. આખરે જ્યારે ગ્રાહકોને ખબર પડી કે તેમની સાથે સાઈબર ફ્રોડ થયું છે ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. બાદમાં આ મામલે અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ થઈ હતી. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બેંકકર્મીની સંડોવણી તો નથી ને?
જો કે, આ મામલે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, આ મામલે બેંક કર્મચારીઓની પણ સંડોવણી  હોઈ શકે છે. કારણ કે ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બની ચૂક્યા છે. અનેક લોકોએ પોતાના બેંકના ખાતામાંથી વિવિધ સાઈબર ફ્રોડથી લાખો રુપિયા ગુમાવ્યા છે.