Adani Group: ઉદ્યોગપતિની મુશ્કેલીમાં વધારો, કોલસાની આયાત કેસની તપાસ ફરી શરૂ કરવા અરજી

સિંગાપોરના અધિકારીઓ પાસેથી તપાસકર્તાઓ જે પુરાવા માંગી રહ્યા છે તેમાં 20 બેંકો સાથે અદાણીના વ્યવહારોના દસ્તાવેજો સામેલ

Courtesy: Twitter

Share:

 

Adani Group: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે વધુ એક મુશ્કેલી ઉભી થઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કોલસાની આયાતના કથિત ઓવરવેલ્યુએશન એટલે કે વધારે મૂલ્ય દર્શાવવા બદલ અદાણી ગ્રૂપ (Adani Group)ની તપાસ ફરી શરૂ કરવા મંજૂરી માંગવામાં આવી છે. 

તપાસ એજન્સીએ સિંગાપોરમાં કેસને લગતા કેટલાક પુરાવા એકઠાં કરવાની મંજૂરી મેળવવા માટે રોજેટરી લેટર ઈસ્યૂ કરવા મુંબઈ કોર્ટમાં અરજી કરી છે. રોજેટરી લેટર એ વિદેશી એન્ટિટી સાથે સંકળાયેલી તપાસ દરમિયાન ન્યાયિક સહાય મેળવવાની ઔપચારિક વિનંતી છે.

Adani Groupની પાછળ છે ડીઆરઆઈ
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ 2016 થી સિંગાપોરના સત્તાવાળાઓ પાસેથી અદાણીના વ્યવહારો સંબંધિત દસ્તાવેજો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડીઆરઆઈએ 2014માં અદાણીની આયાતની તપાસ શરૂ કરી હતી, જે 40 કંપનીઓની વ્યાપક તપાસનો ભાગ હતો. એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે, ઈન્ડોનેશિયન કોલસાની આયાત કરતી કંપનીઓ સિંગાપોર અને અન્ય સ્થળોએ વચેટિયાઓ દ્વારા મોકલવામાં આવેલા શિપમેન્ટ બિલ બતાવીને ડિલિવરી માટે ઓવર-ઈન્વોઈસિંગ કરતી હતી.

દસ્તાવેજો જાહેર કરવા સંબંધી લડાઈ
અદાણી એન્ટરપ્રાઈઝ અને તેની સહયોગી કંપનીઓએ ભારત અને સિંગાપોરમાં આ દસ્તાવેજો જાહેર ન કરવા સંબંધિત લડાઈ જીતી લીધી છે. ગૌતમ અદાણી ગ્રૂપે (Adani Group) કહ્યું હતું કે, આ મામલે કોઈ અનિયમિતતા નથી અને ભારતીય સત્તાવાળાઓએ કોલસાના શિપમેન્ટ અને તેને પોર્ટ પરથી છોડતા પહેલા તેની કિંમતનું મૂલ્યાંકન કર્યું હતું.

9 ઑક્ટોબરના રોજ કાનૂની ફાઈલિંગમાં રેવન્યુ ઈન્ટેલિજન્સે ભારતની સર્વોચ્ચ અદાલતને નીચલી અદાલતના આદેશને રદ કરવા જણાવ્યું હતું કે, અદાણી જૂથ સિંગાપોરમાં રાખેલા દસ્તાવેજો સત્તાવાળાઓને સોંપવા માટે બંધાયેલું નથી.

ઈન્ડોનેશિયાની નિકાસ કિંમત કરતા ભારતમાં આયાત કિંમત ઉંચી
ભારતીય સત્તાવાળાઓએ અદાણી ગ્રુપની કંપનીઓ સાથે સંબંધિત 1,300 શિપમેન્ટની સમીક્ષા કરી છે. કોર્ટમાં કરેલી રજૂઆતમાં આરોપ લગાવાયો છે કે, કોલસાની આયાત કિંમત ઈન્ડોનેશિયાથી નિકાસ કિંમત કરતા ઘણી વધારે છે. જેથી દેશમાં વીજળીના ઊંચા ભાવ વસૂલી શકાય. ડીઆરઆઈએ દાવો કર્યો હતો કે, આ રકમ અબજો રૂપિયાની હોઈ શકે છે. 

એક અધિકારીએ જણાવ્યું હતું કે, સિંગાપોરના અધિકારીઓ પાસેથી તપાસકર્તાઓ જે પુરાવા માંગી રહ્યા છે તેમાં 20 બેંકો સાથે અદાણીના વ્યવહારોના દસ્તાવેજોનો સમાવેશ થાય છે, જે આ કેસમાં નાણાકીય ગરેરીતિ સાબિત કરવામાં મદદ કરી શકે છે.

કોલસાના ભાવ સાથે જોડાયેલ વીજળીનો દર
વાસ્તવમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશને છેલ્લા 5 વર્ષમાં અદાણી પાવર પાસેથી વીજળી ખરીદવા માટે જે કરાર કર્યો હતો તેમાં ઈન્ડોનેશિયાથી કોલસાની આયાત કરવા માટે એવી શરત રાખવામાં આવી હતી કે જો કોલસાના ભાવ વધે તો અદાણી પાવર વીજળીના ભાવ વધારી શકે છે. અદાણી પાવરે નક્કર માહિતી અને પુરાવા આપ્યા વિના ઊંચા વીજળીના દરો વસૂલ્યા છે અને 3900 કરોડ રૂપિયાથી વધુની રકમ મેળવી છે.

Tags :