ગેંગરેપ પછી યુવતી સાથે કર્યા લગ્ન, ફરી બળાત્કાર કરી અન્ય લોકો સાથે સૂવા માટે મજબૂર કરી

ગેંગરેપ બાદ આરોપીએ યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓએ એક વર્ષ સુધી તેણી પર બળાત્કાર ગુજાર્યો અને ત્રાસ ગુજાર્યો. આરોપીએ અશ્લીલ વિડીયો બનાવ્યો હતો.

Share:

હાઈલાઇટ્સ

  • આરોપીઓએ અન્ય લોકોને પણ યુવતી સાથે બળાત્કાર કરવા બોલાવ્યા
  • જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ પણ કરવામાં આવી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં ક્રૂરતાની વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં એક શખસે યુવતી સાથે ગેંગરેપ કરીને નિકાહ કર્યા હતા અને બાદમાં ફરીથી તેની સાથે બળાત્કાર કર્યો અને તેને અન્ય લોકો સાથે સૂવા માટે પણ મજબૂર કરી હતી. આ સમગ્ર મામલો પોલીસમાં પહોંચતા આરોપી સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગેંગરેપ બાદ આરોપી યુવકે યુવતી સાથે લગ્ન કર્યા. આ પછી તેણે એક વર્ષ સુધી તેની સાથે બળાત્કાર ચાલુ રાખ્યો. જ્યારે પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી ત્યારે આરોપીના દબાણ હેઠળ યુવતીએ યુવક સાથે રહેવા માંગે છે તેવું નિવેદન આપીને મામલો શાંત પાડ્યો હતો. હવે આરોપીને ઘરમાંથી કાઢી મુક્યા બાદ યુવતીએ બે યુવકો વિરુદ્ધ ભોજપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ ઘટના સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ હતી. 21 વર્ષની યુવતી સામાન ખરીદવા બજારમાં જઈ રહી હતી. આ દરમિયાન ગામના ત્રણ યુવકો તેને બળજબરીથી એક ખાલી મકાનમાં લઈ ગયા હતા. ત્યાં તેણીને નશાની દવા આપીને બેભાન અવસ્થામાં સામૂહિક બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ આરોપીઓએ જો તે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ડરના કારણે યુવતીએ કોઈને કશું જ ના કહ્યું. થોડા દિવસો પછી એક યુવકે યુવતીને મનાવીને તેની સાથે લગ્ન કરી લીધા. આ પછી તેની સાથે ફરીથી બળાત્કાર કરવા લાગ્યો. થોડા દિવસો પછી, જ્યારે છોકરીના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી, ત્યારે પોલીસે છોકરીને શોધી કાઢી. સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે ડીસીપી રૂરલના આદેશ પર બંને આરોપીઓ વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને પીડિતાના નિવેદનના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પીડિતાનું કહેવું છે કે યુવકે પોતાને બચાવવા માટે તેની સાથે લગ્ન કર્યા હતા. એક વર્ષ સુધી તેણે રેપ કર્યો અને અન્ય લોકોને પણ તેના પર બળાત્કાર કરવા માટે બોલાવ્યા હતા. વિરોધ કરવા પર તેના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં, આરોપીઓએ યુવતીનો અશ્લીલ વિડીયો પણ મોબાઈલમાં કેદ કર્યો હતો. જેથી સમાજમાં પરિવારની આબરું બચાવવા યુવતી આ બધું સહન કરતી રહી.