પત્ની અને બે બાળકોની હત્યા કરીને ડોક્ટર પતિએ આપઘાત કર્યો, સામે આવ્યું કારણ

રાયબરેલીમાં આંખના ડોક્ટરે પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કર્યા બાદ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં હત્યા-આત્મહત્યા પાછળનું સંભવિત કારણ ડિપ્રેશન હોવાનું પોલીસનું કહેવું છે.

Share:

હાઈલાઇટ્સ

  • રાયબરેલીમાં હત્યા અને આત્મહત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો
  • ડોક્ટર પતિએ પત્ની અને બે બાળકોની હત્યા કરીને આપઘાત કરી લીધો

લખનૌ: ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક ડોક્ટરે પત્ની અને બાળકોની હત્યા કરીને આપઘાત કરી લીધો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર રાયબરેલીમાં રહેતા 45 વર્ષીય ડૉક્ટર અરુણ કુમાર સિંહે મંગળવારે રાત્રે આપઘાત કરતા પહેલા તેની પત્ની, પુત્ર અને પુત્રીની કથિત રીતે હત્યા કરી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને હત્યા-આત્મહત્યાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

ઘરમાંથી મળ્યા ચારેયના મૃતદેહ, પોલીસે જણાવ્યું કારણ

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચારેયના મૃતદેહ મોર્ડન રેલકોચ ફેક્ટરી ટાઉનશીપ સ્થિત તેમના ઘરેથી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે સિંહે આંખના નિષ્ણાત હતા અને તેઓ ડિપ્રેશન સામે લડી રહ્યા હતા.

ફોરેન્સિક રિપોર્ટમાં શું આવ્યું?

સમગ્ર મામલે રાયબરેલીના એસપી આલોક પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ અને ફોરેન્સિક પુરાવાના આધારે એવું લાગે છે કે ડૉ. સિંહે આપઘાત કરતા પહેલા તેની પત્ની અર્ચના (40), પુત્ર આરવ (4) અને પુત્રી અરીબા (11)ની હત્યા કરી હતી. પોલીસ તપાસ દરમિયાન પત્ની અને બાળકોના મૃતદેહ એક પલંગ પરથી મળી આવ્યા હતા.

હત્યાનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ડોક્ટર સિંહની માનસિક સ્થિતિ અને હત્યા પાછળનું સંભવિત કારણ જાણવા માટે તેના મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથે વાત કરી રહ્યા છીએ. હાલ હત્યા-આત્મહત્યાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.